(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં રૂપિયામાં ૫૩ પૈસાનો ઉછાળો અને એશિયન ઈક્વિટી માર્કેટના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે રોકાણકારોની લેવાલી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશને કારણે બે સત્રનો ઘટાડો ધોવાઈ ગયો હતો અને બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૧૩.૯૫ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૬૪.૪૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. આમ એકંદરે આ સપ્તાહ દરમિયાન સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં ૧.૬૫ ટકા અથવા તો ૯૯૦.૫૧ પૉઈન્ટની અને નિફ્ટીમાં ૧.૮૫ ટકા અથવા તો ૩૩૦.૩૫ પૉઈન્ટની તેજી જોવા મળી છે.
આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૦,૮૩૬.૪૧ના બંધ સામે સુધારાના ટોને ૬૦,૬૯૮.૨૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૦,૬૬૬.૦૧ અને ઉપરમાં ૬૧,૦૦૪.૪૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૧૯ ટકા અથવા તો ૧૧૩.૯૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૦૫૨.૭૦ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૧૮,૦૫૩.૪૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૮,૦૧૭.૧૫ અને ઉપરમાં ૧૮,૧૩૫.૧૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૩૬ ટકા અથવા તો ૬૪.૪૫ પૉઈન્ટ વધીને ૧૮,૧૧૭.૧૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
તાજેતરમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ફેડરલ રિઝર્વનીની નીતિને અનુસરતા વ્યાજદરમાં વધારો કર્યો હતો, પરંતુ નજીકના ભવિષ્યમાં હળવી નાણાનીતિનો સંકેત આપ્યો હોવાથી ઈક્વિટી માર્કેટના સુધારાને ટેકો મળ્યો હતો. તેમ છતાં વૈશ્ર્વિક આર્થિક મંદીની ભીતિ હેઠળ આઈટી અને ફાર્મા શૅરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હોવાથી શૅરઆંકમાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે રૂ. ૬૭૭.૬૨ કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં બજારનાં સુધારાને ટેકો મળ્યો હતો.
એકંદરે આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૮ શૅરના ભાવ વધીને અને ૧૨ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૪.૫૫ ટકાનો ઉછાળો બજાજ ફિનસર્વમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટાટા સ્ટીલમાં ૨.૫૦ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૨.૪૫ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૫૩ ટકા, રિલાયન્સમાં ૧.૪૩ ટકા અને એશિયન પેઈન્ટમાં ૧.૨૮ ટકા વધી આવ્યા હતા. તેની સામે આજે ઘટનારા શૅરોમાં સૌથી વધુ ૧.૪૯ ટકાનો ઘટાડો ડૉ. રેડ્ડીઝ લૅબમાં જોવા મળ્યો હતો. આ સિવાય ઈન્ફોસિસમાં ૧.૦૮ ટકા, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૦૩ ટકા, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૮૩ ટકા, એચડીએફસી બૅન્કમાં ૦.૭૬ ટકા અને એનટીપીસીમાં ૦.૭૩ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૪૧ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં ટકેલું વલણ રહ્યું હતું.
વધુમાં આજે સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં મુખ્યત્વે બીએસઈ મેટલ ઈન્ડેક્સમાં ૨.૯૦ ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સિવાય બીએસઈ એનર્જી ઈન્ડેક્સમાં ૦.૮૪ ટકા, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૦.૫૯ ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૦.૫૩ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૫૧ ટકાનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેકેસમાં ૦.૫૦ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે, આજે બીએસઈ બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૬૮ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૩૫ ટકાનો અને બીએસઈ ટેક્નોલોજી ઈન્ડેક્સમાં ૦.૩૪ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન વૈશ્ર્વિક બજારમાં ખાસ કરીને ચીન કોવિડ-૧૯ મહામારીને લગતાં નિયંત્રણો હળવા કરે તેવા આશાવાદ સાથે આજે સિઉલ, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર સુધારાના ટોને બંધ રહ્યા હતા, જ્યારે ટોકિયોની બજારમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. વધુમાં ગઈકાલે વૉલ સ્ટ્રીટ બજારમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં આજે મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં સુધારો આવ્યો હોવાના અહેવાલ હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૨.૩૪ ટકા ઉછળીને બેરલદીઠ ૯૬.૮૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૫૩ પૈસાના સુધારા સાથે ૮૨.૩૫ના મથાળે બંધ રહ્યો હતો.