Homeટોપ ન્યૂઝબેંગલૂરુમાં ઍરપોર્ટનાં નવા ટર્મિનલ અને વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ

બેંગલૂરુમાં ઍરપોર્ટનાં નવા ટર્મિનલ અને વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ

નાદાપ્રભુ કેમ્પેગોવડાની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

લોકાર્પણ અને દીક્ષાંત: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બેંગલૂરુમાં નાદાપ્રભુ કેમ્પેગોવડાની ૧૦૮ ફૂટ ઊંચી કાંસ્યની પ્રતિમા (સ્ટેચ્યુ ઑફ પ્રોસ્પરિટી)નું અનાવરણ કર્યું હતું. મોદીએ બેંગલૂરુસ્થિત કેએસઆર રેલવે સ્ટેશન ખાતે મૈસુર અને ચેન્નઈને જોડતી દક્ષિણ ભારતની સૌપ્રથમ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી પણ દેખાડી હતી અને ત્યાર બાદ મોદીએ ડિંડિગલ જિલ્લામાં ગાંધીગ્રામ રૂરલ ઈન્સ્ટિટ્યૂટના ૩૬માં પદવીદાન સમારોહમાં સંગીત વિશારદ ઉમિયાલપુરમ કે. શિવરામનનું અભિવાદન કર્યું હતું. (એજન્સી)
——–
બેંગલૂરુ: વડા પ્રધાન મોદીએ શુક્રવારે બેંગલૂરુ ઍરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું અને દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. બેંગલૂરુના સ્થાપક નાદાપ્રભુ કેમ્પેગોવડાની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું મોદીએ અનાવરણ કર્યું હતું. સંત-કવિ કનકા દાસાના જન્મજયંતીના ઉપલક્ષ્યમાં મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે મહર્ષિ વાલ્મીકિની પ્રતિમાને પ્રણામ કર્યા હતા. મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને ભારત ગૌંરવ કાશી દર્શન ટ્રેન સર્વિસને અત્રેના ક્રાંતિવીર સંગોલી રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી હતી.
કેમ્પેગોવડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (કેઆઇએ)નું ટર્મિનલ-ટુ પર્યાવરણ-સાનુકૂળ છે. અંદાજિત રૂપિયા ૫૦૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઍરપોર્ટમાં વાંસનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘ટર્મિનલ ઇન અ ગાર્ડન’ તરીકે ઓળખાતા ટી-ટુમાંના અંદર અને બહારના ભાગને લીલુછમ્મ બનાવવામાં આવ્યું છે. ‘હેન્િંગગ ગાર્ડન’ જોવાનો પણ પ્રવાસીઓને લાભ મળશે. ટી-ટુ અઢી કરોડ પ્રવાસીઓની વાર્ષિક ક્ષમતા ધરાવે છે.
કેઆઇએ પર સ્થાપિત કરાયેલા નાદાપ્રભુ કેમ્પેગોવડાની પ્રતિમાને ‘સમૃદ્ધિની પ્રતિમા’નું નામ આપવામાં આવ્યું છે. ૯૮ ટન બ્રૉન્ઝ અને ૧૨૦ ટન સ્ટીલ (કુલ ૨૧૮ ટન)થી તૈયાર કરાયેલી પ્રતિમા સાથે હેરિટેજ થીમ પાર્ક પણ તૈયાર કરાયો છે. પ્રતિમા અને થીમ પાર્ક બન્ને પાછળ કુલ ૮૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રખ્યાત શિલ્પી અને પદ્મભૂષણ વિજેતા રામ વનજી સુતારે પ્રતિમાની ડિઝાઇન તૈયાર