કતારમાં રમાઇ રહેલા ફિફા વર્લ્ડકપ ૨૦૨૨માં છઠ્ઠા દિવસે પ્રથમ મેચ વેલ્સ અને ઇરાન વચ્ચે રમાઇ હતી. આ મેચ ખૂબ રોમાંચક રહી હતી. મેચમાં ઇરાને અંતિમ મિનિટોમાં બે ગોલ કરીને જીત હાંસલ કરી હતી. ઇરાને વેલ્સને ૨-૦થી હરાવીને સુપર-૧૬માં પહોંચવાની આશા જીવંત રાખી હતી.
ગ્રૂપ-બીની મેચમાં ઈરાને ૨-૦થી જીત મેળવી હતી. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમ પોતાની બીજી મેચ રમી રહી હતી. વેલ્સની ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ ડ્રોમાં રમી હતી. તેની પ્રથમ મેચ અમેરિકા સાથે હતી જે ૧-૧થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જ્યારે ઈરાનની ટીમને તેની પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સામે હતી જેમાં તેને ૬-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં તેના માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી.
વેલ્સ સામેની મેચમાં ૯૦ મિનિટ સુધી ગોલ વિના મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી પરંતુ વધારાના સમયમાં ઈરાને બે ગોલ કરીને સ્થિતિને પલટી નાખી હતી. આ જીત સાથે ઈરાનના ૩ પોઈન્ટ્સ થઈ ગયા છે. સુપર-૧૬માં જવાની ઈરાનની આશા હજુ પણ અકબંધ છે.
મેચની ૯૦ મિનિટના નિર્ધારિત સમયમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. આ પછી વધારાના સમયમાં ઈરાનની ટીમે પોતાની રમત થોડી વધુ આક્રમક બનાવી હતી. ઇરાન માટે પ્રથમ ગોલ રુઝબેહ ચેશ્મીએ ૯૦મી + ૮મી મિનિટે કર્યો હતો. બે મિનિટ બાદ રામિન રેઝાઈએ ગોલ કરીને ટીમને ૨-૦થી જીત અપાવી હતી.આ મેચના બીજા હાફના અંતે વેલ્સના ગોલકીપર વેન હેનેસીને પેનલ્ટી બોક્સની બહાર ફાઉલ કરવા માટે બહાર મોકલી દેવામાં આવ્યો હતો. વેલ્સના વેન હેનેસી વર્લ્ડ કપ ઈતિહાસમાં રેડ કાર્ડ મેળવનાર ત્રીજો ગોલકીપર છે.
ઉલ્લેખનીય છે કે, ઈરાનની ટીમે વેલ્સ સામેની મેચ પહેલા તેમનું રાષ્ટ્રગીત ગાયું હતું. ઈંગ્લેન્ડ સામેની ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં તેઓએ આવું ન કરવાનો નિર્ણય લીધો હતો. સોમવારે રમાયેલી આ મેચમાં તેને ઈંગ્લેન્ડ સામે ૬-૨થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.