મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મહામંડળે લીધેલી દસમા અને બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ સમયસર જાહેર થશે એવી જાણકારી મળી છે. બારમા ધોરણનું પરિણામ મે મહિનાના અંત સુધીમાં અથવા જૂનના પહેલા અઠવાડિયામાં જાહેર જ્યારે દસમાનું રિઝલ્ટ ૧૦ જૂન પહેલા જાહેર થાય એવી સંભાવના છે.
રાજ્ય મંડળ દ્વારા દસમા અને બારમા ધોરણની પરીક્ષા સમયસર લેવામાં આવી છે. જોકે, લાંબા સમયની પોતાની માગણી સ્વીકારવામાં આવે એ હેતુથી બારમા ધોરણની ઉત્તરપત્રિકા નહીં તપાસવાનો નિર્ણય રાજ્યના જુનિયર કોલેજના શિક્ષકોએ લીધો હતો. આ સમસ્યા આઠ દિવસથી ચાલુ હતી. પરિણામે બારમા ધોરણનું પરિણામ સમયસર જાહેર થશે કે કેમ એ વિશે શંકા હતી. એમાં વળી જૂની પેન્શન સમસ્યાના મુદ્દે સરકારી કર્મચારી અને શિક્ષકો હડતાળ પર ઉતર્યા હોવાથી દસમા અને બારમા ધોરણના પરિણામ સમયસર જાહેર થવા અંગે શંકા નિર્માણ થઈ હતી. જોકે, આ બંને પરીક્ષાના રિઝલ્ટ સમયસર જાહેર કરવામાં આવશે એવી ખાતરી રાજ્ય શિક્ષણ મંડળે આપી છે.