Homeદેશ વિદેશવિશ્ર્વબજારની તેજી સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ પણ નોંધાવ્યો ઉછાળો, નિફ્ટીએ ફરી...

વિશ્ર્વબજારની તેજી સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ પણ નોંધાવ્યો ઉછાળો, નિફ્ટીએ ફરી હાંસલ કરી ૧૮,૦૦૦ની સપાટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારમાં ફેડરલના હળવા સ્ટાન્સના આશાવાદ અને એફઆઇઆઇની લેવાલી વચ્ચે સ્થાનિક બજારે તેજીની આગેકૂચ જારી રાખી છે અને આપણે પાછલા અંકમાં અહીં વાંચ્યુ એ રીતે સેન્સેક્સે સતત ત્રીજા સત્રની આગેકૂચમાં સરળતાથી ૬૦,૦૦૦ની અને નિફ્ટીએ ૧૮,૦૦૦ની સપાટી વટાવી નાંખી છે. વોલસ્ટ્રીટમાં પાછલા શુક્રવારે તેજી જોવા મળી હતી જોકે, એશિયા અને યુરોપમાં મિશ્ર વલણ રહ્યું હતું.
સત્ર દરમિયાન ૮૨૬.૮૫ પોઇન્ટ અથવા તો ૧.૩૭ ટકાના ઉછાળા સાથે ૬૦,૭૮૬.૭૦ પોઇન્ટની સપાટીને અથડાઇને અંતે ૭૮૬.૭૪ પોઇન્ટ અથવા તો ૧.૩૧ ટકાના સુધારા સાથે ૬૦,૭૪૬.૫૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૨૨૫.૪૦ પોઇન્ટ અથવા તો ૧.૨૭ ટકાના ઉછાળા સાથે ૧૮,૦૧૨.૨૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી, સન ફાર્મા, એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટૂબ્રો, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સ સેન્સેક્સના ટોપ ગેઇનર્સ બન્યા હતા. જ્યારે ડો. રેડ્ડૂીઝ લેબ, એનટીપીસી અને ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ લૂઝર્સની યાદીમાં રહ્યાં હતાં. જેએમ ફાઇનાનન્શિયલ મ્યુચ્યુલ ફંડનો મિડકેપ ફંડનો એનએફઓ ૧૪ તારીખે બંધ થશે. બિકાજી ફૂડ ઇન્ટરનેશનલનો આઇપીઓ ત્રીજી નવેમ્બરે મૂડીબજારમાં આવી રહ્યો છે. આ રૂ. ૮૮૧ કરોડના જાહેર ભરણા માટે રૂ. ૨૮૫-૩૦૦ કરોડની પ્રાઇસ બેન્ડ નક્કી થઇ છે, ભરણું સાતમી નવેમ્બરે બંધ થશે. આ સંપૂર્ણ ઓફર ફોર સેલ છે, જેમાં ૨.૯૪ લાખ ઇક્વિટી શેર ઓફર કરાશે અને શિવરતન અગ્રવાલ તથા દીપક અગ્રવાલ બંને પ્રમોટર પ્રત્યેક ૨૫ લાખ શેર ઓફલોડ કરવા ધારે છે. મિનિમમ બિડ લોટ ૫૦ શેરનો છે.
મહિન્દ્રા ફાઇનાન્સે બોન્ડ મારફત રૂ. ૨૭૫ કરોડ ઉધરાવ્યા છે. ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં કામકાજ કરતી ડીસીએક્સ સિસ્ટમ્સની ઈનીશિયલ પબ્લિક ઑફર ૩૧ નવેમ્બરથી ખૂલી છે. આ ભરણું પહેલા જ દિવસે બે વાગ્યા સુધીમાં સંપૂર્ણપણે ભરાઇ ગયું હતું. રિટેલ પોર્શન ૪.૭ ગણું, એનઆઇઆઇ અને એચએનઆઇ ૧.૦૨ગણું ભરાયું હતું. બપોર સુધીમાં ૧.૬ લાખ અરજી મળી હતી, ભણું બીજી નવેમ્બરે બંધ થાય છે. ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવા અંગે હળવું વલણ અપનાવશે એવી આશા વચ્ચે વિશ્ર્વ બજારમાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. પાછલા સપ્તાહે એપલ સહિતની કંપનીઓના સારા પરિણામ પછી વોલસ્ટ્રીટમાં ઉછાળો જોવા મળ્યો હતો. જર્મનીનો ડેક્સ ઇન્ડેક્સ ૦.૨ ટકા વધ્યો હતો તો બ્રિટનનો ફૂટસી-૧૦૦ ઇન્ડેક્સ ફલેટ રહ્યો હતો.
