(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતને જીએસટીના વળતર તરીકે હજુ સુધી રૂ. ૯,૧૩૬ કરોડ મળ્યાં નથી. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં જીએસટીના બાકી પેટે રૂ. ૨૧,૨૬૪ કરોડ ચૂકવ્યા છે જ્યારે રૂ. ૯,૧૩૬ કરોડની ચૂકવણી હજુ બાકી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાના પ્રશ્ર્નના ઉત્તરમાં નાણાં પ્રધાન કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ માટે, ગુજરાતે જીએસટીના વળતર તરીકે રૂ. ૩૦,૪૦૦ કરોડનો દાવો કર્યો છે. જે પૈકી રૂ. ૨૧,૨૬૪ કરોડ ચૂકવ્યા છે જ્યારે રૂ. ૯,૧૩૬ કરોડની ચુકવણી હજુ બાકી છે. રૂ. ૨૧,૨૬૪ કરોડ પેટે ૪,૨૦૦ કરોડ રોકડ અને ૧૭,૦૪૫ કરોડ લોન તરીકે ચૂકવ્યા છે. કેન્દ્ર તે લોન પરનું વ્યાજ સેસ ફંડ દ્વારા ચૂકવશે. વિધાનસભા ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા દરમિયાન કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જીએસટીનો કાયદો અમલમાં આવ્યા પછી ગુજરાતને દર વર્ષે સરેરાશ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ રાજ્ય છે. આ જ કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે જીએસટીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. મોઢવાડિયાના સવાલ સામે દેસાઇએ કહ્યું હતું કે, આ સેસ રાજ્યોને વળતર ચૂકવવાના હેતુથી તમાકુ, કોલસો અને સોફ્ટ ડ્રિંક્સ જેવાં વિવિધ ઉત્પાદનોમાંથી એકત્રિત કરવામાં આવે છે. કેન્દ્રએ ગુજરાતને લોન તરીકે રૂ. ૧૭,૦૪૫ કરોડ ચૂકવ્યા કારણ કે કોવિડ-૧૯ રોગચાળાને કારણે ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ દરમિયાન કેન્દ્રનું સેસ કલેક્શન ઓછું હતું. કેન્દ્રએ આરબીઆઈ પાસેથી લોન લીધી અને અમને તેમાંથી લોન આપી હતી. કેન્દ્ર તેના પર સેસ ફંડ દ્વારા વ્યાજ ચૂકવશે.
વિપક્ષ દ્વારા પૂછવામાં આવતા દેસાઇએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલે તેની તાજેતરની બેઠકમાં રૂ. ૮૬૪ કરોડની ચુકવણીને મંજૂરી આપી છે.દેશના વિકાસ માટે દેશમાં આવકના તમામ સ્ત્રોત સમાન રીતે વહેંચવા જોઈએ.તેમણે જીએસટી કાયદાનો બચાવ કરતા કહ્યું કે કેન્દ્રએ ભૂતકાળમાં ગુજરાતને વળતર ચૂકવ્યું છે અને ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે કોઈ બાકી રકમ બાકી નથી.