મુંબઈઃ રેલવે દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે સ્ટેશન પર ત્યાંના સ્થાનિક ઉત્પાદનો અને ચીજ-વસ્તુઓને બજાર મળે એ હેતુથી વેચાણ માટે સ્ટોલ ઊભા કરવાની પરવાનગી આપી છે. આવા સ્ટોલ પર ખાદ્યપદાર્થ પણ વેંચવામાં આવતા હોઈએ તેની ઉપર પેકેજિંગની તારીખ, એક્સપાયરી ડેટ કે કાયદાકીય રીતે બંધનકારક હોય એવી કોઈ જ માહિતી આપવામાં આવતી નથી, એવી ફિરયાદ મુંબઈ ગ્રાહક પંચાયત દ્વારા કરવામાં આવી છે.
રેલવે મંત્રાલય દ્વારા મહિલા બચતગટ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એ હેતુથી વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના શરુ કરી હતી અને અમુક ઠેકાણે આવા સ્ટોલ્સ પર ખાવા-પીવાની વસ્તુઓ પણ વેચવામાં આવે છે. આ ખાદ્યપદાર્થનું વેચાણ કરતી વખતે અમુક મહત્ત્વના પ્રાથમિક નિયમોનું પાલન જ કરવામાં ન આવતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ખાદ્યપદાર્થનું વેચાણ કરતી વખતે અમુક પેકેટ પર ખાદ્યપદાર્થની માહિતી આપી હોય તો તે પણ એકદમ અપૂરતી છે. આવી વસ્તુઓના પેકેટ પર નિયમ અનુસાર વસ્તુનું નામ, વજન, બનાવવાની તારીખ, એક્સપાયરી ડેટ, તે બનાવવામાં ઉપયોગમાં લેવાયેલા સામગ્રી, કિંમત, એફએસએસએઆઈનો રજિસ્ટર અને લાઈસન્સ નંબર વગેરેની માહિતી હોવાનું ફરજિયાત છે.
કેન્દ્ર સરકારના રેલવે જેવા એક મહત્ત્વના ઉપક્રમ દ્વારા જ કેન્દ્ર સરકારે બનાવેલા કાયદા અને નિયમોને ધાબે ચઢાવીને ખાદ્યપદાર્થનું વેચાણ કરવા સામે મુંબઈ ગ્રાહક પંચાયત દ્વારા આશ્ર્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આની ગંભીર નોંધ લઈને યોગ્ય તે કાયદાકીય પગલાં લેવામાં આવશે, એવું આશ્ર્વાસન આપવામાં આવ્યું છે.