[ad_1]
નાગરીકોએ હવે ‘રેડી ટુ કૂક’ પરોઠા પર પણ ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે
મુંબઇ: તમે પરોઠા ખાવાના શોખીન છો અને સમયના અભાવે રેડી ટુ કૂક પરોઠાના પેકેટનો આગ્રહ રાખો છો તો આ સમાચાર તમારા દાંત ખાટા કરી શકે છે.
તમને પરોઠા ખાવાનો શોખ હોય અને હાલમાં ‘રેડી ટુ ઈટ’ પરોઠાના પેકેટ ખરીદવાનો આગ્રહ રાખતા હોવ તો તમારા માટે એક આંચકાજનક સમાચાર આવી રહ્યા છે. જીએસટી અંતર્ગત ગુજરાત એપલેટ ઓથોરિટી એન્ડ એડવાન્સ રુલિંગ (જીએએએઆર) એ ‘રેડૂ ટુ કુક’ પરોઠા પર પણ ૧૮ ટકા જીએસટી લગાવવા માટેના આદેશને યોગ્ય ઠેરવતા ફરી એકવાર આની ચર્ચાએ જોર પકડયું છે. ઓથોરિટીએ પોતાના આદેશમાં કહ્યું કે જીએસટીના પાંચ ટકા એચએસએન કોડના લિસ્ટમાં ખાખરા અને રોટલી જ સામેલ છે, જ્યારે પરોઠા તે લિસ્ટમાં નથી, તેથી તેના પર ૧૮ ટકા જીએસટી લગાવવો જોઈએ.
આ નિર્ણય અમદાવાદ સ્થિત કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ પર આવ્યો છે. આ કંપની અનેક પ્રકારના ‘રેડી ટુ કુક’ પરોઠા બનાવે છે. કંપનીની દલીલ એવી હતી કે રોટલી અને પરોઠામાં બહુ ફરક નથી. બંને એક જ પ્રકારના લોટમાંથી બને છે, તેથી પરોઠા પર પણ પાંચ ટકા જીએસટી લાગવો જોઈએ. જોકે, તેને બનાવવાની પ્રક્રિયામાં થોડો ફેર છે, પરંતુ તેનો ઉપયોગ અને વપરાશ કરવાની રીત સમાન છે. જો કે જીએએએઆરએ કંપનીની દલીલને નકારી કાઢી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે પરાઠા પર ૧૮ ટકા જીએસટી લાગશે.
આ પહેલા ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સ (એએઆર)ની અમદાવાદ બેન્ચે ચુકાદો આપ્યો હતો કે ‘રેડી ટુ કુક’ એટલે કે ફ્રોઝન પરોઠા પર ૧૮ ટકા જીએસટી લાગશે. કંપનીએ તેની સામે જીએએએઆરમાં અપીલ કરી હતી, પરંતુ એપેલેટ ઓથોરિટીએ એએઆરના નિર્ણયને માન્ય રાખ્યો હતો અને ઓથોરિટીએ કહ્યું હતું કે વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદિત પરોઠામાં ૩૬થી ૬૨ ટકા લોટ હોય છે અને તેમાં બટાકા, મૂળા અને ડુંગળી સિવાય પાણી, વનસ્પતિ તેલ અને મીઠું પણ હોય છે. સાદી રોટલી કે ચપાટીમાં માત્ર લોટ અને પાણી હોય છે અને તેને સીધું જ ખાવામાં આવે છે, જ્યારે પરાઠાને ખાતા પહેલા થોડી મિનિટ માટે રાંધવા પડે છે.
વિરોધાભાસી ચુકાદો
અગાઉ, મહારાષ્ટ્ર એએઆરએ ચુકાદો આપ્યો હતો કે પરોઠા પર ફક્ત પાંચ ટકા જીએસટી લાગવો જોઈએ, પરંતુ કેરળ અને ગુજરાત એએઆરએ કહ્યું હતું કે રોટલી અને પરાઠા વચ્ચે મોટો તફાવત છે. નિષ્ણાતો કહે છે કે અલગ-અલગ પ્રકારના ચુકાદા આવા મામલાને વધુ જટિલ બનાવશે. જીએસટી કાઉન્સિલે આ મામલે પહેલ કરવી જોઈએ. થોડા સ્લેબને મિશ્રિત કરવાથી આવી બાબત સરળ બની શકે છે. જોકે, તમે સ્ટેન્ડ અલોન રેસ્ટોરન્ટમાં જમવા જશો ત્યારે તમારા બિલ પર પાંચ ટકા જ ટેક્સ લાગશે. પછી તમે રોટલી કે પરોઠા ખાઓ.
પરોઠા પર ૧૮ ટકા જીએસટી લગાવવાના નિર્ણય પર યુઝર્સે ટ્વીટર પર ફની કોમેન્ટ્સ કરી છે. દીપક કુમાર નામના યૂઝરે લખ્યું હતું કે ‘એવું લાગે છે કે માનવ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ અર્થશાસ્ત્રી નિર્મલા સીતારમણજી દિલ્હીની પ્રખ્યાત પરોઠા ગલીમાં જઈ આવ્યા છે. બાય ધ વે, કેન્દ્રીય પ્રધાનો પણ શાકભાજી ખરીદે છે, શાકભાજી પર ક્યારે જીએસટી લાગશે.’ તો વિન્ડ બ્લોઅર નામના યુઝરે લખ્યું છે કે ૧૮% જીએસટીને કારણે તમે ઓછા પરાઠા ખાશો અને તમારું વજન નિયંત્રણમાં રહેશે. આશિષ મિશ્રા નામના યુઝરે લખ્યું હતું કે ‘એક કામ કરોને સીધા શ્ર્વાસ લેવા પર જ જીએસટી લગાવી દો.’
[ad_2]