મુલુંડમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાના માથા પર બે દિવસનો પાણીકાપ લાદવામાં આવ્યો છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુલુંડ જકાત નાકા પાસે સોમવાર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડયું હતું, જેમાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. મુંબઈ મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે પાઈપલાઈનનું સમારકામ હાથ ધર્યું હતું. આ કામ બે દિવસ ચાલવાનું છે. તેથી બુધવાર સુધી પૂર્વ ઉપનગર અને દક્ષિણ મુંબઈના મોટાભાગના વિસ્તારમાં ૧૫ ટકા પાણીકાપ રહેશે. તેથી આ સમય દરમિયાન મુંબઈગરાને પાણી સંભાળીને વાપરવાની અપીલ કરવામાં આવી છે.
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉપોરેશન દ્વારા બોક્સ કલ્વટરનું કામ કરવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન મુલુંડ જકાત નાકા પાસે હરિઓમ નગરમાં પાલિકાની ૨,૩૪૫ મિલીમીટર વ્યાસની ‘મુંબઈ-૨’ પાણીની પાઈપલાઈનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સોમવારે જણાઈ આવ્યું હતું. પાઈપલાઈનને થયેલા નુકસાનને કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો.
પાલિકાના જણાવ્યા મુજબ પિસે-પાંજરાપુર કૉમ્પલેક્સમાંથી પાણી લઈ આવનારી આ પાઈપલાઈનમાં ગળતરનું સમારકામ તાત્કાલિક હાથ ધરવામાં આવ્યું હતું. આ સમારકામ સોમવાર , ૨૭ માર્ચના રાત ૧૦ વાગ્યાથી ચાલુ થયું હતું, જે બુધવાર ૨૯ માર્ચના રાતના ૧૦ વાગ્યા સુધી ચાલવાનું છે. તેથી સોમવાર ૨૮ માર્ચ, ૨૦૨૩ના રાતના ૧૦ વાગ્યાથી બુધવાર ૨૯ માર્ચના રાતના ૧૦ વાગ્યા સુધી પૂર્વ ઉપનગર અને શહેરમાં ૧૫ ટકા પાણીકાપ રહેશે.