કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા સ્વ.જ્યંતી ભાનુશાળીનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવનાર આરોપીની અમદાવાદ સાઈબર ક્રાઇમે અંજારથી ધરપકડ કરી છે.
પકડાયેલ આરોપીનું નામ રાજેશ રુપારેલ(ઠકકર) છે. રાજેશ ધોરણ-10 નાપાસ છે અને છેલ્લા 18 વર્ષથી કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક અંજાર ખાતે પટાવાળા તરીકે નોકરી કરે છે.
રાજેશ ઠક્કરે જ્યંતિ ભાનુશાળીના નામનુ ફેક ઇન્ટાગ્રામ આઇ.ડી.બનાવી તેમના તેમજ અન્ય વ્યકિતઓના ફોટા સહિતના ટી.વી.ન્યુઝ /સમાચાર પેપર કટીંગ તેમજ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી જુદા જુદા વ્યકિતઓને મેસેજ મોકલી પજવણી કરતો હતો. જે અંગેની ફરિયાદ જ્યંતી ભાનુશાળીના પરિવારે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં લખાવી હતી.
આરોપી રાજેશ ઠક્કર જ્યંતી ભાનુશાળીનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ શા માટે બનાવ્યું તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જ્યંતી ભાનુશાળી મર્ડર કેસમાં જયંતી ઠક્કર નામના એક આરોપીનું નામ પણ સામેલ હતું. આ જ્યંતી ઠક્કર અને રાજેશ ઠક્કર બંને સંબંધીઓ થાય છે, જેની અદાવતે રાજેશ ઠક્કરે જ્યંતી ભાનુશાળીનું ફેક એકાઉન્ટ બનાવી તેમને બદનામ કરવાના ઈરાદા સાથે તે એકાઉન્ટમાંથી બધાને મેસેજ કરતો હતો, તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.