છેલ્લાં કેટલાંય સમયથી ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો અને માણસ મરી ગયો એવા સમાચારો સાંભળવા મળે છે. માત્ર ક્રિકેટ જ નહીં પણ અન્ય રમતો રમતા અને જીમમાં કસરત કરતાં હાર્ટ એટેક આવીને મૃત્યુના સમાચારો પણ સતત સાંભળવા મળી રહ્યાં છે પણ હમણાં પુણેથી જે સમાચાર આવ્યા એ ખરેખર આઘાતજનક છે. પુણેમાં એક 14 વર્ષનો છોકરો ક્રિકેટ રમી રહ્યો હતો અને તેને અચાનક હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો અને એક 14 વર્ષનો છોકરો મૃત્યુ પામ્યાની ઘટના પુણેમાં બની છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આ છોકરાનું નામ વેદાંત ધામણકર છે. પુણેના હડપસર વિસ્તારમાં આ ઘટના બની છે.
ઉનાળાનું વેકેશન પડતાં વેદાંત તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. એ સમયે અચાનક તેની છાતીમાં દુ:ખાવો થતાં વેદાંતના મિત્રોએ તેના પિતાને આ બાબતે જાણ કરી હતી. પિતા તરત જ વેદાંતને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતાં. જોકે ત્યાં હાજર તબીબે તેને બીજી હોસ્પિટલમા લઇ જવા કહ્યું હતું. બીજી હોસ્પિટલમાં પહોંચતા ફરજ પરના તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. તિવ્ર હાર્ટ એટેકને કારણે વેદાંતનું મૃત્યુ થયું હોવાનું તબીબે જણાવ્યું હતું.