Homeઆમચી મુંબઈરાઉત-ફડણવીસની ભાવિ મુલાકાતની અસર

રાઉત-ફડણવીસની ભાવિ મુલાકાતની અસર

રાઉતના ફડણવીસ બાબતના અને ઉદ્ધવના રાઉત અંગેના સૂર બદલાયા

ફડણવીસની ઉલ્લેખનીય કામગીરી: સંજય રાઉત

પહેલી વખત ઉદ્ધવે રાઉતનો કર્યો તુંકારે ઉલ્લેખ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઠાકરે જૂથના નેતા સંજય રાઉત જેલમાંથી બહાર આવ્યા બાદ ગુરુવારે તેઓ પહેલી વખત પત્રકારો સામે આવ્યા હતા અને તેમાં તેમણે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને મળવા માટે દિલ્હી જવાના હોવાનું જણાવતાં જ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.
જેલમાં જવા પહેલાં જે સંજય રાઉત દેવેન્દ્ર ફડણવીસ, ભાજપ અને તેના નેતાઓની આગઝરતા શબ્દોમાં ટીકા કરતા હતા તે જ સંજય રાઉતના જેલમાંથી બહાર આવ્યા બાદ વધુ આક્રમક રીતે ભાજપ અને નેતાઓની ટીકા કરશે એવું બધા માની રહ્યા હતા, પરંતુ રાઉતના બદલાયેલા સૂર બધાના ધ્યાનમાં આવ્યા હતા. આ બાબતે ગુરુવારે જ માતોશ્રીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે ભાજપ સાથે સંધિ કરવામાં આવી હોવાની અટકળોને રદિયો આપ્યો હતો.
આ સમગ્ર પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરે પહેલી વખત સંજય રાઉતનો તુંકારે ઉલ્લેખ કરી રહ્યા હોવાનું પણ પત્રકારોએ નોંધ્યું હતું. ઉદ્ધવના ધ્યાનમાં જ્યારે આ આવ્યું ત્યારે તેમણે એવો ખુલાસો કર્યો હતો કે અમારા બંનેની મૈત્રી સારી છે એટલે અમે એકબીજા સાથે ‘અરે-તુરે’ (તુંકારે)ની ભાષામાં વાત કરીએ છીએ.
સંજય રાઉતે ફડણવીસ બાબતે કરેલા નિવેદનના અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. સંજય રાઉતને જે કરવું હશે તે જાહેરમાં અને કડક રીતે કરશે. તમને એવું લાગશે કે સંજય રાઉત દેવેન્દ્ર ફડણવીસને મળશે અને મોદી-શાહને મળશે એટલે કશું નવું થઈ રહ્યું છે તો એક વાત સમજી લેજો રાઉતને ત્યાં તેમના ખોળામાં બેસીને સમજૂતી કરવી હોત તો તેઓ ૧૦૦ દિવસ જેલમાં રહ્યા ન હોત. ઉલટું સંજય રાઉતે તો દેખાડ્યું છે કે ગભરાયા વગર પણ જીતી શકાય છે. તેમણે દેશ સામે દાખલો બેસાડ્યો છે. આમ આદમી પાર્ટી, તેલંગણામાં કેસીઆર, મમતા બેનરજી અને હેમંત સોરેન પણ ભાજપ સામે લડી રહ્યા છે. આ બધા લોકો એકસાથે આવશે તો દેશમાં કેટલી મોટી તાકાત ઊભી થશે તેની કલ્પના હજી ભાજપને નથી એવું લાગે છે, એમ પણ ઉદ્ધવ ઠાકરે બોલ્યા હતા.
———-
રાઉતની ફરી ધરપકડ થઈ શકે ઉદ્ધવને ડર
મની લૉન્ડરિંગ પ્રકરણે પીએમએલએ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા બાદ શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતની જેલમાંથી મુક્તિ થઈ હતી. ત્યારબાદ પહેલી વખત તેઓ પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના નિવાસસ્થાન માતોશ્રી પર પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ બંનેએ સંયુક્ત રીતે પત્રકારોને સંબોધ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારની જોરદાર ટીકા કરી હતી. તેમજ ફરી એક વખત સંજય રાઉતને ત્રાસ આપવાનો પ્રયાસ થઈ શકે છે એવો ડર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય યંત્રણા પાળેલા પ્રાણીઓની જેમ કામ કરી રહી છે. જેમના પર છૂ કરવામાં આવે તેમના પર ચડી જઈ રહ્યા છે. કેન્દ્રીય યંત્રણાની આ સ્થિતિ છે ત્યારે ન્યાયવ્યવસ્થાને પણ પોતાના અંકુશમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્રીય કાનૂન પ્રધાને થોડા દિવસ પહેલાં કરેલા નિવેદન પરથી એવા સંકેત મળી રહ્યા છે. દેશના લોકોએ આની સામે અવાજ ઉઠાવવો જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું.
——-
સાવરકરની જેમ એકાંતવાસ ભોગવ્યો: રાઉત
મુંબઈ: કારાવાસમાં જે ૧૦૨ દિવસ ગાળ્યા તે વિશે પૂછવામાં આવતાં સંજય રાઉતે ગુરુવારે કહ્યું હતું કે ‘જેલમાં મેં (સ્વાતંત્ર્યવીર) સાવરકર અને (લોકમાન્ય) ટિળકની જેમ એકાંતવાસ ભોગવ્યો હતો. મારી ધરપકડ પણ રાજકીય હતી. મેં મારા સમયનો સદુપયોગ કર્યો હતો. મારી પાર્ટી, મારા પરિવાર અને મને જે ભોગવવાનું હતું.. વેઠવાનું હતું તે અમે સહન કરી લીધું છે. મારા પરિવારે ઘણું ગુમાવ્યું છે. આવું જીવનમાં અને રાજકારણમાં થયા કરતું હોય છે, પરંતુ દેશે આવું રાજકારણ ક્યારેય જોયું નથી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળીને મારી સાથે જે વર્તન કરવામાં આવ્યું હતું તેની જાણકારી આપીશ.
———-
ફડણવીસે સારું કામ કર્યું: રાઉત
મુંબઈ: સંજય રાઉતે ગુરુવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની સરકાર નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ ચલાવતા હોવાથી તેમની મુલાકાત લઈશ. તેમણે એમપણ કહ્યું હતું કે આ સરકારે છેલ્લા થોડા દિવસમાં ઘણા સારા કામ કર્યા છે. ખાસ કરીને ગરીબો માટે ઘરનો પ્રોજેક્ટ, મ્હાડાને વધુ અધિકારો આપવા.
———
રાઉતને મોટા નેતાનો દિલ્હીથી ફોન?
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના સંસદસભ્ય સંજય રાઉતને ૧૦૨ દિવસના કારાવાસમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીમાંથી ભાજપના એક મોટા નેતાનો ફોન આવ્યો હતો. રાઉતે ગુરુવારે કહ્યું હતું કે તેમને દિલ્હીથી ભાજપના એક મોટા નેતાનો ફોન આવ્યો હતો અને તેમણે તબિયત વિશે પૃચ્છા કરી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ તેમને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફોન કર્યો હતો.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -