Homeટોપ ન્યૂઝમાહ્યલામાં રહેલા, મનને ઉઝરડા આપતા દરેક રિગ્રેટને ગુડ-બાય કહી દો

માહ્યલામાં રહેલા, મનને ઉઝરડા આપતા દરેક રિગ્રેટને ગુડ-બાય કહી દો

[ad_1]

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

શું તમને ક્યારેય કોઈ કામ કર્યાનો કે ન કર્યાનો અફસોસ થયો છે? અમુક નિર્ણય લીધા પછી એ ‘ન લેવાની જરૂર હતી’ એવો પસ્તાવો થયો છે? એક મોકો ચુકાઈ જવાનો અને પોતાની મોજથી રહી ન શક્યાનો અફસોસ થયો છે? કોઈ સંબંધને ન નિભાવી શકવાનો કે એમાંથી પીછેહઠ કરવાનો છેલ્લી ઘડી સુધી અફસોસ થયો છે?
આપણા બધાની લાઈફમાં એવી ક્ષણો આવેલી હોય જ છે જેનો પારાવાર અફસોસ થતો હોય. ઘણી વાર કેટલાંક વર્તન કર્યા બદલ તો ઘણી વાર યોગ્ય સમયે અમુક વર્તન ન કર્યાની લાગણી છેલ્લે સુધી કોરી ખાતી હોય છે. માત્ર પ્રેમી-પ્રેમિકાની વાત નથી. મિત્રો, સંબંધીઓ, કલિગ્સ, પેરેન્ટ્સ, પડોશીઓ વગેરે આમાં આવી જાય. ઈવન અજાણ્યું ટોળું હોય કે રેસ્ટોરાં ડિનર વખતે બાજુના ટેબલ પર બેઠેલા લોકો હોય, તેઓની સાથેનો ક્ષણિક સંબંધ પણ આવી રિગ્રેટવાળી ક્ષણો પેદા કરી શકે છે.
‘કાશ, મેં એને એક મોકો આપ્યો હોત તો અમે બંને આજે સાથે હોત’, ‘મારા બોસને એમની નજરથી સમજવાની કોશિશ કરી હોત તો આજે એમને હાર્ટ એટેક ન આવ્યો હોત’, ‘એ દીકરીને જોબની અત્યંત જરૂર હતી ને એ લાયક પણ હતી, મારાથી કંઈક થઈ શક્યું હોત’, ‘મારા પેરેન્ટ્સ એની જગ્યાએ સાચા હતા, એમની સ્થિતિ સમજવાની ટ્રાય કરી હોત’, ‘મારા બેસ્ટ ફ્રેન્ડને આપેલા રૂપિયા માગતાં પહેલાં વિચાર કર્યો હોત’, ‘અરે, મારાથી આવું બોલાય જ કેમ? એ મારી પુત્રવધૂ નહિ, પણ દીકરી છે’, ‘મારા સસરાની છેલ્લી ઈચ્છા દ્વારકાધીશનાં દર્શન કરવાની હતી, કાશ મારો પ્રોગ્રામ પોસ્ટપોન કર્યો હોત’, ‘સંગીત શીખવાનો સમય મળ્યો નહિ, પણ મારે કાઢવાની જરૂર હતી’, ‘કોલેજનાં એ ત્રણ વર્ષોમાં મોજમસ્તીની સાથે ભણવામાં થોડું વધુ ધ્યાન આપ્યું હોત તો આજે આ દિવસ ન જોવો પડત’, ‘માત્ર પૈસા કમાવાના બદલે કાશ મેં મારા પરિવારના સભ્યોને સમય આપ્યો હોત’, ‘આર્ટ્સ ફિલ્ડમાં રસ હોવા છતાં મિત્રોની કમ્પેરિઝન કરી સાયન્સમાં જઈને બાવાનાં બેય બગડ્યાં જેવી સ્થિતિ પેદા થઈ, કાશ મારા મનની વાત માની હોત’, ‘આંટી બસમાં ઊભાં રહી શકે એમ નહોતાં, મારે એમને સીટ આપી દેવાની જરૂર હતી’, ‘મારાથી ગુસ્સામાં ઘણું બોલાઈ ગયું, પત્નીને આવું કહેવાની જરૂર નહોતી’, ‘એની પરિસ્થિતિમાં પોતાને ગોઠવીને એક વાર સમજવાની જરૂર હતી, કદાચ હું એને સમજી શકી હોત…’
આ પ્રકારનાં કેટકેટલાંય રિગ્રેટ્સથી આપણું માઈન્ડ ઊભરાતું હશે એનો અંદાજ કોઈ જ લગાવી શકે એમ ન હોય. કેટલીક વાર તો કોઈના માટે હદ બહાર નિચોવાયાનો અફસોસ પણ થાય. બનતા તમામ પ્રયાસો કરી લીધા પછી પણ, એને કોઈ કામ માટે ‘ના’ ન કીધા પછી પણ, એના વગર જીવી જ શકાય એમ નથી એવું કહ્યા પછી પણ જો સામેના પાત્રને ખુશ રાખી શકાય એમ ન હોય ત્યારે પોતાની જાત પર શરમ આવે. એમ થાય કે કોના માટે થઈને આટલું ઢસડાયા…! એવા જખમો કે જે ‘દાઝ્યા પર ડામ દે’ એવા હોય એને યાદ કરી કરીને હૃદય અને મને અફસોસ નીતરતો રહે છે. અરે કોઈ સ્પેશિયલ વ્યક્તિ માટે સ્વમાન નેવે મૂકીને, કરગરીને, પગે પડીને, ભીખ માગીને પણ સંબંધ નિભાવવા કહ્યું હોવા છતાં એની પીછેહઠથી જેટલું દુ:ખ નથી થતું એટલું દુ:ખ આપણા એ પ્રકારના બાલિશ બિહેવિયરથી થતું હોય છે. સમય જતાં આપણા જે-તે સમયના વર્તન પર માત્ર અફસોસ નહિ પણ અફસોસના અલ્ટ્રા એચડી વર્ઝન જેવી ફીલિંગ આવે છે.
