શનિવારે 22મી એપ્રિલ 2023ના અક્ષય તૃતિયા છે અને આ દિવસે સોનામાં રોકાણ કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નાનામાં નાની વ્યક્તિ પણ પોતાની ક્ષમતા અનુસાર સોનું ખરીદવાનો પ્રયાસ કરે છે. સોનામાં રોકાણની વાત કરીએ તો છેલ્લાં કેટલાક મહિનામાં જે-જે લોકોએ સોનામાં રોકાણ કર્યું છે એમને જબરદસ્ત વળતર મળ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે 20 વર્ષ પહેલા 2003માં જે લોકોએ અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદ્યું હશે, તેની કિંમત આજે 10 ગણી વધી ગઈ છે.
બે દાયકા પહેલાં 4થી મે 2003ના રોજ અક્ષય તૃતિયા હતી અને એ દિવસે સોનું 5656 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું. 2023ની વાત કરીએ તો અક્ષય તૃતિયાના તહેવાર પહેલાં સોનાનો ભાવ રૂ. 60,560 પ્રતિ 10 ગ્રામના ભાવ છે. એટલે કે 20 વર્ષમાં સોનાની કિંમત 54,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી છે. એટલે કે 20 વર્ષમાં સોનાની કિંમતમાં 1000 ટકાનો ઉછાળો આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો 20 વર્ષ પહેલાં તો તમે અક્ષય તૃતિયાના દિવસે એક લાખની કિંમતનું સોનુ ખરીદ્યું હોત, તો તેની કિંમત વધીને લગભગ 10 લાખ રૂપિયા થઈ ગઈ હોત…
માત્ર સોનું જ નહીં પણ ચાંદીની કિંમતમાં પણ ખાસ્સો એવો વધારો જોવા મળી રહ્યો છે અને વીસ વર્ષમાં તેની કિંમતમાં પણ 900 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. 4થી મે, 2003ના રોજ ચાંદી રૂ. 7550 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી હતી, જે હવે રૂ. 76,200 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. એટલે કે 20 વર્ષમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 68,650 રૂપિયાનો વધારો થયો છે. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો આ 20 વર્ષમાં ચાંદીના ભાવમાં 900 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
2022માં, અક્ષય તૃતિયાના દિવસે સોનું 50808 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, એટલે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સોનાની કિંમતમાં 19.20 ટકા અથવા 9760 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવમાં સતત થઈ રહેલો વધારો હજી થોડાક સમય તો અટકવાનો જ નથી. આગામી દિવસોમાં સોનાનો ભાવ 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સુધી પહોંચી શકે છે.
જ્વેલરી, બાર અને સિક્કાના રૂપમાં સોનું ખરીદવું એ સામાન્ય રીતે સોનામાં રોકાણ કરવાની પસંદગીની રીત છે, તમે ગોલ્ડ ઇટીએફ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અથવા સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (એસજીબી)માં રોકાણ કરી શકો છો કારણ કે આ પ્રકારના રોકાણમાં તમારે શુદ્ધતા, સંગ્રહ અને અન્ય શુલ્કની ચિંતાથી મુક્ત હોવ છો…