Homeઆમચી મુંબઈટાયર ફાટતાં સ્કોર્પિયો હવામાં ઊછળી:

ટાયર ફાટતાં સ્કોર્પિયો હવામાં ઊછળી:

વિરાર હાઈવે પર કમનસીબ ઘટનામાં ગાંધીનગરના વેપારીનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈથી ગાંધીનગર જઈ રહેલા વેપારીની સ્કોર્પિયો કારનું ટાયર અચાનક ફાટતાં વેપારીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના વિરાર નજીક બની હતી. ટાયર ફાટવાને કારણે કાર ઊછળીને સામેની દિશામાં ગઈ હતી અને ટ્રક સાથે ટકરાઈ હતી. અકસ્માતને કારણે ટ્રક પણ ઊંધી વળી જતાં હાઈવે પર ખાસ્સો સમય સુધી ટ્રાફિકજામની સ્થિતિ રહી હતી.
માંડવી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર પ્રફુલ્લ વાઘે જણાવ્યું હતું કે અકસ્માત ગુરુવારની સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ વિરાર નજીક મુંબઈ-અમદાવાદ હાઈવે પર થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા કારચાલકની ઓળખ અરુણકુમાર પારેખ (૩૮) તરીકે થઈ હતી. પારેખ ગાંધીનગરના સેક્ટર-૧૬માં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ તપાસ અનુસાર પારેખ મુંબઈ કયા કારણસર આવ્યો હતો તે તાત્કાલિક જાણી શકાયું નહોતું. જોકે તેની કારમાં કપડાં સહિત નવી ખરીદેલી વસ્તુઓ મળી આવી હતી. વળી, કારમાંથી આઈ ફોન પણ તાબામાં લેવાયો હતો.
પોલીસનું કહેવું છે કે ગુજરાત પાછા ફરી રહેલા પારેખની બ્લૅક કલરની સ્કોર્પિયો કાર પૂરપાટ વેગે દોડતી હતી. કારનું આગળનું ટાયર ફાટતાં પારેખે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર સાથે ભટકાઈને હવામાં ઊછળી હતી અને સામેની દિશામાં ગઈ હતી. એ જ સમયે સામેની દિશામાંથી આવેલી રેતી ભરેલી ટ્રક સાથે ટકરાઈને કાર ફરી ગુજરાતની લેન તરફ ફંગોળાઈ હતી.
આ ભયંકર અકસ્માતમાં પારેખનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી બાજુ, અકસ્માતથી બચવાના પ્રયાસમાં ટ્રક ડ્રાઈવરે ટ્રક રસ્તાના કિનારા તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં ટ્રક ઊંધી વળી ગઈ હતી. અકસ્માતને કારણે હાઈવે પર કલાકો સુધી વાહનવ્યવહારને અસર થઈ હતી.
પોલીસ અધિકારી વાઘે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસની મદદથી પારેખના પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરિવારજનો વિરારમાં ગ્રામીણ હૉસ્પિટલમાં પહોંચ્યા હોવાની માહિતી મળી છે. અકસ્માતમાં પારેખના મૃતદેહને ગ્રામીણ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -