મુંબઈ: કોલ સેન્ટરની કર્મચારી શ્રદ્ધા વાલકરની નિર્મમ હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા લિવ-ઇન-પાર્ટનર આફતાબ પૂનાવાલાના પિતા અમીન પૂનાવાલાએ મીરા રોડ વિસ્તારમાં ગયા મહિને ફ્લેટ ભાડા પર લેતી વખતે પુત્ર આફતાબ વિશે પૂરી વિગતો આપી નહોતી, એમ એસ્ટેટ એજન્ટે જણાવ્યું હતું.રિયલ એસ્ટેટ બ્રોકરે ડેલ્ટા ગાર્ડન કોમ્પ્લેક્સ ખાતે ફ્લેટ શોધવામાં અમિન પૂનાવાલાને મદદ કરી હતી. અમીન પૂનાવાલાને વન બીએચકેનો ફ્લેટ જોઇતો હતો. જોકે બાદમાં તેણે ટૂ બીએચકેનો ફ્લેટ ભાડા પર લીધો હતો.
અમીન પૂનાવાલાએ અંધેરી ખાતે ફ્લેટના માલિકને જણાવ્યું હતું કે ફ્લેટમાં પોતે, પત્ની મુનીરા અને પુત્ર અહાદ આ ફ્લેટમાં રહેશે. મારો બીજો પુત્ર (આફતાબ) અન્ય સ્થળે રહે છે અને અમારી સાથે નથી રહેતો. અમીને તેના પુત્ર આફતાબ વિશે પૂરી વિગતો આપી નહોતી, એમ પણ બ્રોકરે જણાવ્યું હતું.
વસઇનો ફ્લેટ ભાડે આપ્યા બાદ પૂનાવાલા પરિવાર ઓક્ટોબરમાં અન્ય સ્થળે શિફ્ટ થયો હતો. જોકે મીરા રોડનો તેમનો ફ્લેટ બંધ છે અને તેઓ હવે ગુમ છે, એમ પોલીસે કહ્યું હતું.
અમીને ભાડા પર ફ્લેટ લેતી વખતે પોતાનું આધાર કાર્ડ, પેન કાર્ડ અને અન્ય માહિતી સ્થાનિક પોલીસને આપી હતી. પોલીસ વેરિફિકેશન થયા બાદ તેને ફ્લેટ ભાડા પર આપવામાં આવ્યો હતો.
અમીને ટેનન્ટ રજિસ્ટ્રેશન થયા બાદ મારી દલાલી ઓનલાઇન ચૂકવી હતી અને એક મહિનાનું ભાડું પણ આપ્યું હતું, એમ બ્રોકરે કહ્યું હતું.અમીને એક વાર મને કહ્યું હતું કે તે મલાડમાં ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરે છે અને તેના પુત્ર અહાદને તાજેતરમાં મુંબઈમાં નોકરી મળી છે. તેઓ સારા સ્વભાવના લાગતા હતા, પણ આફતાબ વિશે જાણ્યા બાદ અમને આંચકો લાગ્યો હતો. અમની પૂનાવાલાએ રજૂ કરેલા દસ્તાવેજો ડેલ્ટા ગાર્ડન સોસાયટી દ્વારા પોલીસને સુપરત કરાયા હતા, એમ બ્રોકરે કહ્યું હતું. (પીટીઆઇ)
—
દિલ્હી પોલીસે વસઈમાં
૧૧ જણનાં નિવેદન નોંધ્યાં
મુંબઈ: શ્રદ્ધા વાલકરની કરપીણ હત્યાના કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે મુંબઈ-વસઈમાં અત્યાર સુધીમાં ૧૧ જણનાં નિવેદન નોંધ્યાં હતાં.
લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યા પછી દિલ્હી પોલીસની એક ટીમ વધુ તપાસ માટે વસઈના માણિકપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી. આ ટીમે સોમવારે કેસ સંબંધિત વધુ એક જણનું નિવેદન નોંધ્યું હતું.
જોકે સોમવારે જે વ્યક્તિનું નિવેદન નોંધવામાં આવ્યું તેની વિગતો અને કેસ સાથે તે કઈ રીતે સંકળાયેલી છે તેની માહિતી તાત્કાલિક જાણી શકાઈ નહોતી.
અધિકારીના જણાવ્યા મુજબ ૨૦૨૦માં વસઈમાં પૂનાવાલાએ શ્રદ્ધાની મારપીટ કરી ત્યારે તેને મદદ કરનારા બે જણ સહિત અત્યાર સુધીમાં મુંબઈ-વસઈમાં ૧૧ જણનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે. શ્રદ્ધા અગાઉ જે કૉલ સેન્ટરમાં કામ કરતી હતી તેના મૅનેજરનું પણ નિવેદન નોંધાયું છે.
શ્રદ્ધા અને આફતાબ વસઈમાં જ્યાં જ્યાં રહ્યાં હતાં તે ત્રણ ઘરના મકાનમાલિકોનાં પણ નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. એ સિવાય આફતાબ અને શ્રદ્ધાએ દિલ્હીના છત્તરપુરમાં સામાન શિફ્ટ કર્યો એ મૂવર્સ ઍન્ડ પૅકર્સ કંપનીના માલિકનું નિવેદન પોલીસે નોંધ્યું હતું.છેલ્લા ચાર દિવસથી વસઈ આવેલી દિલ્હી પોલીસે શ્રદ્ધાના પિતા વિકાસનું પણ નિવેદન નોંધ્યું હતું. શ્રદ્ધા ગુમ થઈ હોવાની ફરિયાદ તેના પિતાએ વસઈના માણિકપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને તેની તપાસ દરમિયાન જ આ હત્યાકાંડ સામે આવ્યો હતો. (પીટીઆઈ)ઉ