મુંબઈ: મોચા ચક્રવાતી તોફાનને કારણે ત્રણ મહત્ત્વનાં રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી ચાર દિવસ મુશળધાર વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ તોફાનની અસર રાજ્યમાં પણ જોવા મળશે. હવામાનમાં મોટો બદલાવ આવશે અને પશ્ર્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના કેટલાક જિલ્લામાં ધોધમારથી મુશળધાર વરસાદ અને અમુક શહેરોમાં ઝરમર વરસાદ પડશે એવી ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાએ આપેલી માહિતી અનુસાર નાગપુર, ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર, ગડચિરોલી અને યવતમાળ જિલ્લામાં સૂસવાટા મારતા પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિદર્ભ સહિત નજીકનાં શહેરોમાં પણ વરસાદનું જોર નજરે પડશે. ખેડૂતોએ પોતાનાં કૃષિ સાધનોની સંભાળ રાખવી અને અનાજની યોગ્ય વ્યવસ્થા કરવી એવી સૂચના આપવામાં આવી છે.