ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર બરાબર જામ્યો છે ત્યારે જ સૌરાષ્ટ્રમાં મોરબીનો હેંગિંગ બ્રિજ તૂટી પડ્યો ને તેમાં અંદાજે ૧૫૦ લોકોના મોત થયાં તેના કારણે હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં મરેલાં લોકો સાંજે આનંદ કરવા માટે હેગિંગ બ્રિજ પર ગયેલાં પણ તેમને મોત મળ્યું. આ પુલ તૂટ્યો ત્યારે ૪૦૦થી વધુ લોકો પુલ પર હાજર હતા ને એ બધા મચ્છુના પાણીમાં ગરકાવ થયા હતા એ જોતાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ગુજરાત સરકારે સત્તાવાર રીતે મૃત્યુઆંક સોની આસપાસ હોવાનો દાવો કર્યો છે પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા નકારી શકાતી નથી.
મોરબીમાં મચ્છુ નદી પરનો આ હેગિંગ બ્રિજ છેક ૧૮૮૯માં બનાવાયેલો પણ જર્જરિત થતાં મોરબી નગરપાલિકાએ છ મહિના પહેલાં તેના રીનોવેશનનો કોન્ટ્રાક્ટ અપાયેલો. આ પુલ બેસતા વર્ષના દિવસે જ રિનોવેશન પછી લોકો માટે ખુલ્લો મૂકાયો હતો અને તેના પાંચ જ દિવસમાં તૂટી પડ્યો. પુલ ખુલ્લો મૂકવાનો કોન્ટ્રાક્ટ બે કરોડ રૂપિયાના ખર્ચે અપાયેલો. આ બે કરોડ રૂપિયા તો લિટરલી પાણીમાં જતા જ રહ્યા છે પણ એ મોટી વાત નથી. મોટી વાત એકસાથે ૧૫૦ લોકોનાં મોત થયાં એ છે. રૂપિયા તો કમાઈ લેવાશે પણ જે ૧૫૦ લોકોનાં મોત થયાં તેમના જીવ પાછા નથી આવવાના. જે પરિવારે પોતાના વહાલસોયા ગુમાવ્યા છે તેમનું નુકસાન પણ ભરપાઈ થવાનું નથી. એકસાથે દોઢસો પરિવારોમા માતમ છવાય એ ઘટના બહુ આઘાતજનક જ કહેવાય.
મોરબીની ઘટના કમનસીબ છે પણ તેનાથી વધારે કમનસીબ ને આઘાતજનક આ દુર્ઘટના પછી ગુજરાતની ભાજપ સરકારનું વર્તન છે. એક સાથે દોઢસો લોકો મરી ગયાં છે પણ ભાજપ સરકારના કારભારીઓ સામાન્ય અકસ્માત બન્યો હોય એ રીતે જ વર્તી રહ્યા છે. આ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાં ભરવાના બદલે તપાસ સમિતિનાં સરકારી રાહે થતાં નાટકો શરૂ કરી દેવાયાં છે.
ગુજરાત સરકારે આ ઘટનાની તપાસ કરવા માટે ૫ સભ્યોની સમિતી બનાવી છે કે જેના વડા તરીકે આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ છે. આ સિવાય ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગના ચીફ એન્જિનિયર કે.એમ.પટેલ, ડો. ગોપાલ ટાંક(એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદ), માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા તથા સીઆઈડી ક્રાઈમના આઈ.જી. સુભાષ ત્રિવેદી સમિતીના સભ્યો છે. આ સમિતિના સભ્યો તપાસ કરશે, પછી સરકારને રીપોર્ટ આપશે ને તેના આધારે શું પગલાં લેવાં એ નક્કી થશે.
વાસ્તવમાં આ પ્રકારનાં કોઈ નાટકોની જરૂર નથી. આ દુર્ઘટના માટે મોરબી નગરપાલિકાના કારભારીઓ, મોરબીના કલેક્ટર, બ્રિજના રિનોવેશનની કામગીરી જેમને સોંપાઈ હતી એ લોકો જવાબદાર છે ને તેમને ઉઠાવીને જેલમાં નાંખી દેવા જોઈએ. આ હેગિંગ બ્રિજના રિનોવેશનનું કામ ગુજરાતની જાણીતી કંપની ઓરેવાને અપાયું હતું.
અજંતા ઓરેવા ગ્રૂપ ઓફ કંપનીઝના ગુજરાતમાં ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉત્પાદનમાં જાણીતું નામ છે. અજંતા કંપનીની ઘડિયાળો એક સમયે ભારતભરમાં ધૂમ મચાવતી હતી. અત્યારે ઘડિયાળોનો સમય નથી તેથી કંપનીએ સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. આ ઉદ્યોગમાં ટોચની કંપની ફિલિપ્સ છે.
