Homeવીકએન્ડપ્રકૃતિનાં અવગણેલાં અંગ એવા ઈન્સેક્ટ્સમાં અનોખું સેક્સ્યુઅલ કેનીબાલિઝમ

પ્રકૃતિનાં અવગણેલાં અંગ એવા ઈન્સેક્ટ્સમાં અનોખું સેક્સ્યુઅલ કેનીબાલિઝમ

પ્રિયતમાની બાહોંમાં મરવાની નરની ઝંખના કરોડો વર્ષોથી પ્રકૃતિના પ્રજનન અને પુન:સર્જનની ઘટમાળમાં જોડાયેલી છે

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

बहुत दूर मुझे चले जाना है
बहुत नजदीक मुझे आना है
तेरी बाँहों में मुझे आज मर जाना है
એ જમાનાના હિટ હિન્દી ફીલ્મ હીરાપન્નામાં આ ગીત વાગતું અને અનેક યુવાનો પોતાની પ્રિયતમાઓની બાહોંમાં મરીને લૈલા-મજનૂ, હીર-રાંઝા, શીરી-ફરહાદ અને રોમીયો-જુલિયટની શ્રેણીના પ્રેમીયુગલોની યાદીમાં સ્થાન પામવાના સ્વપ્ના જોતાં. પેઢીઓ બદલાતી ગઈ તેમ તેમ ગીતો પણ બદલાયા પણ પ્રેમીયુગલોનું બાહોંમાં મરવાનું સ્વપ્ન યથાવત રહ્યું. અક્ષયકુમારના ચડતીના દિવસોમાં આવેલા ‘સૌગંધ’ નામની ફિલ્મમાં પણ આવું જ કંઇક ગીત હતું.
तेरी बाँहों में जीना है
तेरी बाँहों में मरना है
માનવે કુદરતજન્ય જરૂરિયાતોને પણ અનેકવિધ કારણોસર લાગણી, સંવેદન અને એવી અનેક સામાજિક સાંકળોમાં બાંધી દીધી. સમાજની વ્યવસ્થાઓના ભાગરૂપે એ બંધનો અને બેડીઓ એના મૂળભૂત હેતુ અનુસાર સુયોગ્ય પણ ગણાય. પરંતુ આ બાહોમાં મરવાના અભરખા ? અરે ભાઈ પોતાની પ્રિયતમાની બાહોંમાં મરવાની નરની ઝંખના કરોડો વર્ષોથી પ્રકૃતિના પ્રજનન અને પુન:સર્જનની ઘટમાળમાં જોડાયેલી છે. ખાસ કરીને એવી પ્રજાતિઓમાં જે પ્રજાતિ કરોડો-અબજોની સંખ્યામાં હોય છે. તે પ્રજાતિઓમાં પ્રજોત્પતિ માટેના સંવનન દરમિયાન નરને માદાની બાહોમાં મૃત્યુ પ્રાપ્ત થાય છે. અનેક કિસ્સાઓ તો એવા છે કે જેમાં સંવનન બાદ જો નર પતલી ગલી ન પકડે તો માદા જ તેને ઓહિયા કરી જાય છે ! અમુક જાતિઓ એવી છે જેમનું જીવન જ સંવનન બાદ તરત મૃત્યુ પામે છે, તો સામે પક્ષે જીવડાઓના જગતમાં ઘણી જાતિઓ એવી છે જેમાં સંવનન કર્યા બાદ તુરંત જ માદા નરને મારી નાખે છે અને તેને ખાઈ જાય છે. આ જે વિચિત્ર ઘટના છે તેને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે ‘સેક્સ્યુઅલ કેનીબાલિઝમ’. હવે સેક્સ્યુઅલનો અર્થ તો સમજાઈ જાય દરેકને, પરંતુ કેનીબાલિઝમ શબ્દનો અર્થ સમજવો પડશે.
વેસ્ટઈન્ડીઝના ટાપુઓમાં વસતી કેનીબેલીઝ નામની એક આદિવાસી જાતિમાં માનવશરીરને પણ ખાવાની પ્રથા હતી. તેના પરથી સ્વજાતિભક્ષણ એટલે કે કેનીબાલિઝમ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. આ આદત મેં મારા સર્પો સાથેના વર્ષોપરાંતના અનુભવોમાં જોઈ છે. ઉદાહરણ તરીકે કિંગ કોબ્રા, નાગ અને ખાસ કરીને તો કાળોતરામાં કેનીબાલિઝમ સવિશેષ જોવા મળે છે. આ સર્પોની જાતિઓ મુખ્યત્વે પોતાની જાતિના બીજા નાના કદના સાપોને પણ ખાઈ જાય છે.
પરંતુ સ્વજાતિભક્ષણ અને સેક્સ્યુઅલ કેનીબાલિઝમ બંને મૂળભૂત રીતે અલગ વસ્તુઓ છે. સેક્સ્યુઅલ કેનીબાલિઝમ મોટે ભાગે કરોળિયા અને તીતી ઘોડો એટલે કે મેન્ટીસ નામના જીવોમાં વધુ જોવા મળે છે. જીવવિજ્ઞાનીઓએ કરેલા સંશોધનો પરથી આ જીવોની આવી વર્તણૂક પાછળ શું કારણ હોઈ શકે તેની થોડી થીયરીઓ ઘડી છે, પરંતુ સેક્સ્યુઅલ કેનીબાલિઝમ માટે એ થિયરીઓ સાચી છે એવો દાવો હજુ સુધી કોઈ કરી શક્યું નથી. એક થીયરી એવી છે કે અમુક જાતિના કરોળિયા અને મેન્ટિસમાં નર