રોજ બરોજ – અભિમન્યુ મોદી
ચારેકોર એક જ ચર્ચા છે ‘મોરબીનો ઝૂલતો પુલ’, ઈલોન મસ્ક ટ્વિટરના સુપ્રીમો બન્યાને હેશટેગનો વરસાદ થયો. મસ્ક પોતે પણ ચેક કરવા હેડક્વાટર પહોંચ્યા કે તેની અટક મસ્ક, ‘મોરબી’માં કઈ રીતે પરિવર્તિત થઈ ગઈ? પણ તેના ચાંપલા કર્મીઓએ સમાચાર આપ્યા કે ગુજરાતના મોરબી જિલ્લાનો ૧૪૦ વર્ષ જૂનો ઝૂલતો પુલ ધરાશાયી થયો એટલે ટ્વિટરમાં ‘મોરબી’ નામનો હેશટેગ ફરી રહ્યા છે, મસ્કને આ જોઈને મોજ પડી ગઈ. એક જ રાતમાં ૧૧ કરડો ટવીટ થયા તેના કારણે ટ્વિટરને એટલી એડ મળી કે એક વર્ષ સુધી ટ્વિટર મસ્ક માટે પૈસા રળી આપતી મરઘી બની ગઈ. વિચારો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની નોંધ લેવાઈ પણ ભ્રષ્ટાચારની બાબતમાં, લોકો સરકાર અને કોન્ટ્રાક્ટ એજન્સી પર ભ્રષ્ટાચારનું આળ લગાવી રહ્યા છે તો કમળના કાર્યકરો મુંબઈને દોષિત ગણે છે.
ઝૂલતો પુલ માત્ર મોરબી કે મુંબઈની જ નહીં પણ સમગ્ર ભારતની ઐતિહાસિક વિરાસત છે. ઇ.સ.૧૮૮૦માં સમ્રાટ વાઘજી રાવજી તૃતીયએ દરબારગઢથી નઝરબાગને જોડવા માટે મોરબીમાં પુલનું નિર્માણ શરૂ કર્યું પણ અન્ય રજવાડાં કરતા તેમની સ્થાપત્ય અલગ પડે એ માટે ઝૂલતો પુલ બનાવવાનો વિચાર કર્યો. પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો અને મુંબઈથી શ્રમિકો પુલ નિર્માણ માટે આવ્યા. મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ સમયે આશરે ૩.૫ લાખના ખર્ચે ઝૂલતો પુલ બન્યો. ગુલામી કાળમાં પણ મોરબીની પ્રજા જીવનના દુ:ખમાં ઝુરવા કરતા ઝૂલતા પુલ પર લટાર મારીને આનંદ અનુભવતા. હવે પુલ તૂટી ગયો તો એવા આક્ષેપો થઈ રહ્યા છે કે મુંબઈના કારીગરોની નબળી કામગીરીથી પુલ તૂટ્યો. આવો આક્ષેપ લગાવનાર શ્રીમાનની બુદ્ધિ પાનીમાં પણ નહીં હોય નહિતર બોલતા પહેલા એટલું તો વિચારે કે હમણાં જ પુલનું નવનિર્માણ થયું એટલે પ્રજા માટે પુન: કાર્યાન્વિત થયો તો એમાં મુંબઈના કારીગરો શું કરે? કોન્ટ્રાક્ટ કંપનીના તો દુર્ઘટના બની એ સાંજથી જ ઉઠમણાં થઈ ગયા છે. મીડિયાનો આક્ષેપ છે કે કંપનીની સરકાર સાથે સીધી સાંઠગાંઠ છે એટલે એફઆઈઆરમાં પણ તેનું નામ નહિ આવે.
મોરબીની ઓળખ ઔદ્યોગિક નગરી તરીકે ઓછી અને કુદરતી આપદા તરીકે વધુ થાય છે. ૧૯૭૯માં ભારત પર ચાંપતી નજર રાખતા અમેરિકાને તેના સેટેલાઇટમાં હિલચાલ દેખાઈ, તલસ્પર્શી તપાસ કરતા ખબર કે મોરબીમાં હોનારત સર્જાઈ છે. ૨૦૦૧માં ભૂકપંથી ગુર્જરધરા ધ્રુજી ઊઠી ત્યારે મોરબીમાં વસાહતો. બજારો, ઈમારતો પળભરમાં જમીનદોસ્ત થઈ ગઈ હતી. ૮૨ ગામો સંપર્ક વિહાણો થયા હતા અને ૨૦૨૨ના રવિવારે ઝૂલતા પુલની કરુણાંતિકા, રવિવારની રજા અને દિવાળીના તહેવારોને વિદાય આપવા ગયેલા લોકો ૨૬ સેક્ધડમાં સ્વર્ગસ્થ થયા. મોજ માતમ બની, આનંદમગ્ન બાળકો મહિલાઓ યુવાનો અને વડીલો ધડાકાભેર મચ્છુ નદીમાં હોમાઈ ગયા, કિલ્લોલ પળવારમાં મરણચીસો અને માતમમાં ફેરવાઈ ગયો, કોણ કોને બચાવે, કોણ કોને સાંત્વના આપે તે નિરુત્તર પરિસ્થિતિ વચ્ચે સમગ્ર દેશ શોકમય છે. શું આ ભારતની પહેલી એવી ઘટના છે જ્યાં પુલ કાટમાળમાં પરિવર્તિત થઈ ગયો હોય?
ભારતની પંચવર્ષીય યોજના પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો એકલા મુંબઈમાં જ દોઢ વર્ષના અંતરાલમાં ૩ પુલ તૂટ્યા હતા. ૨૦૧૭માં અંધેરી સ્ટેશન નજીક વીલે પાર્લે જતો દક્ષિણ તરફનો રોડ ઓવરબ્રિજ, પરેલ-એલફિનસ્ટન સ્ટેશન રોડનો કનેક્ટિંગ ફૂટ ઓવરબ્રિજ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ નજીક આવેલો ઓવરબ્રિજ અચાનક નીચે ધરબી ગયો હતો. ૨૦૧૬માં કોલકાતામાં માજેરહાટ ફ્લાયઓવર બ્રિજનો સ્લેબ અચાનક ધબી ગયો હતો. ૨૦૧૮માં દાર્જિલિંગના પહાડી વિસ્તારથી લગભગ ૨૦ માઈલ લાંબી ભીડથી ભરેલો માનગંજ પુલ તૂટી પડ્યો, હવે ગત વર્ષની જ વાત કરીએ તો બિહારમાં ૧૫૦ વર્ષ જૂનો પુલ નવનિર્માણના અભાવે તૂટી ગયો, પેસેન્જર ટ્રેન સીધી નદીમાં ખાબકી હતી. તેમાંય અમદાવાદે તો હદ કરી, મધ્યરાત્રિએ નિર્માણાધીન પુલ તૂટી ગયો. પાંચ વર્ષની આ કરુણાંતિકાઓમાં મૃતકો અને ઘાયલ લોકોની ગણતરી કરવા બેસો તો મનમાં ગુસ્સો અને મગજમાં સવાલ પેદા થાય કે આવી બેદરકારી ક્યાં સુધી ચાલશે?
ભારતમાં જયારે પણ કોઈ દુર્ઘટના આકાર પામે એ બાદ તપાસ અને દોષ સંશોધનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. હકીકતમાં દોષ કોનો છે? દેશમાં વિજ્ઞાન ટૅકનોલૉજી અને ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હવામાન પૂર્વાનુમાન સુનામી વરસાદ વાવાઝોડાની કુદરતી આફતોના આગમન પૂર્વે કલાકો અને દિવસો અગાઉ જાણકારી મળી જાય છે અને કુદરતી આફતોનું ઓછામાં ઓછું નુકસાન થાય તેવી વ્યવસ્થાનો સદ્ઉપયોગ થાય છે ત્યારે મોરબીના ઝૂલતા પુલની જાણ કેમ સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ? પુલ તૂટ્યો એટલે તેની આવરદા, ક્ષમતા અને ગુણવત્તાની ચકાસણી અને તપાસની પ્રક્રિયા હાથ ધરાશે. તો પહેલા આ સત્કાર્ય કેમ ન કર્યું?
એવું નથી કે ખાલી ભારતમાં જ બ્રિજ તૂટે છે, અમેરિકા, ચીન, નેપાળ, ઇટાલી અને પાકિસ્તાનમાં પણ બ્રિજ તૂટવાની ઘટનાઓ બને જ છે પણ ભારતમાં જે હદે ભ્રષ્ટાચારની ઉધઈ ઘર કરી ગઈ છે તેવી વિશ્ર્વના અન્ય રાષ્ટ્રોમાં નથી. બે મહિના પૂર્વે દિલ્હીના નોએડામાં ગેરકાયદે બાંધવામાં આવેલા સુપરટેક લિમિટેડના ૩૨ માળના ટ્વિન ટાવર્સ તોડી પાડવામાં આવ્યા ત્યારે જનાક્રોશ ભ્રષ્ટાચારને ડામવા તત્પર હતો પણ ૧૦ દિવસમાં લોકો ઠંડા પડી ગયા. મોરબીમાં ફરી હોનારત સર્જાઈ એટલે લોકોને વિરોધનો વંટોળ ફરકાવવાનું યાદ આવ્યું.
