(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દુબઇથી દાણચોરીથી લવાયેલું રૂ. ૪.૬૨ કરોડની કિંમતનું સોનું કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ ઍરપોર્ટ પરથી પકડી પાડ્યું હતું અને આ પ્રકરણે વિદેશી પ્રવાસીની ધરપકડ કરી હતી. પ્રવાસીની ઓળખ યાકુબ મોહંમદ અહમદ અલબ્લુશી (૫૧) તરીકે થઇ હોઇ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
દુબઇથી ફ્લાઇટમાં ૩૧ માર્ચે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આવી પહોંચેલા યાકુબ મોહંમદને એઆઇયુના અધિકારીઓએ ગ્રીન ચેનલ નજીક શંકાને આધારે આંતર્યો હતો. યાકુબના સામાનની ઝડતી લેવામાં આવતાં તેમાં છુપાવવામાં આવેલું રૂ. ૪.૬૨ કરોડનું સોનું મળી આવ્યું હતું. સોનાની દાણચોરી બદલ યાકુબ સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. યાકુબ આ સોનું કોને આપવા માટે લાવ્યો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) અદિસ અબાબાથી મુંબઈ ઍરપોર્ટ પર આવેલા પ્રવાસી પાસેથી રૂ. ૭૦ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેની પૂછપરછ બાદ એક હોટેલમાંથી નાઇજીરિયનની પણ ધરપકડ કરાઇ હતી.