જેમના માથે કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી હોય છે અને આ જવાબદારીના ભાગરૂપે તેઓ દંડા પણ મારતા દેખાય છે, તેવા પોલીસને જ દંડ થાય તો? રાજકોટમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન એક-બે નહીં, પરંતુ સો પોલીસકર્મી હેલ્મેટ વિના દેખાયા હતા અને તેમને પણ દંડ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારો અને શાળાના બાળકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની સમજણ આપવામાં આવી હતી. હવે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્રારા હેલ્મેટ ને લઇને કડક કાર્યવાહી કરવાના સંકેત આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા 100થી વધુ પોલીસકર્મી કે જેમણે હેલ્મેટ પહેરેલ ન હોય તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરમાં લોકો 100 ટકા હેલ્મેટ પહેરે તે માટે પોલીસ કામગીરી કરી રહી છે. જો કે પોલીસનો હેતુ માત્ર દંડ કરવાનો નથી, કડક કાર્યવાહીથી જરૂર હેલમેટ પહેરાવી શકાય છે અને હેલમેટ નહિ પહેનનાર પાસેથી દંડ વસુલી શકાય છે પરંતુ લોકોનો સાથ સહકાર જરૂરી છે. લોકો સામે ચાલીને હેલ્મેટનો ઉપયોગ કરે તે જરૂરી છે. ટ્રાફિક પોલીસ દ્રારા લોકોને જાગૃત કરવામાં આવશે તેમને વિશ્વાસમાં લેવામાં આવશે ત્યારબાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો અને પોલીસ પરિવારના કોઇ સભ્ય હેલ્મેટ પહેર્યા વગર બાઇક લઇને બહાર નીકળે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
માત્ર પોલીસ અને તેના પરિવારના 100 જેટલા લોકોને ટ્રાફિક અંગેનો દંડ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ બાદ હવે સામાન્ય માણસને પણ ટ્રાફિક પોલીસ દ્રારા હેલ્મેટ પહેરવાની વિનંતી કરવામાં આવી છે જો હેલ્મેટ નહિ પહેરવામાં આવે તો આગામી દિવસોમાં દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં હેલમેટના નિયમની કડક અમલવારી માટે 17 જાન્યુઆરીના રોજ હાઇકોર્ટે પણ ટકોર કરી હતી.