પંચમહાલ જિલ્લાના હાલોલની કોર્ટે મંગળવારે 2002ના ગોધરાકાંડ પછીના કોમી રમખાણોના કેસમાં પુરાવાના અભાવે બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે, જેમાંથી આઠ લોકો સુનાવણીકાળ દરમિયાન મૃત્યુ પામ્યા છે.
2002ના ફેબ્રુઆરી અને માર્ચમાં ગોધરામાં અયોધ્યાથી હિંદુ યાત્રાળુઓને લઈ જતી સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવાયા બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. બીજા દેવાશે 28 ફેબ્રુઆરી, 2002ના રોજ પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના દેલોલ ગામમાં બે બાળકો સહીત 17 મુસ્લિમોની હત્યા થઇ હતી. ત્યાર બાદ આ કેસમાં 22 વ્યક્તિઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, તેઓએ પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી જેમની હત્યા કરી હતી તેમના મૃતદેહોને પણ સળગાવી દીધા હતા. ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા બાદ તમામ આરોપીઓ 2004થી જેલની બહાર હતા.
કોર્ટે તમામ પુરાવાઓની તપાસ કરી, જેમાં મૃતકોના હાડકાંનો અહેવાલ પણ સામેલ છે, પરંતુ ફોરેન્સિક પરીક્ષણોમાં નિર્ણાયક તથ્યો મળ્યા ન હતા. 100 થી વધુ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા.
કોર્ટે આ કેસમાં પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા કારણ કે હત્યાના લગભગ બે વર્ષ પછી ડિસેમ્બર 2003માં FIR નોંધવામાં આવી હતી.