(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતમાં અરબો રૂપિયાના મૂડીરોકાણો અને નવા ઉદ્યોગો સાથેના સમજૂતી કરારથી રોજગારી વધી હોવાના સરકારી દાવા વચ્ચે પણ ચિંતાજનક રીતે શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના ૩૧ જિલ્લામાં શિક્ષિત બેરોજગારોની સખ્યા ૨,૭૦,૯૨૨, અર્ધશિક્ષિત બેરોજગાર ૧૨,૨૧૯ મળીને કુલ ૨૮૩,૧૪૦ બેરોજગારો નોંધાયા છે. તેની સામે સરકારે ૪,૭૦, ૪૪૪ બેરોજગારોને ખાનગી કંપનીઓ અને ઉદ્યોગોમાં રોજગારી પૂરી પાડી હોવાનો દાવો કર્યો છે. પરંતુ સરકારી રોજગારી કચેરી દ્વારા મળેલી માહિતી પ્રમાણે સરકારી નોકરી કેટલાં બેરોજગારોને મળી તેની માહિતી કચેરી પાસે ઉપલબ્ધ ન હતી, તેવો આક્ષેપ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાત કૉંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી બેરોજગારોની માહિતી સંકલિત કરીને જાહેર કરીને એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં સરકારી મહેકમ ભરવા બાબતે અવાર નવાર યુવાનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે. પેપર લીક થવાના કારણે સમયસર ભરતી થઇ શકતી નથી. જેના કારણે રાજ્યમાં બેરોજગારી વધી રહી છે. ખાનગી ક્ષેત્રે રોજગારી આપવામાં સરકાર સફળ બની છે પરંતુ સરકારી નોકરી આપવામાં સરકાર નિષ્ફળ બની હોય તેવા આક્ષેપ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો, લોક રક્ષક, વિવિધ સવર્ગના ક્લાર્કની ભરતી માટે આયોજન કરવામાં આવ્યુ છે.
દરમિયાન રાજ્યના શ્રમ, કૌશલ્ય અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧,૫૦,૦૦૦ જેટલા શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે. ભારતનો બેરોજગારી દર ૪.૪ ટકા છે ત્યારે ગુજરાતનો દર માત્ર ૨.૨ ટકા છે જે ગુજરાત માટે ગર્વની વાત છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ છે. ઉ