યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીના પતિ પોલ પેલોસી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલ પેલોસીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેના માથા પર સર્જરી કરવામાં આવી હતી. આ ઉપરાંત હાથમાં પણ ઈજા થઈ છે.
દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ હુમલાને નિંદનીય અને ધ્રુણાસ્પદ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકામાં હિંસાને કોઈ સ્થાન નથી. આ રાજકીય અને નફરતની હિંસા છે. એક સત્તાવાર નિવેદનમાં, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જીન-પિયરે પોલ પેલોસી પરના હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું કે અમે પેલોસીના સમગ્ર પરિવાર સાથે છીએ.
નેન્સી પેલોસીની ઓફિસમાંથી બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, શુક્રવારે (28 ઓક્ટોબર) એક અજાણ્યો વ્યક્તિ તેમના કેલિફોર્નિયાના ઘરમાં ઘૂસી ગયો અને હુમલો કર્યો. હુમલા સમયે સ્પીકર નેન્સી ઘરમાં હાજર ન હતા.
નિવેદન અનુસાર સંબંધિત સુરક્ષા અધિકારીઓએ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલાખોરે શા માટે હુમલો કર્યો તે અંગે આરોપીની પૂછપરછ ચાલી રહી છે. પોલને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં ડોકટરો તેમની સંભાળ લઈ રહ્યા છે.