એડિલેડ: ટી-૨૦ વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં ઇગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને ૧૦ વિકેટથી કારમી હાર આપી હતી. આ જીત સાથે ઇંગ્લેન્ડે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં ઇંગ્લેન્ડનો સામનો પાકિસ્તાન સામે થશે. ટીમ ઇન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં છ વિકેટ ગુમાવી ૧૬૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૧૬ ઓવરમાં ૧૬૯ રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે ૪૭ બોલમાં ૮૬ રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન જોસ બટલરે ૪૯ બોલમાં ૮૦ રન
ફટકાર્યા હતા. એલેક્સને શાનદાર ઇનિંગ બદલ મેન ઑફ ધ મેચ જાહેર કરાયો હતો.
૧૬૯ રનનો પીછો કરતા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ તરફથી ઇંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સ અને બટલરે આક્રમક શરૂઆત કરી હતી. ભારતીય બોલરોને ઘૂંટણીયે લાવી દીધા હતા. કેપ્ટન અને ઓપનર જોસ બટલર અને એલેક્સ હેલ્સે પાવરપ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ૬૩ રન બનાવી લીધા હતા. બટલરે ૪૯ બોલમાં ૮૦ રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે હેલ્સે પણ ૪૭ બોલમાં ૮૬ રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારતનો એક પણ બોલર વિકેટ લઈ શક્યો નહોતો.
આ અગાઉ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ઇગ્લેન્ડના બોલરોએ પોતાના કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કરીને શરૂઆતથી જ ભારતીય બેટ્સમેન પર દબાણ બનાવ્યું હતું. ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી. ટીમનો સ્કોર ૧૦૦ સુધી પહોંચવામાં ૧૫ ઓવરનો સમય લાગ્યો હતો. ભારતે છેલ્લી ૫ ઓવરમાં ૬૮ રન બનાવ્યા હતા. આ રીતે ભારતે છ વિકેટ ગુમાવી ૧૬૯ રનનો પડકાર આપ્યો હતો.
ભારતીય ઓપનર કે એલ રાહુલ ૫ રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિતે ૨૮ બોલમાં ૨૭ રનની ધીમી ઇનિંગ રમી હતી. સેમિફાઇનલમાં પણ સૂર્યકુમારનો જાદુ ચાલ્યો નહીં. તે ૧૦ બોલમાં ૧૪ રન બનાવીને આઉટ થયો હતો.
ભારતે ૧૨મી ઓવરમાં ૭૫ રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. આ પછી વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ૬૧ રનની ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
વિરાટ ૪૦ બોલમાં ૫૦ રન બનાવીને આઉટ થયો હતો. પંડ્યાએ ૩૩ બોલમાં ૬૩ રન બનાવ્યા, રિષભ પંત ૪ બોલમાં માત્ર ૬ રન બનાવી શક્યો હતો.
ઇંગ્લેન્ડની જીતમાં ક્રિસ જોર્ડને મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તેણે ૪ ઓવરના સ્પેલમાં ૪૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી. તેણે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની વિકેટ લીધી હતી. ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને પણ એક-એક વિકેટ મળી હતી.