મુંબઈ: રાજ્યભરમાં પોતાની માંગણીઓ માટે હડતાળ પર ઉતરેલા રેસીડેન્ટ ડોકટરોની હડતાળ ગઈકાલે બીજા દિવસે સાંજે પાછી ખેંચાઈ ત્યાં હવે ફરી એક વખત મુંબઈગરાઓની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે અને તેનું કારણ છે કે વીજળી વિભાગના કર્મચારીઓ. રાજ્યભરના વીજળી વિભાગના કર્મચારીઓ તેમની માંગણી માટે 72 કલાક માટે હડતાળ પર ઉતર્યા છે. એટલે જો આ સમયગાળામાં કોઈ પણ કારણસર રાજ્યમાં બત્તી ગુલ થઈ તો નાગરિકોની મુશ્કેલી વધશે. મહાવિતરણના ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓએ ત્રણ દિવસની હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી. નાગરિકોને હેરાનગતિ થાય એવો અમારો કોઈ ઉદ્દેશ નથી, પણ જેમ ફ્રી સીમ કાર્ડ આપીને બીએસએનએલ કંપનીનું નામોનિશાન મિટાવવાનો કારસો રચવામાં આવ્યો હતો એ જ રીતે મહાવિતરણ કંપની સાથે ના થાય એ માટેનો આ પ્રયાસ છે. આ હડતાળ અમારા માટે નહીં પણ ગ્રાહકો માટે જ છે, કારણ કે ખાનગીકરણને કારણે ગ્રાહકો પર જ ભાવવધારાની તલવાર તોળાઇ રહી છે. આવું ના થાય એ માટે જ આ હડતાળ જરૂરી છે. હડતાળમાં જોડાયેલા કર્મચારીઓના વિવિધ સંગઠન અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આજે બપોરે 1 વાગ્યે સહ્યાદ્રી ખાતે બેઠક થશે. એટલે બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર જ નાગરિકોની નજર છે.