વડોદરાઃ કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુરુવારે સવારે ચાર્જિંગ સ્ટેશન પર મુકેલી વીસ જેટલી ઈ-રિક્ષા એક સાથે ભડકે બળી ઉઠતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.
ગુરુવારે વહેલી સવારે મળસ્કે ચાર્જિંગ પોઈન્ટથી થોડે દૂર ઊભેલી 20 જેટલી ઈ- રિક્ષાઓમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ છે. એક સાથે વીસ રિક્ષા સળગી ઉઠતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વ્યવસ્થાપન કરતું મંડળ, ફાયર બ્રિગેડ તેમ જ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
પ્રાથમિક તપાસમાં હાઈ વોલ્ટેજને કારણે ચાર્જિંગમાં મૂકાયેલી રિક્ષાઓ બળી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ મામલે ટેક્નિકલ ટીમે વધુ તપાસ હાથ ધરી છે અને કોઈ અસામાજિક તત્વ દ્વારા આ કૃત્ય નથી આચરવામાં આવ્યું ને એ દિશામાં પણ તપાસ કરાઈ રહી છે.
સાધનો પાસેથી મળેલી માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ગુરુવારે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવા દરમિયાન રિક્ષાઓ ચાર્જિંગ સ્ટેશનથી થોડેક દૂર પાર્કિંગમાં રાખવામાં આવી હતી તે દરમિયાન આગ લાગી હતી.
નર્મદા જિલ્લાના એક્તાનગર કેવિડયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (એસઓયુ)માં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યા લઈ જવા માટે તંત્ર દ્વારા ઈ-રિક્ષા અને ઈ-કાર્સની ગોઠવણ કરવામાં આવી છે. સ્ટેચ્યુથી 7 કિલોમીટર દૂર પ્રવાસીઓએ પોતાના વાહનો પાર્ક કરીને ઈ-રિક્ષા કે ઈ- વેહિકલમાં પ્રવાસ કરવો પડે છે. 100થી વધુ પિંક રિક્ષા એક્તાનગરમાં ફરે છે.