મોટાભાગના યુવાનોના મતે દુનિયામાં વધી રહેલા ભ્રષ્ટાચાર માટે માણસ ખુદ જવાબદાર છે. સામાજિક કે રાજકીય વ્યવસ્થા તો ટ્રિગર પોઇન્ટ છે, અસલી અપરાધી તો પ્રત્યેકની અંદર છે. જો એવું હોય તો મનમાં રહેલા અપરાધીનો વધ ક્યારે થશે? ભારતમાં ન્યાયિક અને કાનૂની વ્યવસ્થામાં ભ્રષ્ટાચારને રોકવાના નિયમો તો બની ગયા છે પણ સજા કેટલાને મળે છે? ભારતમાં દરેક રાજકારણી, દરેક અફસર, દરેક જજ, દરેક વ્યવસ્થાને અનુસરે છે, દરેક નિયમનું પાલન કરે છે અને દરેક કાનૂનને લાગુ કરે છે. આમ છતાં એ તમામ પ્રકારની અનીતિ અને પાપ અને ગેરરીતિ થાય છે, જે કોઇ અનિયોજિત, અસભ્ય અને અરાજક દેશમાં જ થતી હોય છે.
ભારતમાં ભ્રષ્ટાચાર અભ્યાસક્રમનો એક નાનકડો વિષય બની ગયો છે. શાળાની પરીક્ષામાં નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં અચૂક આ વિષય સાંભળવા મળે પણ તેનાથી દેશમાં કોઈ પરિવર્તન આવ્યું? સરકારી બાબુઓની ડિક્શનરીમાં કર્મફળ કે નૈતિક મૂલ્ય નામનો શબ્દ છે જ નહીં, છે તો કરોડો રૂપિયા કમાવવાની લાલસા. ભારતમાં ભ્રષ્ટાચારને વહીવટી અને આર્થિક સમસ્યા માનવામાં આવે છે, પરંતુ એનું મૂળ દેશના સામાજિક, રાજકીય, આર્થિક અને વહીવટી માળખામાં છે. સરકારની અક્ષમતા અને દેશની વિશાળ વસ્તી ભ્રષ્ટાચારને ઉત્તેજન આપે છે. ઉચ્ચ જીવન જીવવા માટે ભ્રષ્ટ સાધનોનો ઉપયોગ થાય છે અને એને છુપાવવા માટે પારદર્શિતા ઓછી કરવામાં આવે છે. આ અધોગતિ છલ્લા ઘણા વર્ષોથી વધી રહી છે અને દેશને અપકીર્તિ તરફ ધકેલી રહી છે.
વાસ્તવમાં, ભ્રષ્ટાચાર સામેની લડાઈનું નેતૃત્વ રાજનીતિના હાથમાં છે એ જ એ લડાઈને નપુંસક બનાવી દે છે. જ્યારે ઘરના જ ભુવા હોય અને ઘરનાં જ ડાકલાં હોય તો પછી ભૂત ક્યાંથી ભાગે. સ્વિટઝરલેન્ડ, સિંગાપોર, ફિનલેન્ડ અને સ્વીડનમાં ભ્રષ્ટાચાર નહિવત્ છે અને આવા પુલ તૂટે તો તેમાં વર્ષો સુધી કેસ ન ચાલે, ત્વરિત તપાસ અને અપરાધીઓને આકરી સજા મળે પણ ભારતમાં ઉલટું છે. કોઈ ભ્રષ્ટાચારમાં ઝડપાય તો તેની બદલી થઈ જાય એટલે દોષિત પોતાના અપરાધનો અહેસાસ ક્યાંથી થાય?
ભારતમાં પુલ બનાવવા પાછળ કરોડો રૂપિયાનું આંધણ થાય છે અને પુલ તૂટી ગયા બાદ મૃતકો અને ઇજાગ્રસ્તોને તેમના જ ટેક્સના રૂપિયા દાન સ્વરૂપે અપાય છે પણ શું તેનાથી મૃતકોને શ્રદ્ધાંજલિ મળી જશે? માત્ર ને માત્ર વ્યવસ્થાપન, ક્રાઉડ મેનેજમેન્ટમાં રહેલી ખામી અને પુલની ક્ષમતાના વધુ પડતા આત્મવિશ્ર્વાસના કારણે આ દુર્ઘટના સર્જાય હોવાનું માની લેવાથી કોઈ નિરાકરણ આવશે? મોરબીમાં સર્જાયેલી કરૂણાતિકામાં પૂર્ણ તપાસ અને દોષિતો સામે કડક અને દાખલા રૂપ કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આ કરૂણાંતિકાને બોધ ગણીને ભવિષ્યમાં હવે ક્યારેય આવી હોનારત ન થાય તેનો સંકલ્પ અને આવશ્યક પગલાં લેવા એ જ આ દુર્ઘટના મૃત્યુ પામનારા તમામની આત્માને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. ઉ