એક કપલ કોઈ કારણસર અલગ થાય છે. જોકે એમાં લેડીની ઈચ્છા શું છે એ જાણવાની તસદી એના પ્રેમીએ નહોતી લીધી. બ્રેકઅપ પછી પણ એ લેડી પોતાના પ્રેમને રીઝવવાના તમામ પ્રયત્નો કરતી રહી. ‘પોતે એના વગર જીવી નહિ શકે’ એવું કહ્યા બાદ પોતાના પ્રેમીનું રિએક્શન જાણી એને જોરદાર આંચકો લાગ્યો. ‘તું આવું પગલું ભરીશ તો પોલીસ મારા ઘર સુધી પહોંચશે ને આમાં મારું નામ પણ આવશે અને છેવટે મારોય મરવાનો વારો આવશે, એટલે પ્લીઝ તું એવું કોઈ પગલું ભરતી નહિ જેથી મારા સુધી રેલો પહોંચે.’ આ સાંભળ્યા પછી એ બહેનને પોતાનો પ્રેમ ખોવાનો અફસોસ નહોતો, પણ લાયકાત વગર, પાત્રતા વગર અનહદ પ્રેમ પીરસ્યાનો અફસોસ થયો. પોતાની મૂર્ખામી પર આંસુઓનો અંબર ઊભો કરી દીધો. હજીએ એ અફસોસ એને હખે જીવવા નથી દેતો.
આ તો પ્રેમ કર્યાની પીડા થઈ પણ કોઈ માટે કાઈ ન કરી શકવાની પીડા પણ મનને વ્યગ્ર કર્યા કરે છે. હું એક વ્યક્તિને ઓળખું છું જેનો સ્વભાવ અતિસંવેદનશીલ છે. એ કોઈને ફાટેલાં કપડાંમાં જુએ તોય જીવ બાળે. કોઈ બાળકને ચંપલ પહેર્યા વગર ચાલતું જુએ તો એને પોતે પહેરેલાં ચંપલ આપી દે. કોઈ માણસને ભીખ માગતાં જુએ તો ક્યાંય સુધી માત્ર એના વિચારો જ કર્યા કરે. કણસતી વ્યક્તિને જોઈને જાણે એને પીડા થતી હોય એવું લાગે. આવા તમામ લોકો માટે કંઈક કરી છૂટવાની એ ઈચ્છા ધરાવે પણ એમ ન થઈ શકે તો એ અફસોસ સાથે કેટલાય દિવસ સુધી જે તે ઘટના વિચાર્યે રાખે.
છતાંય આમાંથી હેમખેમ પાર ઊતરવું એનું નામ જ જિંદગી છે. જેને માણવાની છે, જેની મોજ લેવાની છે, જેની હયાતીને બાથમાં ભરીને, ઊંડા શ્ર્વાસ લઈને એને મહેસૂસ કરવાની છે એવી આપણી એકની એક જિંદગીમાં કંઈક ગુમાવ્યાનો અફસોસ કરતાં કરતાં જવું પડે એ કેમ ચાલે? લોકો શું વિચારશે? હું કેવો/કેવી લાગું છું? એનાથી આમ થાય જ કેમ? આવી બધી કલ્પનાતીત વાતોને મનની ગન વડે ગોળીએથી વીંધી નાખવામાં આપણા સૌની ભલાઈ રહેલી છે. કોઈ પૂછે કે ‘કેમ છે દોસ્ત?’ આપણે કહીએ, ‘મજામાં’ આ ત્રણ અક્ષરનો શબ્દ હકીકતમાં માત્ર શબ્દ નથી. આ શબ્દની સાઇકોલોજીને પેલે પાર જઈને મનમાં ગાંઠ વાળી લેવાની કે જે છે એ અહીં જ છે, આ ક્ષણ પછીની ક્ષણ કેવી હશે એની ખબર નથી. તો માહ્યલામાં રહેલા, મનને ઉઝરડા આપતા દરેક રિગ્રેટસને ટાટા-બાય બાય કહી નકરી મોજને જ કાયમી આમંત્રણ આપવાનું.
કેટલાંક કામો ન કરી શક્યાના અફસોસમાં જીવવા કરતાં એ કામ આપણાથી થઈ શકે એમ નહોતાં અથવા તો એ કાર્ય માટે આપણું સર્જન જ થયેલું નહોતું એમ માની લેવું. સાથોસાથ આપણાથી બનતું કરી શક્યાનો ગર્વ પણ લેવો જ. ગામની દેખાદેખીમાં, કોઈનાથી નારાજ થઈને રહેવામાં અને ભૂતકાળમાં કરેલી ભૂલોને યાદ કરવામાં જિંદગી કાઢવી છે કે પછી મૃત્યુને યાદગાર, જાનદાર અને શાનદાર બનાવવું છે? આ સવાલ એકાંતમાં જાતને પૂછી લેવો.
———
ક્લાઈમેક્સ:
પ્રેમ અને મૃત્યુ જેવી ઘટનાનું પ્રિ-પ્લાનિંગ થઈ શકતું નથી. તું આવ્યો અને ગયો… જે બદલી શકાય એમ નથી. એટલે આ ઘટનાને મેં એમ જ સ્વીકારી છે, જેમ કે મૃત્યુ…!

[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -