મધ્યપ્રદેશના શ્યોપુરમાં આવેલા કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યાને 48 કલાકથી વધુનો સમય થઈ ગયો છે. તેઓ તેમના ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં ઘડીકમાં મઝા કરતા, તો ઘડીકમાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા.
48 કલાક દરમિયાન ડોકટરોની ટીમ ચિત્તાઓની આરોગ્ય તપાસ માટે છ વખત ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં ગઈ હતી, જેમાં તેઓ શારીરિક અને માનસિક રીતે ફિટ હોવાનું જણાયું હતું. તેમના આગમન બાદ તેમને ભોજન અને પાણી પણ પીરસવામાં આવ્યું હતું. ચિત્તાઓએ બીજો દિવસ આનંદથી ભરપૂર વાતાવરણમાં વિતાવ્યો હતો. નિષ્ણાતો માની રહ્યા છે કે ચિત્તા ટૂંક સમયમાં નવા વાતાવરણમાં અનુકૂળ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકાથી 7,929 કિમીની મુસાફરી કર્યા પછી, 12 ચિત્તા (5 માદા અને 7 નર) 18 ફેબ્રુઆરીના રોજ કુનો નેશનલ પાર્કમાં પહોંચ્યા હતા. તેમને મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ઉદ્યાનમાં બાંધવામાં આવેલા ક્વોરેન્ટાઇન એન્ક્લોઝર્સમાં છોડવામાં આવ્યા હતા. કુનો નેશનલ પાર્કના ક્વોરેન્ટાઇન એન્ક્લોઝર્સમાં ચિત્તાઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આપણા દેશમાં ચિત્તાની વસતી રહી જ નથી. દેશનો છેલ્લો ચિત્તો હાલના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં 1947માં મૃત્યુ પામ્યો હતો અને 1952માં આ પ્રજાતિને લુપ્ત જાહેર કરવામાં આવી હતી. હવે સાત દાયકા બાદ ભારત સરકાર દેશમાં ફરીથી ચિત્તાઓને વસાવવા માગે છે. એ માટે કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે જ દ. આફ્રિકાથી ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા છે.