આર્મેનિયામાં લશ્કરી થાણામાં આગ લાગવાથી ઓછામાં ઓછા 15 સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ સૈનિકને નજીકના મેડિકલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાની માહિતી સંરક્ષણ મંત્રાલયે આપી હતી. ફાયર ફાઇટરને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. આર્મેનિયાની તપાસ સમિતિએ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે ફોજદારી કેસ દાખલ કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે દુર્ઘટનાને લઈને 2જી આર્મી કોર્પ્સના કમાન્ડરને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે.
આર્મેનિયાનું આ લશ્કરી એકમ આર્મેનિયાના ગેઘરકુનિક ક્ષેત્રમાં અઝત ગામ નજીક સ્થિત છે. આગને કારણે આસપાસના 104 ચોરસ મીટરના વિસ્તારમાં બિલ્ડિંગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
આર્મેનિયન સંરક્ષણ પ્રધાને કેબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે આર્મી બેરેકની જગ્યાને ગરમ કરવા માટે ગેસોલિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને કારણે આગ ફાટી નીકળી હતી. લશ્કરી થાણામાં ગેસોલિનનો ઉપયોગ પ્રતિબંધિત છે.