Homeલાડકીયુવાવસ્થાએ અણગમતી એકલતા..

યુવાવસ્થાએ અણગમતી એકલતા..

મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

એ નાનકડા ગામના પથરાળ દરિયાકિનારાને સમાંતર ચાલતા એનો પગ ક્યારે રેતાળ, ભીની જમીનને સ્પર્શી ગયો એનો ખ્યાલ રહ્યો નહીં. પશ્ર્ચિમ દિશામાં આથમતા જતાં સૂર્યનાં કિરણોના સોનેરી અજવાસમાં ચમકતા ખારા પાણીને નીરખતી એ ત્યાંજ બેસી ગઈ. આમ પણ એને કશે જવાની ઉતાવળ તો હતી જ નહીં. હરહમેશની માફક ઘુઘવતા દરિયામાં આજે થોડી ઓટ આવવાની શરૂઆત થયેલી. એની અપલક નજર સમયાંતરે હળવા હળવા મોજાં ધીમે રહીને એના પગને સ્પર્શી પાછા ફરતા ફીણ ફીણ થઇ જતા જોઈ રહી. છપાક! છપાક! છપાક … એમ એકધારા અવાજે એને ધરાર માથું પાછળ તરફ ફેરવવાની ફરજ પાડી. જોયું તો પંદરેક વર્ષની નવીસવી પાંખો ફૂટી હોય એવી યુવતીઓનું એક નાનું સરીખું ટોળું બેઠું હતું. એ તરવરાટથી તરબતર યુવતીઓ ઓટના કારણે પથ્થરોની વચ્ચે ભરાયેલ પાણીના ખાબોચિયામાં કાંકરીચાળો કરતી, હસતી-હસતી વાતો કરી રહી હતી. એ હળવેકથી ચહેરો ઘુમાવી, આછા ઉદાસ સ્મિત સાથે ફરી દૂર ક્ષિતિજ પર ડૂબી રહેલા સૂર્યની લાલિમાને તાકી રહી. આ ઉંમર !! એણે એક હળવો નિ:સાસો નાખ્યો. એક સમયે પોતે પણ એજ ઉમરના આલિંગનમાં જકડાયેલ હતી ને?? એ ઉંમર પસાર થયે બહુ ઝાઝો સમય નહોતો થયો કદાચ બસ એકાદ દસકો જ કે જયારે એકલતા શબ્દને દુર દુર સુધી પોતાની સાથે કોઈજ નાતો નહોતો!! એને ક્યાંક વાંચેલું યાદ આવ્યું કે, અમુક ઉમર પછી એકલતા પીડતી નથી પરંતુ વહાલી લાગે છે. પરંતુ પોતે હજુ એકલતાને વહાલ કરી શકે એ અવસ્થામાં પહોંચેલી નહોતી એ એને ખ્યાલ હતો. હજુ તો ઉછળતા, કૂદતા, દોડતા, ભાગતા જિંદગીને પકડવા મથામણ કરતા એ અને એનું અસ્તિત્વ બંને માંડ અડધે પણ નહોતા પહોંચ્યા. ચોવીસ-પચ્ચીસની ઉંમરમાં તેના માટે અત્યારે હવે જિંદગીના મહાસાગરમાં હિલોળા લેતી જાતમાં પૂનમની બેફામ ભરતી નહોતી તો શું થયું, પરંતુ અમાસની ઓટનો અહેસાસ પણ નહોતો જ ને?? જીવનમાં તોફાની સમુદ્રનો ઘુઘવાટ નહોતો તો શાંત નદીના નીર સમાન સ્થિરતા પણ નહોતીજ ને.?! ખારા પાણી તરફ સતત તાકતા રહેવાથી આંખમાં પણ એ ખારાશ કદાચ ઊતરી આવતી હશે એવો અનુભવ એને અનાયસે થયો! દરિયો પણ જાણે એની જિંદગીની પ્રતિકૃતિ સમાન વર્તી રહ્યો હતો. અત્યાર સુધી ઉછળતા, કૂદતા, ઘુઘવતા સાગરને પણ કદાચ આજે થોડો આરામનો અહેસાસ થવા જઈ રહ્યો હોય એમ એ સાવ મંદ હતો. પોતાના વીતેલા એ પાંચેક વર્ષોની જિંદગીમાં કઈ જગ્યાએ પોતે ખોટી પડી એ સવાલ એણે વારંવાર પોતાની જાતને પૂછ્યા રાખ્યો. શું વધુ પડતી