સાંસ્કૃતિક મહાશક્તિ બનવા તરફ ભારતની આગેકૂચ
પ્રાસંગિક -લોકમિત્ર ગૌતમ
કાશી વિશ્ર્વનાથ પછી હવે ઉજ્જૈનમાં મહાકાલ મંદિરનો પુનરુદ્ધાર એ માત્ર સંખ્યા કે ક્રમ નથી પણ એવી સાંસ્કૃતિક તાકાત છે જેની અનુભૂતિ આજે નહીં તો કાલે પૂરી દુુનિયા કરશે. પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃતિએ તેનું સાતત્ય જાળવી રાખ્યું છે. મહાત્મા ગાંધી કે સ્વાતંત્ર્ય સંગ્રામનો સમય બાદ કરીએ તો આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો એ જ આપણી સાચી ઓળખ છે, પણ અગાઉની સરકારોેને આ વાત કેમ સમજમાં ન આવી એ સમજાતું નથી. આઝાદી પછી સોમનાથ મંદિરને છોડી દેવામાં આવે તો પછીના ૬૦-૬૫ વર્ષોમાં ભાાગ્યે જ સાંસ્કૃતિક મોરચે કશુંક રચનાત્મક કરવામાં આવ્યું છે.
૨૦૧૪-૧૫ના એક લેખમાં લખ્યું હતું કે વડા પ્રધાન મોદી બીજું ક્ંઇ ન કરે ને ફક્ત જે જે દેશોમાં આપણા મંદિરો મોજૂદ છે તેનો પુનરુદ્ધાર કરે તો વિશ્ર્વના પરિદૃશ્યમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત થશે.ખરેખર છેલ્લા છ-સાત વર્ષમાં મોદીએ દેશ-વિદેશમાં મંદિરોના પુનરુદ્ધાર માટે જે પ્રયાસ કર્યા છે તે માટે વિરોધીઓ ગમે તે કહે, પરંતુ આમનાગરિકોના દિલ-દિમાગ પર તેનો સારો પ્રભાવ પડ્યો છે.
કાશી વિશ્ર્વનાથના લોકાર્પણ બાદ હવે ઉજ્જૈનમાં મહાકાલ લોકના લોકાર્પણ સમયે તો ૪૦થી પણ વધુ દેશના નેતાઓની હાજરી રહી અને ૬૬થી વધુ દેશોમાં આ કાર્યક્રમનું પ્રસારણ થયું. આ બે લોકાર્પણ દ્વારા ભારતે એક મબાન સાંસ્કૃતિક દેશની છબી તો ઊભી કરી જ છે. એમાં કોઇ બેમત નથી. વળી છેલ્લા સાત વર્ષોમાં માત્ર હિંદુધર્મ જ નહીં, બૌદ્ધધર્મમાં કુશીનગર અને શીખ સર્કિટમાં ગુરુ નાનક સાહેબના કર્મસ્થળ કરતારપુર સાહિબને પણ આમજનતા સુધી પહોંચાડીને મોટી સાંસ્કૃતિક ઉપલબ્ધિ ઊભી કરવામાં આવી છે એમાં કોઇ શંકા નથી. આ ઉપલબ્ધિઓને કારણે જ ભારત આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એક મહાશક્તિના રૂપમાં ઊભરી આવ્યું છે.
જોકે ભારતમાં થઇ રહેલા આ સાંસ્કૃતિક ફેરફારોને પાર્ટીલાઇનની દૃષ્ટિએ જ જોવામાં આવે છે, જેને કારણે ભાજપથી મતભેદ રાખનાર પક્ષો આ પ્રવૃત્તિની નોંધ નથી લેતા, પરંતુ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ જોતાં આ સ્થળોના મુલાકાતીઓ વધશે ખરા. જો આ વર્ષના અંત સુધી કોરોના અધિકૃત રીતે વિદાય લે તો દુનિયાભરથી આવનારા પર્યટકોની સંખ્યા વધતી જશે. અત્યારે પણ કાશી વિશ્ર્વનાથ કોરીડોર બન્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો જ છે. આ જ રીતે કુશીનગરના જિર્ણોદ્ધાર બાદ અને આંતરરાષ્ટ્રીય પરિવહન સાથે તેને જોડ્યા બાદ ત્યાંના પ્રવાસીઓમાં પણ વધારો થયો છે. આ જ રીતે ઉજ્જૈનની અર્થવ્યવસ્થામાં પણ પ્રવાસીઓને કારણે કેવો સકારાત્મક પ્રભાવ પડ્યો છે તેનો થોડા સમયમાં જ આપણને અંદાજ આવી જશે.
દુનિયામાં આજે અગર અમેરિકા મહાશક્તિ છે તો એ માત્ર પોતાના મહાવિનાશક શસ્ત્રો કે પૂંજીવાદી અર્થવ્યવસ્થાને કારણે નહીં, પણ તેણે વીસમી સદીમાં જે મહાન નિર્માણકાર્યો કર્યા છે તેને લીધે ત્યાં દર વર્ષે લાખો નહીં પણ કરોડો પર્યટકો જાય છે એ પણ એક મહત્ત્વનું કારણ છે. ગોલ્ડન બ્રિજ હોય કે એક જમાનાનું દુનિયાનું સૌથી ઊંચું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ હોય તે આજે પણ આકર્ષણના કેન્દ્રો છે જ. છેલ્લી સદીમાં જે પણ મહાન નિર્માણકાર્યો પૂરી દુનિયામાં થયા છે તેના ૭૦ ટકાથી વધારે નિર્માણ તો માત્ર અમેરિકામાં થયા છે. રોમ હોય કે મિસ્ર દેશ હોય તે દેશોના નિર્માણ કાર્યને લીધે જ તેમનો પૂરી દુનિયા પર પ્રભાવ હતો. ચીને પણ ૧૯૪૯ બાદ મહાશક્તિ તરીકે વિકસવા તિબેટથી લઇને બીજિંગ સુધી વિશાળ નિર્માણકાર્યો કર્યા છે.
આ જ રીતે મોદી સરકાર ભારતની પ્રાચીન સંસ્કૃતિરૂપી મંદિરોને નવો ઓપ આપી રહી છે તે પરંપરા આગળ પણ ચાલુ રહી તો વિશ્ર્વભરના વધુને વધુ લોકો આપણી ભવ્ય સંસ્કૃતિ તરફ આકર્ષાશે અને ત્યારે આપણને કોઇ સાંસ્કૃતિક મહાશક્તિ બનવાથી રોકી શકશે નહીં.