ઉતરાયણ નજીક આવતા પતંગની દોરીને કારણે થતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં પતંગની ચાઇનીઝ દોરીએ 2 લોકોના જીવ લીધા છે. જયારે એક કિશોર ગંભીર રીતે ઘાયલ થયો છે. સુરત અને વડોદરામાં ચાઈનીઝ દોરીએ એક-એક એકનો ભોગ લીધો હતા.
વડોદરાના દંતેશ્વર વિસ્તારના ભાથુજી પાર્કમાં રહેતો ખાનગી કંપનીમાં નોકરી કરતો રાહુલ બાથમ નામનો યુવાન રવિવારે બપોરે ઘરેથી નીકળ્યો હતો. સાંજે છ વાગ્યાની આસપાસ નવાપુરા પોલીસ મથક પાસેથી બાઈક લઈને પસાર થઇ રહ્યો હતો ત્યારે કપાયેલી પતંગનો દોરો ગળા પર વીંટળાઈ જતા ગંભીર ઇજા પહોંચી હતી. પતંગની દોરીના ઘસારાથી ગળું કપાઈ જતા લોહી વહી ગયું હતું. સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેણે સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગાય હતા. જ્યા તેમનું મોત નીપજ્યું હતું.
ત્યારે સુરત શહેરમાં પણ એક બાઈકચાલકનું પતંગ દોરીને લીધે મોત નીપજ્યું હતું. કામરેજ ચારરસ્તા પાસે પતંગની દોરીથી બાઈક સવાર શ્રમજીવી બળવંત ઉર્ફે રાજુ પટેલનું ગળું કપાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અમદાવાદમાં પણ એક કિશોર ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત થયો છે. જમાલપુર પાસે રિવરફ્રન્ટ રોડ પર પિતા સાથે બાઈક પર જઈ રહેલા કિશોરના ગળા પર ચાઇનીઝ દોરી વીંટળાઈ જતા કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. કિશોરના ગળાના ભાગે ઊંડો ઘસરકો પડી ગયો હતો. સદનસીબે તેનો જીવ બચી જવા પામ્યો હતો.