દવાની ગુણવત્તાના કારણે 18 ફાર્મા કંપનીઓના લાયસન્સ સસ્પેન્ડ
કેન્દ્ર સરકારે નકલી દવાઓનું ઉત્પાદન કરવા બદલ દેશની 18 ફાર્મા કંપનીઓના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. એક ટોચના સત્તાવાર સૂત્રએ મંગળવારે જણાવ્યું હતું કે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે 20 રાજ્યમાં 76 કંપનીઓની તપાસ કરી હતી અને ત્યાર બાદ 18 કંપનીના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે 26 કંપનીને દવાઓની નબળી ગુણવત્તાને કારણે કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. કેન્દ્રએ ત્રણ ફાર્મા કંપનીઓની ઉત્પાદન પરવાનગીઓ પણ રદ કરી દીધી છે.
કેન્દ્ર અને રાજ્યો દ્વારા સંયુક્ત અભિયાનમાં 20 રાજ્યોમાં ફાર્મા કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘નૉટ ઑફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી’ દવાનું ઉત્પાદન બંધ કરવા અને દેશભરમાં દવાની સારી મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (જીએમપી) સુનિશ્ચિત કરવા માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. સૂત્રએ જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી DCGIની કાર્યવાહી આંધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, સિક્કિમ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં હાથ ધરવામાં આવી હતી. સૂત્રએ જણાવ્યું હતું કે દેશમાં સબસ્ટાન્ડર્ડ દવાઓના ઉત્પાદનને રોકવા માટે વિશેષ અભિયાન ચાલુ રહેશે. નોંધનીય છે કે તાજેતરમાં ગામ્બિયા અને ઉઝબેકસ્તાનમાં ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચાર આવતા ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર સવાલ ઉઠ્યા હતા.