પેરિસમાં સીએસી-૪૦ ઇન્ડેક્સ ૦.૨ ટકા ગબડ્યો હતો, જ્યારે એસએન્ડપી-૫૦૦માં ૦.૬ ટકાનો ઘટાડો હતો અને ડાઉ ઇન્ડસ્ટ્રીયલમાં ૦.૫ ટકા ગબડ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૦.૩૧ ટકાના ઘટાડા સાથે ૯૫.૪૭ ડોલર બોલાયા હતા.
વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો ૩૧ પૈસા તૂટીને ૮૨.૮૭ બોલાયો હતો. એવી શક્યતા વ્યાપક રીતે ચર્ચાઇ રહી છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૦.૭૫ પર્સન્ટેજ પોઇન્ટ જેટલો વધારો કરશે. જોકે એવો આશાવાદ પણ છે કે આ વખતે તે હળવું વલણ અપનાવશે.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે વિશ્ર્વબજારના મિશ્ર વલણ, ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાના થઇ રહેલા અવમૂલ્યન અને ફેડરલ દ્વારા વ્યાજદરનો વધારો ઝળુંબી રહ્યો હોવા છતાં બજારમાં લેવાલીનો માહોલ રહ્યો હતો. અગાઉ એવો ભય હતો કે ફેડરલ વ્યાજદરમાં આક્રમક વધારો કરશે, પરંતુ હવે આ વધારો સહેજ ઓછો રહેવાની આશાને કારણે રોકાણકારો લેવાલી કરી રહ્યાં છે. જોકે, કોટક સિક્યુરિટીઝના રિસર્ચ હેડે શ્રીકાંત ચવ્હાણે કહ્યું હતું કે જો ફેડરલ રિઝર્વ હોકિશ સ્ટાન્સ અપનાવશે તો બજારમાં તીવ્ર વેચવાલી અને ઝડપી પીછેહઠ જોવા મળશે.
ચીનના ફેટકરી ડેટા નબળા આવ્યાં પછી ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટા સાથે વોલસ્ટ્રીટની તેજી સ્થાનિક બજારમાં વ્યવસ્થિત પ્રતિબિંબિત થઇ હોવાનું જણાવતાં જિયોજિતના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે, ટેકનોલોજી શેરોના મોટા ધોવાણ બાદ અમેરિકન શેરબજારો એવી આશાને આધારે તેજી બતાવી રહ્યાં છે કે ફેડરલ રિઝર્વ આ વખતે હળવું વલણ અપનાવશે.
એકંદર વેચવાલીના વાતાવરણ વચ્ચે મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ સારી લેવાલી જોવા મળી હતી. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ ૧.૨૪ ટકા ઊછળ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ ૦.૪૫ ટકા વધ્યો હતો. બીએસઇના બધા સેકટરલ ઇન્ડેક્સમાં સુધારો હતો, જેમાં સોથી વધુ ૧.૫૭ ટકાનો ઉછાળો ઓટો ઇન્ડેક્સમાં જોવા મળ્યો હતો.
આ સત્રમાં ઑટો, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૧-૧.૮૮ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૭૭ ટકાના વધારાની સાથે ૪૧,૩૦૭.૯૦ ના સ્તર પર બંધ
થયા છે.
અગ્રણી શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, એચડીએફસી, એલએન્ડટી, સન ફાર્મા અને એચડીએફસી બેન્ક ૨.૫૫-૪.૦૮ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે અપોલો હોસ્પિટલ, ડો.રેડ્ડીઝ, ટાટા સ્ટીલ, બ્રિટાનિયા અને એનટીપીસી ૦.૩૪-૧.૨૫ ટકા સુધી ઘટીને બંધ થયો છે. મિડકેપ શેરોમાં મેક્સ હેલ્થકેર, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, જેએસડબ્લ્યુ એનર્જી, રાજેશ એક્સપોર્ટ્સ અને ક્યુમિન્સ ૪.૪૫-૬.૨૮ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ગ્લેન્ડ, શ્રીરામ ટ્રાન્સફર, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, ડિલેવરી અને પીબી ફિનટેક ૨.૪૪-૪.૫૩ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મોલકેપ શેરોમાં આરએસીએલ ગિયરટેક, એનજીએલ ફાઈન કેમિકલ, સ્વાન એનર્જી, રામા સ્ટીલ ટ્યૂબ અને કાબરા એક્સટ્રક્શન ૯.૩૩-૧૭.૧૮ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મોલકેપ શેરોમાં મેંગ્લોર કેમિકલ, સ્પોર્ટકિંગ ઈન્ડિયા, ઈન્ટલેક્ટ ક્રેડિટ અને ઓરિઓનપ્રો સોલ્ટ ૯.૩૮-૧૯.૯૭ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -