Homeઉત્સવવાસણ ઊંધા વાળવા ને ઊંધું વળી જવું

વાસણ ઊંધા વાળવા ને ઊંધું વળી જવું

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી

બુધવારે ચૈત્ર મહિનાનો પડવો હતો. ગૂડી પડવાનો તહેવાર. મહારાષ્ટ્રીયન લોકોનું નવું વર્ષ અને મરાઠીભાષીઓ આ દિવસને ગૂઢીપાડવા તરીકે ઓળખે. ગૂઢી એટલે ગૂડી – ચૈત્ર પડવાના દિવસે ઊભો કરવામાં આવતો ધ્વજ. આ દિવસે મહારાષ્ટ્રમાં શ્રીખંડ ખાવાનું વિશેષ મહત્ત્વ. મહારાષ્ટ્રમાં જ જન્મ અને ઉછેર અને મરાઠી ભાષા – સંસ્કૃતિ માટે લગાવ હોવાથી અમે શ્રીખંડ – પૂરી અને બટાકાની સૂકી ભાજીનો સ્વાદ લેવાનું નક્કી કર્યું. આહાર આનંદ પતિ ગયા પછી પત્નીએ ખાસ મારા માટે મંગાવેલો મુખવાસ આપ્યો અને પછી હળવેકથી કહ્યું કે ‘આજે કામવાળી બાઈ નથી આવવાની તો વાસણ સાફ કરવામાં મદદ કર. હું વાસણ ઊટકી – વીછળી તને આપું એટલે તું એ ઊંધા વાળી મૂકજે.’ મને નાનીએ કહેલી વાત યાદ આવી કે ધોયા પછી વાસણ ઊંધા વાળવા, કારણ કે એમાં રહી ગયેલું પાણી નીતરી જાય અને એ સરખા કોરા થઈ જાય. મારા મગજમાં આ બધી વાત દોડી રહી હતી ત્યારે મારો ચહેરો જોઈ પત્ની બોલી કે કેમ આટલી અમથી મદદ કરી જાણે ઊંધો વળી ગયો હોય એવું તારું મોઢું કેમ છે? ‘કંઈ ઊંધા વિચારે તો નથી ચડી ગયો ને?’ એની વાત સાંભળી હું તરત હસી પડ્યો અને એ જોઈને પત્નીનું મોઢું પણ મલકાઈ ગયું. મારું મગજ સીધે સીધું ઊંધી દિશામાં દોડવા લાગ્યું. ઊંધી દિશા એટલે ખોટે રસ્તે એવો અર્થ છે પણ અહીં તો મારું દિમાગ ઊંધા શબ્દના વિવિધ અર્થ જાણવું – સમજવામાં સાચે રસ્તે વ્યસ્ત થઈ ગયું હતું એ વાત છે. ઊંધા વળી જવું એટલે ખૂબ થાકી જવું. કામ કરી કરી ઊંધા વળી ગયા તોય કદર ન થઈ એવી ફરિયાદ તમે કોઈને કરી હશે અથવા કોઈએ તમને કરી હશે. ઊંધા વિચાર એટલે ખોટા કે અવળા વિચારો. સાવ નવરું મન ઊંધા વિચારે ચડી જવાની સંભાવના ભારોભાર હોય છે. એટલે થોડીક પ્રવૃત્તિ તો કરતા જ રહેવું. હિસાબ ચોખ્ખો રાખજો, ઊંધાચત્તુ નહીં ચલાવી લેવાય એવી સમજણ ભાગીદારો વચ્ચે હોય છે. ઊંધાચત્તુ એટલે ગરબડ ગોટાળા કરવા કે અહીંનું ત્યાં કરવું. ઊંધાચતી કરવી એટલે સદંતર ફેરફાર કરવો કે ઊથલપાથલ કરી નાખવી. મૂળનો અંશ પણ ન રહેવા દેવો. ઊંધાફૂલો કે ઊંધાફૂલી એક જાતની વનસ્પતિનું નામ છે. ખાસ કરીને ચોમાસામાં ઊગી નીકળતા આ છોડ પર રુવાંટી હોય છે. તેના પાન ઊંધા હોવાથી તેમજ એનું ફૂલ જમીન તરફ લટકતું હોવાથી ઊંધાફૂલો કે ઊંધાફૂલી તરીકે ઓળખાય છે. ઊંધામણનું એટલે ઊંધું ચાલનારું, કહીએ તેથી સાવ અવળું વર્તન કરનાર કે સાચી વાતને ખોટી કરી તે પ્રમાણે વર્તન કરનાર. ઊંધામણનું હોવું એટલે કોઈનું પણ કહ્યું નહીં માનવું. ઉંધાધળું એટલે તોફાની, મસ્તીખોર અથવા કોઈની પરવા નહીં કરનાર વ્યક્તિ. ઊંધા પગ ઘાલીને બેસવું એટલે જલદી ઊભા થવાની તૈયારી સાથે બેસવું. ઊંધા પાટા બાંધવા એટલે આડુ અવળું સમજાવી દિશા ભૂલ કરવી અથવા ભોળવી નાખવું. અને છેલ્લે ઊંધા ચશ્માં એટલે ખોટી દ્રષ્ટિ કે ભ્રમ.
———-
HEAD OVER HEELS

અંગ્રેજી શબ્દ Heel એટલે પગની એડી. શરૂઆતથી અંત કે પહેલેથી છેલ્લે અથવા પગથી માથા સુધી માટે આપણે અથથી ઇતિ શબ્દપ્રયોગ વાપરીએ છીએ. અંગ્રેજીમાં Head to Heel કહેવાય છે. જોકે, હેડ અને હિલ વચ્ચે ટુની જગ્યાએ ઓવર આવે તો અર્થ એકદમ બદલાઈ જાય છે.Head Over Heels એટલે કોઈની પર ઓળઘોળ થઈ જવું. તીવ્ર લાગણી હોવી. આ પ્રયોગ Heels Over Head તરીકે પણ જાણીતો છે.Dilip Kumar fell Head Over Heels in love with Saira Banu. બીજો પ્રયોગ છે UPSIDE DOWN જેનો અર્થ છે ખૂણેખાંચરે તપાસ કરવી, બધું અસ્તવ્યસ્ત કરી નાખવું. I turned the apartment upside down but I couldn’t find the letter મેં આખું ઘર ઉપર નીચે કરી નાખ્યું પણ કાગળ મળ્યો નહીં. BRING THE HOUSE DOWN એટલે દર્શકોનું – લોકોનું ભરપેટ મનોરંજન કરવું અને તાળીઓના ગડગડાટથી નવાજેશ થવી. The Artist Brought the House Down with his mimicry. કલાકારે દર્શકોને મિમિક્રી કરી ખૂબ હસાવ્યા અને હાજર લોકોએ તાળીઓ વગાડી એનું અભિવાદન કર્યું.HEADS I WIN TAIL YOU LOSE પ્રયોગમાં ચતુરાઈ પ્રગટ થાય છે. અગાઉના જમાનામાં એને છેતરામણી કહેતા આજે એ સ્માર્ટનેસ તરીકે ઓળખાય છે. છાપ કાંટો – છાપ પડે તો હું જીતું અને કાંટો પડે તો તું હારે. મતલબ કે બેઉ પરિસ્થિતિમાં સામેની વ્યક્તિને નુકસાન. ZENITH TO NADIR પ્રયોગમાં ZENITH એટલે આકાશનું શિરોબિંદુ, કોઈ બાબતની પરાકાષ્ઠા અને NADIR એટલે અધોબિંદુ – સૌથી નીચેનું બિંદુ, ઉગ્ર ખિન્નતા. વસ્તુ કે માણસ એકદમ ટોચના સ્થાનેથી સાવ નીચલા સ્થાને કે સપાટીએ પહોંચી જાય એ ભાવાર્થ છે. After being at Zenith for almost six decades Congress is at Nadir now.છ દાયકા સુધી આસમાની બુલંદીને સ્પર્શેલી કૉંગ્રેસની લોકપ્રિયતા આજે સાવ તળિયે પહોંચી ગઈ છે. અથથી ઇતિ જેવો જ ભાવ છે. After being at Zenith for almost six decades Congress is at Nadir now. એટલે ઊંધું વળી જવું. બે કાર કે બે હોડી એકબીજા સાથે ભટકાવાથી કોઈ એક કાર કે હોડી અથવા બંને ઊંધા વળી જાય એ માટે TURN THE TURTLE પ્રયોગ વપરાય છે. BOTTOMS UP પ્રયોગ વાતાવરણ પ્રફુલ્લિત બનાવવા બોલાય છે. છલોછલ ગ્લાસમાં રહેલું પીણું પીવા માટે તમે ગ્લાસ વાંકો વાળો એટલે એનું તળિયું દેખાય. મતલબ કે ગ્લાસ ગટગટાવી જાઓ. મોટેભાગે પાર્ટીમાં શરાબના સેવન વખતે આ પ્રયોગ વપરાય છે.
——–
उलट सुलटची मजा

મજેદાર મરાઠી ભાષામાં પણ ઊલટસૂલટ એટલે કે પહેલું છેલ્લે અને છેલ્લું પહેલેની મજા છે. उलट सुलट बोलणे, नाही तसे समजवणे म्हणजे भलते सलते सांगणे व मुद्दाम गैरसमज करुन घेणे. ઊંધું ચત્તું બોલવું એટલે ભળતું જ સમજાવી દેવું કે ઈરાદાપૂર્વક સામેની વ્યક્તિને ગેરસમજ થાય એવું કરવું. अलटापालटा म्हणजे मागचे पुढे आणि आधीचे मग. સાદી ભાષામાં કહીએ તો ક અક્ષર જ્ઞના સ્થાને આવી જાય અને જ્ઞ લાંબો કૂદકો મારી કના સ્થાને પહોંચી જાય. ગુજરાતીમાં મલયાલમ શબ્દ કે પછી લીમડી ગામે ગાડી મલી વાક્ય આગળથી વાંચો કે પાછળથી સરખું જ વંચાય. મરાઠીમાં પણ એવા શબ્દો અને વાક્યો છે. उलट सुलट कसेही वाचले तरी सारखा असणारे काही शब्द। उदाहरणर्थ वानवा, कडक, नवजीवन वगैरे. હવે કેટલાક વાક્યોના ઉદાહરણ જોઈએ: साकर दही दर कसा? બીજું છે तो कवी डालडा विकतो। સર सर जाताना प्या ना ताजा रस. અને તાજગી લાવી દેતું हाच तो चहा. બેઉ બાજુથી છે ને સેમ ટુ સેમ. હવે એક વિશિષ્ટ રૂઢિપ્રયોગ જાણીએ – સમજીએ. अंबारीत बसणे म्हणजे श्रेष्ठपणास चढणें. અંબારી એટલે હાથી પર બેસવાની અંબાડી. એકદમ ઉચ્ચ સ્થાન. રૂઢિપ્રયોગ છે उलट्या अंबारीत बसणे. उलट्या अंबारीने राज्य करणे, उलटी अंबारी हातांत येणें. આ પ્રયોગ સમજવા જેવો છે. गांठ मारलेल्या भिक्षेच्या झोळीचा आकार उलट्या अंबारीसारखा असतो. ગાંઠ મારેલી ભિક્ષાની ઝોળીનો આકાર ઊંધી અંબાડી જેવો દેખાય છે. એના પરથી उलट्या अंबारीत बसणें म्हणजे भीक मागणे – ઊલટી અંબાડી પર બેસવું એટલે ભિક્ષા
માંગવી એવો અર્થ થાય છે. ભાષા મધુર તો હોય જ છે, સાથે ચાણાક્ષ પણ હોય છે ને.
——–
उलटा पुलटा

ટેલિવિઝનની દુનિયાના પહેલા કિંગનું બહુમાન મેળવનારા જસપાલ ભટ્ટી દૂરદર્શન પર ઊલટા પૂલટા નામનો એક મજેદાર કાર્યક્રમ કરતા. ધાર્યું હોય એનાથી સાવ જ ઊંધી રજૂઆતથી દર્શકોનું મનોરંજન થતું. એક એપિસોડમાં ફિલ્મ ડિરેક્ટરનો રોલ કરી રહેલા ભટ્ટી સાથે હિરોઈન ઝઘડતી હોય છે એવામાં તેમની પત્ની આવી પહોંચે છે. હિરોઈન શ્રીમતી ભટ્ટીને ફરિયાદ કરે છે કે સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે જે સીનની વાત થઈ હતી અને આજે જે સીન શૂટ કરવા માગે છે એ એકદમ બદલી નાખ્યો છે. શ્રીમતી ભટ્ટી હિરોઈનનો પક્ષ લઈ પતિને સંભળાવે છે કે તમે લોકો ગેરલાભ લેવા સીન એ રીતે બદલી નાખો કે મિની ડ્રેસ પહેરવો પડે કે સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરવો પડે. પછી સીન કેવી રીતે બદલી નાખ્યો એ વિશે પૂછતા હિરોઈન જવાબ આપે છે કે ‘पेहले अच्छा भला बरसात में भिगनेवाला गाना था और अब उसकी बजाय मंदिर में साडी पहन के मेरा भजन है. ये फिल्मों में मेरा करियर खराब करना चाहते है.’ हुआ न एकदम उलटा पुलटा. આને કહેવાય ઊંધું ચત્તુ. હવે એક રૂઢિપ્રયોગ જોઈએ. उल्टा लिया न जाए सीधा. કોઈ રીતે કાબૂમાં ન આવે, કોઈ રીતે માને નહીં કે પછી કોઈ રીતે પકડમાં ન આવે એવો એનો અર્થ છે. उल्टा उस्तुरा फैरना એટલે છેતરાઈ જવું, મામા બનાવી લૂંટી જવું એવો અર્થ છે. और अंत में एक महत्व की बात. जिंदगी एक ऐसा खेल है जहाँ कभी पासा पुलटा पडना (ફાવી જવું, પાસા પોબાર પાડવા) जैसी परिस्थिति होती है तो कभी पासा उल्टा (નિષ્ફળતા મેળવી) – भी पड जाता है. બીજો એક પ્રયોગ છે उलटे पाँव लौट आना. મતલબ કે તાત્કાલિક પાછા ફરવું. माँ की तबियत खराब होने से परिवार उलटे पाँव लौट गया.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -