[ad_1]
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ભારતમાં હિંદુઓનું સૌથી મોટું સંગઠન મનાય છે પણ હિંદુઓને સ્પર્શતી સૌથી મોટી સમસ્યાઓ મુદ્દે કશું બોલતો જ નથી એવી છાપ છે. તેમાં પણ સરકારની વિરુદ્ધ બોલવાનું અઆવે ત્યારે તો સંઘના નેતા સાવ નપાણિયા સાબિત થાય છે.
આ માહોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહામંત્રી દત્તાત્રેય હોસબલેએ દેશમાં ગરીબી, બેરોજગારી અને આવકની અસમાનતા અંગે જરાય શબ્દો ચોર્યા વિના કરેલી વાતોએ આશ્ચર્ય સર્જી દીધું. હોસબોલેએ નરેન્દ્ર મોદી સરકારનો ઉલ્લેખ કર્યા વિના છોતરાં ફાડી નાંખ્યાં એમ કહીએ તો ચાલે.
સંઘની જ સંસ્થા સ્વદેશી જાગરણ મંચના વેબિનારમાં હોસબોલેએ કહ્યું કે, અત્યંર દુ:ખની વાત છે કે આજે પણ ૨૦ કરોડ લોકો ગરીબીરેખા નીચે જીવે છે અને ૨૩ કરોડ લોકો પ્રતિદિન ૩૭૫ રૂપિયાથી ઓછી કમાણી કરી રહ્યા છે. દેશ સામે ગરીબી એક રાક્ષસની જેમ પડકાર બનીને ઊભી છે અને આ રાક્ષસનો નાશ થાય તે જરૂરી છે.
હોસબોલેએ એમ પણ કહ્યું કે, ગરીબી સિવાય અસમાનતા અને બેરોજગારી એ બે એવા પડકારો છે જેનો સામનો કરવો જરૂરી છે.
અત્યારે દેશમાં ચાર કરોડ લોકો બેરોજગાર છે. ૨.૨ કરોડ લોકો ગ્રામીણ વિસ્તારોમાં અને ૧.૮ કરોડ શહેરી વિસ્તારોમાં બેરોજગાર છે અને તેમને રોજગાર આપી શકતા નથી. લેબર ફોર્સના સર્વે પ્રમાણે ભારતમાં બેરોજગારીનો દર ૭.૬ ટકા છે. હોસબોલોએ કટાક્ષ પણ કર્યો કે, રોજગારી પેદા કરવા માટે માત્ર અખિલ ભારતીય યોજનાઓની જ નહીં પણ સ્થાનિક યોજનાઓની પણ જરૂર છે.
હોસબોલેએ કુટીર ઉદ્યોગોને પુન:જીવિત કરીને ગ્રામીણ વિસ્તારોમાં તેમનો વ્યાપ વધારવા માટે કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં વધુ પહેલ કરવાનું પણ સૂચન કર્યું. આવકની અસમાનતા મુદ્દે પણ હોસબોલેએ કટાક્ષ કર્યો કે, દેશની અડધી વસતિને કુલ આવકના ૧૩ ટકા જ મળે છે એ સ્થિતિ બહુ વખાણવા જેવી નથી.
હોસબોલેએ પોતે સાવ મોદી સરકારની સામે પડી ગયા છે એવું ના લાગે એટલે એવું પણ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ પડકારનો સામનો કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. અલબત્ત એ પહેલાં તેમણે જે કંઈ કહ્યું તેની સરખામણીમાં આ એક વાક્ય કંઈ ના કહેવાય કેમ કે કેન્દ્રમાં આઠ વર્ષથી તો મોદી સરકાર છે. સ્વાભાવિક રીતે જ આઠ વર્ષનાં શાસન પછી ગરીબી, બેરોજગારી, આવક, અસમાનતા વગેરે મુદ્દે તમે બીજા કોઈ પર દોષારોપણ ના જ કરી શકો.
હોસબોલેએ જે કંઈ કહ્યું એ સો ટકા સાચું છે તેમાં શંકા નથી. આ બધી સમસ્યાઓ ગંભીર છે જ ને સંઘ તેના પર બોલવા માંડ્યો છે એ જોઈને ખરેખર આનંદ થયો. આ બધી હિંદુઓને લગતી સમસ્યાઓ જ છે ને સંઘ તેના વિશે નહીં બોલે તો કોણ બોલશે ? સંઘ જ હિંદુઓનાં હિતોની વાત નહીં કરે તો કોણ કરશે ? હોસબોલેએ એ રીતે બિલકુલ યોગ્ય મુદ્દો છેડ્યો છે અને જરાય શરમ રાખ્યા વિના સ્પષ્ટ શબ્દોમાં જે કહેવાનું છે એ કહી દીધું છે.
