મોબાઈલ ટાવરો ઊખડી પડતાં સંદેશવ્યવહાર ઠપ
ઢાકા: ખૂબ જ શક્તિશાળી એવા સાયકલોન મોચાએ મચાવેલી તબાહીના આંકડા હવે ધીરે-ધીરે બહાર આવવા લાગ્યા છે. ૨૦૯ કિ.મી. (૧૩૦ માઈલ)ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે છ જણા માર્યા ગયા છે, ૭૦૦ જણને ઈજા થઈ છે અને મોબાઈલ ટાવરો ઉખડી જતાં સંદેશવ્યવહાર ખોરવાઈ ગયો છે અને હજારો ઘરોને નુકસાન થયું છે.
જોકે, મ્યાંમારમાં આવેલા સિત્તવેનગર પાસે ત્રાટકેલાં આ વાવાઝોડાએ ખરેખર કેટલું નુકસાન કર્યું છે, તેની
જાણકારી આવતાં હજી એક-બે દિવસ થશે. રાખીને રાજ્યના ૧૭ શહેરોને તેમને થયેલાં નુકસાનની માહિતી જાહેર કરવાનું રાજ્યની વહીવટી કાઉન્સિલે જણાવ્યું છે.
એક તો આ સિત્તવે એ એશિયાના ઓછા વિકસીત દેશનો એક ભાગ છે. બીજું અહીં લશ્કરી શાસન હોવાથી આંકડાં બહાર આવતાં નથી. સિત્તવે શહેરમાં સૌથી વધારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. અહીં ૨૦,૦૦૦ જેટલાં લોકોએ પેગોડા, શાળા અને બીજાં આશ્રયસ્થાનોમાં આશ્રય લીધો હતો. તેમાંથી ૭૦૦ જણને ઈજા પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ છે.
રવિવારે બપોરે રાખીને રાજ્યમાં સાયકલોન મોચા ત્રાટક્યું ત્યારે દરિયા કિનારા નજીકના ૧૦ વિસ્તારોમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા, તેથી અહીં રહેનારા લોકો બિલ્ડિંગના ઉપરના માળે કે ઘરના છાપરાં પર આશ્રય લેવા ચડી ગયા હતા. આ બધા લોકો છાપરાં પર આખી રાત બેસી રહ્યા હતા, પણ પવન પણ આખી રાત ફૂંકાયો હતો. સાંજે ચાર વાગ્યા પછી પવનની ઝડપ થોડી ઓછી થઈ હતી એમ સિત્તવેમાં આવેલા રાખીને યુથ્સ ફિલાનથ્રોપીક એસોસિયેશનના એક નેતાએ જણાવ્યું હતું.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં સોમવારે બપોર પછી પણ દરિયાનું પાણી ૧.૫ મીટર (લગભગ પાંચ ફૂટ) જેટલું જોવા મળ્યું હતું. જોકે, પવનની ગતિ ઓછી થતાં બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સિવિલ સોસાયટીના સંગઠનો અને સત્તાવાળાઓએ સહાય મોકલી હતી અને રહેવાસીઓને સલામત સ્થળે મોકલવામાં મદદ કરી હતી.
મ્યાંમાર મીડિયાએ છ જણનાં મૃત્યુ થયા હોવાની વાતને પુષ્ટિ આપી હતી. પડોશી દેશ બાંગલા દેશમાં પણ સેંકડો લોકો ઘાયલ થયા હોવાનું જણવા મળ્યું હતું.
મ્યાંમાર લશ્કરી માહિતી કચેરીએ જણાવ્યું હતું કે આ સાયકલોનને કારણે સિત્તવે, ક્યાકપિયુ અને ગ્વા ટાઉનશિપમાં સેંકડો ઘરને નુકસાન પહોંચ્યું હતું અને ઈલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મર પણ તૂટી પડ્યા હતા.
મોચા બાંગલાદેશના કોકસ બજારને જરાય નુકસાન પહોંચાડ્યું નથી. છેલ્લી ઘડીએ આ સાયકલોન ફંટાઈ જતાં ત્યાં જરાય નુકસાન થયું નહોતું.
સેન્ટ માર્ટિન ટાપુ પર ડઝનેક લોકો ઘાયલ થયા હતા જ્યારે ૩૦૦ જેટલાં ઘર તૂટી પડ્યા હતા અથવા તેને નુકસાન થયું હતું. (પીટીઆઈ)
—-
મિઝોરમમાં ૨૩૬ ઘરને નુકસાન
ઐઝવાલ: મિઝોરમના અનેક ભાગ પર સુપર સાયકલોન મોચાની અસર જોવા મળી હતી. લગભગ ૨૩૬ જેટલાં ઘર ને આઠ શરણાર્થી છાવણીઓને નુકસાન થયું હોવાનું સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું. રવિવારે ફૂંકાયેલાં શક્તિશાળી પવનને કારણે ૫૦ કરતાં વધુ ગામના કુલ ૫,૭૪૯ લોકોને અસર થઈ હતી. જોકે કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી. કુલ ૨૩૬ ઘરમાંથી ૨૭ ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, જ્યારે ૧૨૭ ઘરોને
આંશિક નુકસાન થયું હતું. મિઝોરમના દક્ષિણ ભાગમાં આવેલાં સિઆહા જિલ્લામાં સૌથી વધારે નુકસાન જોવા મળ્યું હતું. આ જિલ્લો એ મ્યાનમાર સાથે સરહદથી જોડાયેલો છે. અહીં બે રાહત છાવણી સહિતના ૧૦૧ ઘરને પારાવાર નુકસાન થયું હતું. (પીટીઆઈ)