વિજયની ખુશી:
ઑસ્ટ્રેલિયાના એડિલેઇડમાં ટી-૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ
ટૂર્નામેન્ટની રવિવારે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવ્યા પછી વિજયની ખુશીમાં એકબીજાને ભેટતા નેધરલૅન્ડ્સના ખેલાડીઓ .
(તસવીર: પીટીઆઈ)
—-
મેલબર્ન: ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ટી-૨૦ વર્લ્ડકપમાં મોટો ઊલટફેર થયો હતો. સુપર-૧૨ની પોતાની અંતિમ મેચમાં નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને ૧૩ રનથી હાર આપી હતી. આ હાર સાથે સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર ૧૪૫ રન જ બનાવી શકી હતી. નેધરલેન્ડના બેટ્સમેન કોલિન એકરમેનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. કોલિને ૨૬ બોલમાં અણનમ ૪૧ રન બનાવ્યા હતા.
લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. ટીમે ૩૯ રનમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. ક્વિન્ટન ડી કોક ૧૩ અને કેપ્ટન ટેમ્બા બાવુમા માત્ર ૨૦ રન બનાવી શક્યા હતા. વર્તમાન ટી-૨૦ વર્લ્ડ કપમાં પ્રથમ સદી ફટકારનાર રિલે રુસો પણ સારો દેખાવ કરી શક્યો નહોતો. તે પણ ૨૫ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. એડન માર્કરામ અને ડેવિડ મિલર બંને ૧૭-૧૭ રન બનાવીને આઉટ થયા હતા. ટીમે ૧૧૨ રનમાં પોતાની ૫ વિકેટ ગુમાવી દીધી હતી.
મિલરના આઉટ થયા બાદ હેનરિક ક્લાસેને સ્થિતિ સંભાળી હતી. તે ૧૮ બોલમાં ૨૧ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેશવ મહારાજ ૧૩ રન બનાવીને આઉટ થયો હતો. કાગીસો રબાડા ૯ અને એનરિક નોર્સિયા ૪ રન બનાવીને અણનમ રહ્યા હતા. નેધરલેન્ડ તરફથી ફાસ્ટ બોલર બ્રેન્ડન ગ્લોવરે ૨ ઓવરમાં ૯ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. ફ્રેડ ક્લાસેન અને બાસ ડી લીડે ૨-૨ વિકેટ લીધી હતી.
આ અગાઉ સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નેધરલેન્ડે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર બેટ્સમેન સ્ટીફન માયબર્ગે ૩૭ અને મેક્સ ઓ’ડાઉડે ૨૯ રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે ૫૮ રનની ભાગીદારી કરી હતી. ટોમ કૂપરે ૧૯ બોલમાં ૩૫ રન બનાવ્યા હતા. અંતે કોલિને આક્રમક બેટિંગ કરી હતી. સાઉથ આફ્રિકા તરફથી કેશવ મહારાજે ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૨ વિકેટ લીધી હતી. જ્યારે નોર્કિયાએ ૪ ઓવરમાં ૧૦ રન આપીને એક વિકેટ ઝડપી હતી.