અજંતાએ ફિલિપ્સ કંપની સામે ખૂબ સસ્તા ભાવે ૧ વર્ષની ગેરન્ટી આપતા બલ્બ આપવા માંડીને જોરદાર ટક્કર આપી હતી. કંપનીએ આ ક્ષેત્રમાં ફિલિપ્સ તથા હેવેલ્સ જેવી કંપનીઓને હંફાવી
દીધી હતી.
ઓરેવા અજંતા ગ્રૂપનો રેકોર્ડ એ રીતે પોતાનાં ઉત્પાદનોમાં સારો છે પણ ક્ધસ્ટ્રક્શનનો તેને કોઈ અનુભવ નથી. આ સંજોગોમાં તેમને આ ક્ધસ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ ક્યા આધાર પર અપાયો એ મોટો સવાલ છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ કહ્યું છે કે, નગરપાલિકાનો ઝૂલતો પૂલ અતિ જર્જરિત હાલતમાં હતો તેથી લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો. અજંતા ઓરેવા ગ્રૂપે સામેથી આ ઝૂલતા પુલને ફરીથી સરખો કરીને તેના મેન્ટેનન્સ અને સમારકામની તૈયારી દર્શાવી હતી. આ દરખાસ્ત કલેક્ટરને મોકલાઈ હતી ને કલેક્ટરે બેઠક બોલાવીને રેટ નક્કીને કરી કરાર કર્યો હતો. આ વરસે ૭ માર્ચે ઓરેવા કંપની સાથે કરાર કરીને ૧૫ વર્ષ માટે સમારકામ, મેન્ટેનન્સ તથા તમામ આનુષંગિક ખર્ચા અને તેમાંથી કમાણી કરવા માટેના અધિકાર અપાયા હતા.
કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો પછી તેણે રિનોવેશનની પ્રક્રિયા ચાલુ કરી પણ કંપનીએ કયા પ્રકારનું રિનોવેશન કરવા માંડ્યું છે, કયા પ્રકારનું મટિરિયલ વાપરેલું છે એવી કોઈ માહિતી આપી નહોતી. આ પુલની કેપેસિટી શું છે, તેના ઉપયોગ માટે ફિટનેસના સર્ટિફિકેટ લીધેલા કે નહીં એ અંગેની કોઈ જાણકારી આપ્યા વિના બેસતા વરસે પુલ ચાલુ કરી દેવાયો.
નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાના બચાવ માટે ભલે ગમે તે કહે, નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યા પછી તેમણે શું કામ ચાલી રહ્યું છે ને કંપની શું કરી રહી છે તેની તપાસ કેમ ના કરી એ સવાલ છે. કલેક્ટરે પણ કેમ ધ્યાન ના રાખ્યું એ પણ સવાલ છે. કંપનીએ બારોબાર પુલ ચાલુ કરી દીધા પછી તેમણે તેને કોઈ સવાલ કેમ ના કર્યો એ પણ મુદ્દો છે. પ્રસંગે ઓરેવા કંપનીએ બહુ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલને રિનોવેટ કર્યાની વાતો કરી હતી. એ વખતે તેની ચકાસણી કેમ ના કરાઈ એ
મુદ્દો છે.
અત્યારે એ લોકો જે સવાલ ઉઠાવે છે એ સવાલ પહેલા કેમ ના ઉઠાવ્યા એ મુદ્દો મોટો છે. આ બધું જોતાં નગરપાલિકાના ચીફ ઓફિસર, કલેક્ટર, નગરપાલિકાના સત્તાધીશો વગેરે બધાએ ગુનાઈત બેદરકારી બતાવી છે ને લોકોના જીવ લીધા છે. ઓરેવા કંપનીના માલિકોએ પણ પૈસા કમાવાની લાલચમાં સાવ હલકું મટીરીયલ વાપરીને લોકોના જીવ લીધા છે એ જોતાં આ બધાને સૌથી પહેલાં જેલમાં નાખવા જોઈએ. તપાસના ને એ બધા નાટકો પછી કરી શકાશે.
ભાજપની સરકાર એ જ નથી કરી રહી. મુખ્યમંત્રી ને બીજા મંત્રી મર્યા પછી ખરખરો કરવા પહોંચી ગયા પણ સાચા દોષિતોને સજા કરાવવામાં તેમને રસ નથી. મેન્ટેનન્સ મેનેજર ને બીજા નાના કર્મચારીઓ સામે કેસ કરીને એ લોકો દેખાડો રહ્યા છે. રાજકારણ માણસને આ હદે અસંવેદનશીલ બનાવી દે એ શરમજનક કહેવાય. ઉ