મહત્ત્વાકાંક્ષા એની એકલતા માટે જવાબદાર હતી? શું વ્યક્તિઓને સમયસર ઓળખી ના શકવાની અણઆવડત એને એકાંતમાં ધકેલવા જવાબદાર હતી? શું સમાધાન ના કરવાનાં સમીકરણો અવળાં પડી એની જિંદગીની બાજી ઉલટાવી ગયા હતા? ઉંમરને ઉત્તર આપવાની ક્ષમતા કદાચ એ ગુમાવી બેસી હોય એવું એને લાગ્યું. આંખો બંધ કરે તો પણ અંધાર અને ઉઘાડે તો પણ એજ! હવે આ જગ્યાએથી ઊભા થવું એને જરૂરી લાગ્યું. જીવનમાં પણ જ્યારે એકની એક જગ્યાએ અંધકારના ઓળા ઉતરવા લાગે ત્યારે આપણું સ્થાનફેર કરવું આવશ્યક બની જાય છે એ જેટલું ઝડપથી સમજાય એટલું દુ:ખ ઓછું ઊગે એ શિખામણ ગાંઠે વાળી અંતે એણે સમુદ્રથી અવળી દિશામાં ડગ માંડ્યા.
ટીનએઈજ પછી પ્રવેશતું એડલ્ટહુડ અને યુવા શરીરમાં આવતા અંત: સ્ત્રાવોના આવેગો સ્ત્રીનો ધર્મ,જાતિ કે અન્ય કોઈ પરિસ્થિતિ જોઈને આવતા નથી. યુવતી પરિણીત છે કે અપરિણીત એ બાબત સાથે અંત:સ્ત્રાવો પ્રેરિત સમસ્યાઓને કોઈજ નિસ્બત હોતી નથી. આપણે એ ખાસ યાદ રાખવું કે કોઈપણ યુવતી એ સૌપ્રથમ એક સ્ત્રી છે. એની બાહ્ય પરિસ્થિતિઓ ભલે અલગ અલગ હોય પણ આંતરિક સંરચના એકસમાન હોય છે અને આથી જ આપણે કોઈપણ યુવતીને નજરઅંદાઝ કરી શકીએ નહીં. કુટુંબ વચ્ચે રહેતી યુવતીઓ પાસે અલગ અલગ અનેક સંબંધ હોવાનો ફાયદો હોય છે જ્યારે જે યુવતીઓ એકલી હોય છે તેઓ માટે તો આવું કોઈપણ પ્રકારનું પોતાનું મન પરોવવાનું બહાનું શોધ્યું જડે એમ હોતું નથી. એવા સમયે ક્યારેક કોઈ યુવાન સ્ત્રી અંત:સ્ત્રાવો સંબંધિત સમસ્યાઓથી ઘેરાય તો એમાંથી બહાર નીકળવું વધુ અઘરું પડી જાય છે.
ઉંમર કોઈને છોડતી નથી.,.દરેક વીતી ગયેલું વર્ષ મનુષ્યને એક વર્ષ વધુ જૂનો બનાવે છે. અને એટલે જ સતત નાવીન્ય ઝંખતું માનવ મન વધતી ઉંમરને વધાવી શકવા માટે અસમર્થ હોય છે અને એમાં પણ જો સ્ત્રી મનની વાત આવે તો એના માટે તો મોટા થવું, ઘરડા થવું કે પછી યુવાનીમાંથી પ્રૌઢાવસ્થા તરફ જવું એ આખી પ્રક્રિયા જ અકળાવી દેનારી હોય છે.
આપણી સમાજ વ્યવસ્થા જ એવી છે કે જેમાં ઉંમર વધતી જવી એટલે હેરાનગતિ ભોગવવી એ પ્રકારની માનસિકતા પ્રવર્તે છે. કારણ કે, આપણને સૌને મોટા થવું ગમતું નથી. કોઈના પર આધારિત થવું આપણને અકળાવનારુ લાગે છે, પરંતુ પચ્ચીસ-ત્રીસ વર્ષ સુધી નહીં બદલાયેલું જીવન અચાનક બહુ ઝડપથી બદલવા લાગશે ત્યારે એકલતા ભોગવતી યુવતીઓએ શું કરવું કે જેથી કરીને એના પોતાના અનુભવોનો ઉપયોગ કરી આનંદમાં પરિવર્તિત કરી શકે એ વિષે મનોમંથન કરવું એ યુવાવસ્થા દરમિયાન બહુ જરૂરી બની જાય છે. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -