મલેશિયામાં શુક્રવારે વહેલી સવારે ભૂસ્ખલન થવાને કારણે 5 વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા બાર લોકોના મોત થયા છે. ભૂસ્ખલનમાં 20થી વધુ લોકો ફસાયા હોવાની પણ આશંકા છે. અહેવાલો અનુસાર, કુઆલાલંપુરની બહારના સેલાંગોર રાજ્યમાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન બાદ તુરંત રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
રાજધાની કુઆલાલંપુરની બહાર આવેલા સેલાંગોર રાજ્યમાં સ્થાનિક સમય મુજબ સવારે 3 વાગ્યે (1900 GMT) ભૂસ્ખલન થયું હતું. રાજ્યના અગ્નિશમન અને બચાવ વિભાગના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રસ્તાની બાજુમાં કેમ્પિંગની સુવિધા પૂરી પાડતું ફાર્મહાઉસ ભૂસ્ખલનથી નાશ પામ્યું હતું. ભૂસ્ખલન કેમ્પિંગ સ્થળથી અંદાજિત 30 મીટર (100 ફૂટ) ની ઊંચાઈ પરથી થયું હતું, જેને કારણે આસપાસનો લગભગ એક એકર (0.4 હેક્ટર) વિસ્તાર પ્રભાવિત થયો હતો.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા એક સંદેશા અનુસાર, ભૂસ્ખલનમાં 90 થી વધુ લોકો ફસાયા હતા અને 59 સુરક્ષિત મળી આવ્યા છે, જ્યારે 22 હજુ પણ ગુમ છે.12 મૃતકો ઉપરાંત, આઠને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.