મોટે ભાગે પ્રજોત્પતિ કરી શકવાની ક્ષમતા ગુમાવી બેઠેલી ઉંમરની માદાઓનો શિકાર કરીને ખાઈ જાય છે, કારણ કે એ નરોમાં કુદરતી એવી સમજણ હોય છે કે આ માદા હવે પ્રકૃતિમાં યોગદાન આપવાની નથી. બીજી થિયરી એવી છે કે આ બન્ને પ્રજાતિઓમાં ઘણી પ્રજાતિની માદાઓ સ્વભાવથી જ એટલી એગ્રેસીવ હોય છે કે નર તેને સંવનન માટે મનાવવા મથામણ કરતો હોય ત્યાં જ એ માદા હુમલો કરીને તેનો કોળીયો કરી જાય છે. ત્રીજી થિયરી એવી છે કે માદાની સંવનન માટેની પોતાની પસંદગી-નાપસંદગી હોય છે. આવા કિસ્સામાં નર જ્યારે માદાને સંવનન માટે મનાવવા અનેક પ્રકારના પ્રયાસો કરી રહ્યો હોય પરંતુ માદાને લાગે કે ‘દુલ્હા જચતા નહી હૈ’ તો સિમ્પલી ના કહી દેવાને બદલે તેને મારી નાખીને માદા તેને આરોગી જાય છે !
અને અંતે આવે છે આપણા ગીતની લાઈન જેના દિલમાં સતત ગુંજી રહી હોય કે ‘તેરી બાહોં મેં મુઝે આજ મર જાના હૈ’ અને તન અને મનથી સમર્પિત અને ફના થઈ જવા ઈચ્છતો નર પોતે મૃત્યુના ઓછાયાને પણ અવગણીને માદાનો શિકાર બનીને તે સ્વેચ્છાએ બલિદાન આપે છે. આવા સ્વજાતિભક્ષણને મોનોગમી કેનીબાલિઝમ કહે છે, કારણ કે આવા કરોળિયાની જાતિઓને જીવનમાં માત્ર એક માદા સાથે સબંધ બાંધીને એ માદાના પોષણ માટે તેને જ પોતાનું શરીર અર્પણ કરવાની ભાવના હોય છે.
આ સિવાય મધમાખીઓમાં એક આવી જ સેક્સ્યુઅલ ઘટના પણ જાણવા જેવી છે. આપણે સૌ જાણીએ છીએ કે જંતુઓમાં મોટે ભાગે માદા કદમાં મોટી હોય છે અને નર નાના કદના હોય છે. મધમાખીઓમાં આખા મધપૂડામાં એક જ મધમાખી કદમાં મોટી હોય છે અને તે જ પ્રજોત્પતિનું કાર્ય કરતી હોય છે. અ
ા માદા મધમાખીને ‘ક્વિન-બી’ કહેવાય છે જે સાચા અર્થમાં મહારાણી હોય છે. આ રાણી મધમાખી જ્યારે એડલ્ટ બને ત્યારે તે પ્રથમવાર માત્ર પ્રેક્ટીસ માટે બે ત્રણ વાર ઊડે છે. બાદમાં હવામાં ઊડતા ઊડતા કરવાના કરતબોમાં મહારથ હાંસલ થઈ જાય પછી તે પોતાના મેટિંગ પાર્ટનર શોધીને મેટિંગ કરવાની એક પ્રલંબ ઉડાન ભરે છે. આ એક જ ઉડાન દરમિયાન તે પોતાનો સંવનનનો સાથી શોધે, હવામાં ઉડતા ઉડતા જ તે તેની સાથે પ્રજનન કરી લે છે! આવી ઉડાન દરમિયાન ક્વિન-બી ઘણી વાર છથી ચોવીસ વાર મેટિંગ કરે છે. આ મેટિંગ પૂર્ણ થાય ત્યારે નરનું પ્રજનન અંગ તેના જ શરીરથી અલગ પડી જાય છે અને તે મૃત્યુ પામે છે.
ક્વિન-બી પુખ્ત થયા બાદ આવી ત્રણેક પ્રજનન માટેની ઊડાનો ભરે છે અને તે દરમિયાન તે પોતાના ગર્ભાશયમાં તમામ અંકુરોને સંઘરી રાખે છે, અને પછી તે પોતાની વસાહતમાં આવીને આ અંકુરોને ધીમે ધીમે ફલિત કરીને આખી જિંદગી સુધી ઈંડા મૂકીને પુન:સર્જન કર્યા કરે છે અને તેને પોતાના સમગ્ર જીવનમાં ફરી પ્રજનન કરવાની જરૂર પડતી નથી.
મજાની વાત એ છે કે મધમાખીના આ પ્રજનનના કરિશ્માનો અભ્યાસ કરીને પશ્ર્ચિમના વૈજ્ઞાનિકોએ થોડી એવી ફોર્મ્યુલા બનાવી છે જે માનવ જીવનની ચોક્કસ સમસ્યાઓના ઉકેલ તરીકે પ્રયોગમાં પણ મૂકવામાં
આવી છે. આ ફોર્મ્યુલાને ‘બી મેટિંગ ઓપ્ટીમાઈઝેશન’ કહેવાય છે. વૈજ્ઞાનિકો બેન્ઝિનના મેલિક્યુલર બંધારણથી લઈને મધપૂડાના આકારને કેન્દ્રમાં રાખીને થતા બાંધકામ, શાળાના ટાઇમટેબલમાં ઉદ્ભવતી સમસ્યાઓના નિવારણ તથા જળસ્રોતોના પ્રબંધન સુધી પ્રયોગાત્મક રીતે આ ફોર્મ્યુલાની અજમાઈશ કરી
રહ્યા છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -