ફક્ત એક મહિનામાં દુનિયાના રઈસોમાં ત્રીજાથી ત્રીસમા ક્રમે પહોંચ્યા
નવી દિલ્હી: ફક્ત એક મહિનાના ગાળામાં ગૌતમ અદાણી વિશ્ર્વના ધનાઢ્યોમાં ત્રીજા ક્રમથી ત્રીસમા ક્રમે પહોંચ્યા છે. તેમની પોતાની મિલકતોમાં ૮૦ અબજ અમેરિકન ડૉલરનો ઘટાડો થયો છે. હિન્ડનબર્ગ રિપોર્ટ આવતાં પહેલાં તેમની મિલકતો ૧૨૦ અબજ અમેરિકન ડૉલરની હતી, એ ઘટીને નેટવર્થનો આંકડો ૪૦ અબજ અમેરિકન ડૉલર પર પહોંચ્યો છે. હિન્ડનબર્ગ રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રૂપના શૅરોમાં વેચવાલીને પગલે એ ગ્રૂપની ૧૦ લિસ્ટેડ કંપનીઓના શૅરોમાં ૧૦.૦૬ લાખ કરોડ રૂપિયા (લગભગ ટાટા ક્ધસલ્ટન્સી-ટીસીએસના માર્કેટ કૅપિટલાઇઝેશનને સમકક્ષ રકમ)નું ધોવાણ થયું છે.
સી પોર્ટ્સ, ઍરપોર્ટ્સ, ખાદ્યતેલ, કોમોડિટીઝ, ઊર્જા, સીમેન્ટ અને ડેટા સેન્ટર્સ સહિત અનેક ક્ષેત્રોમાં ધંધો કરતા અદાણી ગ્રૂપને અમેરિકન શોર્ટ-સેલર કંપની હિન્ડનબર્ગના રિપોર્ટથી મોટો ફટકો પડ્યો હતો. વર્ષ ૨૦૨૦માં હિન્ડનબર્ગના રિપોર્ટમાં નિકોલા મોટર્સમાં ફ્રૉડના આરોપો પછી એ કંપનીને પણ મોટો ફટકો પડ્યો હતો. હિન્ડનબર્ગે ૨૪ જાન્યુઆરીએ બહાર પાડેલા રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર શૅરોમાં ગોલમાલ અને એકાઉન્ટિંગ ફ્રૉડ અને પોતાના શૅરોના ભાવ ઊંચા બતાવવા માટે વિદેશોની નિષ્ક્રિય અને બનાવટી કંપનીઓનો ઉપયોગ કર્યાના આરોપ મુક્યા હતા. અદાણી ગ્રૂપે એ આરોપોને ‘બદઇરાદાભર્યા’, ‘આધારહીન’ અને ‘ભારત પર ગણતરીપૂર્વક કરાયેલા પ્રહાર’ સમાન ગણાવતાં નકાર્યા હતા.
અદાણી ગ્રૂપના શૅરોની વેચવાલીને પગલે સીએનજી રિટેલિંગની ફ્રાન્સની ટોટલ એનર્જીઝ સાથે જોઇન્ટ વેન્ચર કંપની અદાણી ટોટલ ગૅસના શૅરોની માર્કેટ વેલ્યૂમાં ૮૦.૬૮ ટકા, ફ્રાન્સની કંપનીનું મૂડીરોકાણ ધરાવતી કંપની અદાણી ગ્રીન એનર્જીના શૅરોની માર્કેટ વેલ્યૂમાં ૭૪.૬૨ ટકા, અદાણી ટ્રાન્સમિશનના શૅરોની માર્કેટ વેલ્યૂમાં ૭૪.૨૧ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસના શૅરોની માર્કેટ વેલ્યૂમાં ૬૨ ટકાનો ઘસારો થયો છે. અદાણી પાવર, અદાણી વિલ્માર, સીમેન્ટ યુનિટ્સ, મીડિયા કંપની એનડીટીવી તેમ જ અદાણી પોર્ટ્સ ઍન્ડ એસઇઝેડના શૅરોના ભાવ-માર્કેટ વેલ્યૂમાં પણ મોટું ગાબડું પડ્યું છે.
ગયા વર્ષે એશિયાના સૌથી વધુ ધનાઢ્યોની યાદીમાં પ્રથમ ક્રમે મુકેશ અંબાણીનું સ્થાન ગૌતમ અદાણીએ પ્રાપ્ત કર્યું હતું. એ સાથે તેઓ વિશ્ર્વના સૌથી અમીર વેપારી-ઉદ્યોગપતિઓમાં ત્રીજા સ્થાને પહોંચ્યા હતા. આજે મુકેશ અંબાણી ૮૧.૭ અબજ અમેરિકન ડૉલરની નેટવર્થ સાથે વિશ્ર્વના રઈસોમાં ૧૦મા ક્રમે છે. અમેરિકાના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને હાર્વર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ લૅરી સમર્સે અદાણી ગ્રૂપની કટોકટીની તુલના વર્ષ ૨૦૦૧ના અમેરિકન ઊર્જા કંપની એન્રોનના કૌભાંડ જોડે કરી હતી. (એજન્સી)