યોગાનુયોગ હોસબોલેએ દશેરાના ત્રણ દિવસ પહેલાં જ આ વાતો કરી છે. દર વર્ષે દશેરાએ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા સંબોધે છે. સંઘ ભારતમાં બહુમતી એવા હિંદુ સમાજનું સૌથી મોટું સંગઠન હોવાનો દાવો કરતું હોવાથી સંઘના વડા શું કહે છે તેના પર સૌની મીટ મંડાયેલી હોય છે.
અત્યારે સંઘના ભાવ વધારે ઉંચકાયેલા છે કેમ કે અત્યારે ભાજપનો સુવર્ણકાળ છે. ભાજપની કેન્દ્રમાં સરકાર છે ને દેશમાં મહત્ત્વનાં કહેવાય એવા રાજ્યોમાં પણ ભાજપની સરકાર છે.
ભાજપ અત્યારે દેશનો સૌથી મોટો પક્ષ છે ને સંઘ
ભાજપનું માઈબાપ ગણાય છે, પિતૃ સંગઠન મનાય છે તેથી તે સંઘના વડા શું કહે છે તેના પર બધાંની નજર હોય છે. આડા દાડે પણ સંઘના વડા શું કહે છે એ મહત્ત્વનું બની જાય છે ત્યારે દશેરાએ તો સંઘના વડા શું કહે છે તેના પર સૌની મીટ હોય જ છે.
આ વખતે પણ સંઘના વડા મોહન ભાગવત દશેરાના સંબોધનમાં શું વાત કરે છે તે જાણવામાં સૌને રસ છે ને એ પહેલાં હોસબોલેએ દેશ માટે મહત્ત્વના મુદ્દાઓ છેડીને એક સારો સંકેત આપ્યો છે કે, સંઘને પણ દેશની ગંભીર સમસ્યાઓ વિશે ખબર છે જ. સંઘના નેતા તેના વિશે જાહેરમાં બોલવાની હિંમત બતાવતા નથી એ અલગ વાત છે પણ સંઘ સાવ અજાણ નથી.
મોહન ભાગવત દશેરાએ પોતાના પ્રવચનમાં શું કહેશે એ ખબર નથી પણ એ પણ હોસબોલેની લાઈન પર જાય એ જરૂરી છે કેમ કે મોદી સરકાર તો આ દેશમાં બેરોજગારી, ગરીબી, આવકની અસમાનતા વગેરે સમસ્યાઓ ના જ હોય એ રીતે વર્તી રહી છે. દેશ જોરદાર પ્રગતિ કરી રહ્યો છે ને બધે લીલાલહેર છે એવું ચિત્ર ઊભું કરી રહી છે.
ભાગવત પાસેથી એ આશા છે કે મોદી સરકારને વાસ્તવિકતાનું ભાન કરાવે કેમ કે સંઘ ભાજપનો કે મોદી સરકારનો ઓશિયાળો નથી. સંઘના નેતા એ રીતે વર્તે છે એ અલગ વાત છે. બાકી વાસ્તવિકતા એ છે કે, સંઘને ભાજપની કે બીજા કોઈની જરૂર નથી. સંઘનું પોતાનું એક વજૂદ છે, એક ઓળખ છે એ જોતાં ભાગવત દેશની સમસ્યાઓ વિશે સ્પષ્ટ રીતે બોલે એ જરૂરી છે.
ભાગવતે ગયા વરસે દશેરાના સંબોધનમાં પણ બે મહત્ત્વના મુદ્દા છેડેલા. ભાગવતે હિંદુ ધર્મમાં પ્રબળ બનતી જતી જ્ઞાતિપ્રથા અને વસતી વધારાને રોકવા માટે જરૂરી નીતિની કરી હતી. ભાગવતે કહ્યું કે, ભારતમાં જ્ઞાતિવાદ જ સર્વસ્વ છે ને લોકો જ્ઞાતિવાદને આધારે જ બધું નક્કી કરે છે.
ભાગવતે વસતી વધારા મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે, ભારતમાં વસતીનું અસંતુલન સમસ્યા બની ગયું છે એ જોતાં વસતી વધારાની નીતિ અંગે ફરી વિચારણા કરવી જોઈએ અને કોઈ ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય વગેરેથી પર રહીને સમાનતાના આધારે તમામ માટે નિયમો લાગુ કરવા જોઈએ.
આશા રાખીએ કે, ભાગવત આ વખતે પણ દેશના હિતમાં જ કોઈ વાત કરે. ઉ
[ad_2]