કરી છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મૈસૂરુ અને ચેન્નઇને વાયા બેંગલૂરુ જોડે છે. વંદે ભારત દક્ષિણ ભારતની પ્રથમ અને ભારતની પાંચમી સેમિ હાઇ-સ્પીડ ટ્રેન છે. ચેન્નઇથી બેંગલૂરુ ફકત ત્રણ કલાકમાં જઇ શકાશે. મોદીએ ટ્વીટમાં કહ્યું કે ચેન્નઇ-મૈસૂરુ વંદે ભારત એક્સપ્રેસ કનેક્ટિવિટી અને વેપારી પ્રવૃત્તિઓને વેગ આપશે. ‘ઇઝ ઑફ લિવિંગ’માં વૃદ્ધિ થશે. ભારત ગૌરવ કાશી દર્શન સર્વિસ શ્રદ્ધાળુઓને કાશીના દર્શને લઇ જશે. આઠ દિવસના ટુર પેકેજની કિંમત કિફાયતી દરે રાખવામાં આવી છે. વારાણસી, અયોધ્યા અને પ્રયાગરાજના દર્શનનો લાભ પ્રવાસીઓને મળશે.
શનિવારે વડા પ્રધાન મોદી તેલંગણાના રામગુન્ડમમાં ખાતરના કારખાનાનું લોકાર્પણ કરશે. મોદી ભદ્રાચલમ રોડથી સટ્ટુપલ્લી વચ્ચે ૫૪.૧ કિલોમીટર લાંબી રેલવેલાઇનનું ઉદ્ઘાટન કરશે. મોદી વિવિધ રોડ પ્રોજેક્ટસનો શિલાન્યાસ કરશે.
———-
ભારત સ્ટાર્ટ-અપ્સનો દેશ : મોદી
બેંગલૂરુ: અગાઉના શાસનોની સરખામણીમાં હાલની સરકાર ઝડપને દેશની આકાંક્ષા અને પ્રમાણને સામર્થ્ય માને છે તેવું મોદીએ શુક્રવારે કહ્યું હતું. સમગ્ર વિશ્ર્વમાં ભારત સ્ટાર્ટ-અપ્સ માટે જાણીતું છે અને દેશની આ ઓળખને સુદૃઢ કરવામાં બેંગલૂરુનો મોટો ફાળો છે. આ શહેર સ્ટાર્ટ-અપ જુસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતને ઊંચા સ્થાને મૂક્યું છે. અત્રે વિવિધ પ્રોજેક્ટસના લોકાર્પણ પછી એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરતાં મોદીએ કહ્યું કે શાસન હોય કે ફિઝિક્લ અથવા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ભારત જુદા જ સ્તરે કામ કરી રહ્યું છે. ડિજિટલ પેમેન્ટસ સિસ્ટમમાં ભારતે આગેકૂચ કરી છે, શું આઠ વર્ષ અગાઉ આવો વિચાર પણ કરી શકાતે? મેઇડ ઇન ઇન્ડિયા અને ફાઇવ જી ટૅક્નોલૉજી સહિતની આવી પ્રગતિ વર્ષ ૨૦૧૪ અગાઉ કલ્પનાની બહાર હતી. અગાઉની સરકારોની વિચારધારા જૂની હતી. ઝડપભેર કામ કરવું તેમને ખર્ચાળ લાગતું હતું અને મોટા પ્રમાણમાં કામ કરવું જોખમી લાગતું હતું. ભારતમાં રોકાણ કરવું સુરક્ષિત છે તેવો વિશ્ર્વાસ સમગ્ર વિશ્ર્વને છે તેવું તેમણે કહ્યું હતું. કોવિડ મહામારી હોવા છતાં કર્ણાટકમાં છેલ્લાં ચાર વર્ષમાં રૂપિયા ચાર લાખ કરોડનું રોકાણ થયું છે. આઇટી, બાયોટૅક્નોલૉજી શસ્ત્ર-ઉત્પાદન, સ્પેસ ટૅક્નોલૉજી, ઇલેક્ટ્રિક વેહિક્લ ઉત્પાદન સહિત સંખ્યાબંધ ક્ષેત્રમાં કર્ણાટકે હરણફાળ ભરી છે, તેવું તેમણે કહ્યું હતું. કર્ણાટક ડબલ એન્જિનની તાકાતથી વિકાસ કરી રહ્યું છે, તેવું મોદીએ કહ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યના ગવર્નર થાવરચંદ ગહલોત, મુખ્ય પ્રધાન બોમ્માઇ સહિત સંખ્યાબંધ મહાનુભાવો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -