Homeદેશ વિદેશરૂપિયો ગબડતાં સોનામાં ₹ બાવીસનો અને ચાંદીમાં ₹ ૬૯નો ઘસરકો

રૂપિયો ગબડતાં સોનામાં ₹ બાવીસનો અને ચાંદીમાં ₹ ૬૯નો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં સાંકડી વધઘટ રહ્યા બાદ ૦.૩ ટકા જેટલો ઉછાળો આવ્યાના અહેવાલ સાથે લંડન ખાતે આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા બાદ પુન: ઘટી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિકમાં પણ સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ ૩૪ પૈસા ગબડ્યો હોવાને કારણે આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૬૯નો મામૂલી ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. બાવીસના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોના રૂ. ૫૦,૨૭૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૪૮૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૯ના ઘટાડા સાથે રૂ. ૫૭,૩૫૦ના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા. આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર રોકાણકારોની નજર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં હાજરમાં ભાવ આગલા બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૬૩૮.૧૫ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૨ ટકા ઘટીને ૧૬૪૧.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજર ભાવમાં અત્યાર સુધીમાં માસિક ધોરણે ૧.૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ આગલા બંધથી ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯.૦૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કેટલો વધારો કરશે અને ભવિષ્યમાં વ્યાજદરમાં વધારો કરવા અંગે કેવા અણસાર આપે છે તેના પર બજાર વર્તુળોની નજર હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટે જણાવતાં ઉમેર્યું હતું કે હાલને તબક્કે સોનામાં તેજીનું વલણ જોવા મળે તેવી શક્યતા બહુ પાતળી છે. આથી જ રોકાણકારોની સોનામાં વેચવાલીનું દબાણ રહે છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત શુક્રવારે વિશ્ર્વમાં સોનાના સૌથી મોટા એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હૉલ્ડિંગ આગલા દિવસની તુલનામાં ૦.૨૮ ટકા ઘટીને માર્ચ, ૨૦૨૦ પછીની સૌથી નીચી ૯૨૨.૫૯ ટનની સપાટીએ રહ્યું હતું. અમુક વિશ્ર્લેષકોના મતાનુસાર હાલમાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૬૩૯ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેમ છે, જ્યારે વધીને ૧૬૫૩થી ૧૬૬૧ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -