ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
મોરારસાહેબની શિષ્ય પરંપરા સેવાવ્રતી, અધ્યાત્મકેન્દ્રી અને સમાજકેન્દ્રી જણાઈ છે. શિષ્યવૃંદનું સાહિત્ય પણ ગુજરાત સંતસાહિત્ય સંદર્ભે ઘણું મૂલ્યવાન ઠર્યું છે. આ બધા શિષ્યસંતવૃંદ વિષ્ાયે અભ્યાસ બહુ ઓછા થયાં છે. એમાં જીવાભગત કે દાસ જીવા વિશે તો ખૂબ જ અલ્પમાત્રામાં વિગતો પ્રસ્તુત થઈ છે. મેં ઈ.સ.૧૯૮રમાં ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે શ્રદ્ધેય પ્રમુખ દર્શકના અધ્યક્ષ્ાસ્થાને ભીમોરા મુકામે સંતવાણી તત્ત્વ અને તંત્ર નામથી એક પરિસંવાદનું આયોજન કરેલું. એમાં વંચાયેલા નિબંધોનું એ નામથી પુસ્તક પણ અકાદમીએ પ્રકાશિત કરેલું. એમાં મેં કંઠસ્થ પરંપરાની વાણીમાં ભજનવાણી : સ્થાન અને માન લેખમાં જણાવેલું કે આપણી સામાન્ય જનતાનાં હૃદયમાં યોગ સાધનાનો જે પંથ પ્રવાહમાન છે એ બહુધા આજ સુધી અદૃશ્ય રહ્યો છે. આ વાણીના પ્રકાશનના બહુ જ થોડા પ્રયત્નો થયા છે. સમગ્ર પ્રવાહનું એકત્રીકરણ કે વ્યવસ્થિત ચિંતન અધ્યયન થયું નથી એની સૈદ્ધાન્તિક પીઠિકા ઘડી નથી. કબીરદર્શનના ગુજરાતી રૂપાંતરણ સમાન આખો રવિભાણ સંપ્રદાય વણતપાસ્યો પડયો છે. આપણે આ સંપ્રદાયના પચાસેક કવિઓમાંથી માંડ પાંચ-છના ૪૦-પ૦ પદો – ભજનો ને તપાસ્યા છે. આ પરંપરાનું પૂર્ણ ચિત્ર તપાસ્યું નથી.
મારા એક તેજસ્વી વિદ્યાર્થી પ્રોફે. ભાવેશ જેતપરિયાને આ વિધાન સ્પર્શી ગયું અને એણે જીવા ખત્રી નામના તથા સંતપરંપરામાં જીવાભગત નામથી પ્રખ્યાત સંતના જીવનને ક્ષ્ોત્રકાર્યને આધારે તથા હસ્તપ્રતોમાં, ગુટકામાં અને કંઠસ્થ પરંપરામાં સચવાયેલી તમામ સામગ્રીને એકત્ર કરીને અધિકૃત ગણાય એવી સંશોધનાત્મક વિગતોના સંપુટ સમાન શોધનિબંધ તૈયાર કરેલો. એ શોધગ્રંથ અદ્યપિ અપ્રગટ છે. એનું પ્રકાશન થવું જોઈએ.
એમાં દર્શાવ્યા મુજબ જીવાભગતના પૂર્વજો દરિયાપારના દેશો સાથે વ્યાપારિક રીતે સંકળાયેલા હતા. એઓ ખુદ સિંધ પ્રાંત (હાલ પાકિસ્તાન) નિવાસી હતા. સિંધ પ્રાંતમાંથી સ્થળાંતરિત થઈને ટંકારા-મોરબીમાં સ્થીર થયેલા. અહીં જેઠાભગતના પિતાશ્રી જેઠાભગતનો જન્મ થયેલો. જેઠાભગતનો વ્યવસાય રંગાટકામનો હતો. વસ્ત્રોને પાકા રંગથી રંગવામાં કુશળ હતા. ફાટે પણ ફીટે નહીં પડી પટોળે ભાત મુજબ વસ્ત્ર ફાટી જાય ત્યાં સુધી એનો રંગ ઝાંખો થતો નહીં. જીવાભગતના પિતાશ્રીનું રંગાટકામ જાણીતું હતું. લગભગ આસપાસના વણકરોમાં જાણીતા રંગારા જેઠાભગતની આતિથ્ય ભાવના સંતસેવા પણ જાણીતી હતી. જીવાભગતના પિતાનું નામ જેઠા ખત્રી અને માતાનું નામ ગંગાબાઈ હતું.
એમણે આરતી, ચૂંંદડી, ઉમાવ, પદ એમ ભજનોનાં અનેક પ્રકારોમાં ખેડાણ ર્ક્યું છે. મહાપંથની ભજનવાણીમાં ડૉ. નિરંજન રાજયગુરુએ જીવાભગતની ઘણી રચનાઓ સંપાદિત કરેલ છે. એમના મતે મોરારશિષ્ય બન્યા પૂર્વે મહાપંથ પરત્વે શ્રદ્ધા-ભક્તિ ધરાવતા હશે. એમનો વ્યવસાય રંગારાનો હતો. અહીં રૂપકાત્મક પદાવલિમાં એને વણી લીધેલી છે. તે રચના આસ્વાદીએ.
નિરગુણ નાથની ચૂંદડી, અનુભવી ઓઢવા બેઠા,
ઓઢી તે અમ્મર થિયા, ભવમાં ફરીને નૈં પેઠા… ૧…
નથી વણી નથી વાવરી, નહીં રંગનારે રંગી,
જેને ઓઢાડી સતગુરુજીએ, તે નર આપે અલંગી… ર…
વાવનારે વાવી નથી, નથી કાંતનારે કાંતી,
તાણો વાણો એને હાથ છે, નહીં એમાં તંતુ કે તાંતી.. ૩…
ચૂંદડી ચૌદ લોકમાં, ઝલમલ ઝલકાણી,
વાર વાર વા કો આવે નૈં, વિધ વિધ વીરલે જાણી.. ૪…
જાણી તે જુગમાં આવે નૈં, એ નિરભે ઘરની નિશાંણી,
તાપ ત્રિવિધના ત્યાં નહીં, અભેપદની ઓળખાણી.. પ…
અઘાટ ઘાટડી નહીં ઘાટમાં, ઈ તો છે આદિ અનાદિ,
જેને માલમી સદ્ગુરુ મળ્યા, એની દૃષ્ટે દરસાણી.. ૬…
અણ અણીકારની ચૂંદડી, સહેજે ઘટમાં સમાણી,
ઐત અનોપમ અમાપ એ, નિત નિત નવા રંગે રંગાણી.. ૭…
આદ અનાદની ચૂંદડી, જુગ જાતાં નહીં આવે,
ગુરુ મોરાર પ્રતાપે મગન ભઈ દાસ જીવો જશ ગાવે… ૮
ચૂંદડી પ્રકારનાં ભજનો પ્રેમલક્ષ્ાણા ભક્તિનો, સમર્પણ ભાવનાનો એક પ્રકાર છે. ડૉ.ભાયાણી અને ડૉ. નિરંજન રાજયગુરુએ આ પ્રકારની ભજન રચનાઓ સંદર્ભે અભ્યાસલેખમાં વિગતે સ્વાધ્યાય પ્રસ્તુત કરેલ છે. જીવા ભગતે સોરઠી સંતવાણીના પ્રચલિત પ્રકારોને એમના કવનમાં વણી લીધેલ છે.
સગુણ અને નિર્ગુણ ભક્તિ પરંપરામાંથી અહીં નિર્ગુણનો સંદર્ભ પ્રારંભે પ્રયોજાયો છે. નિર્ગુણ સાધના પરંપરા અનુભવીએ ઓઢી-સ્વીકારી, અપનાવી. જેણે નિર્ગુણ પરંપરાના પ્રતીક સમાન ચૂંદડીને ધારણ કરી એ સર્વે અમરત્વને પામ્યા. ફરીથી આ સંસારમાં આવવાનું ટાળ્યું.
આ નિર્ગુણ ભક્તિધારા રૂપ ચૂંદડી કોઈ ારા વણાઈ નથી. કોઈ ારા ખરીદાઈ નથી. કોઈએ રંગી નથી. સદ્ગુરુ જેના પર કૃપા કરીને એને ઓઢાડે એ ભક્ત-નર અલખ પદને પામે.
નિર્ગુણ ભક્તિની ચૂંદડી માટેનું રૂ વવાયું નથી. એનું કાંતણ પણ થયું નથી. એનો તાણો – વાણો ગુરુજી હસ્તક છે. એમાં ક્યાંય કોઈ તંતુ તૂટેલો નથી, ક્યાંય વણાંટમાં કશી ખામી-તૂટ નથી. એને ધારણ કરનારનો-અપનાવનારનો ચૌદલોકમાં પ્રભાવ પડે છે. ઝલક-તેજ પથરાય છે એ વારંવાર પ્રાપ્ત-ઉપલબ્ધ-થતી નથી, કોઈ વીરલા ભક્ત જ એને જાણીને અપનાવે.
જે જાણે-અપનાવે એને પછી આ જગતમાં ફરીથી ભટક્વાનું બનતું નથી. એ નિર્ભિક્તા – અભયપણું અપાવે છે. ત્રિવિધ પ્રકારના તાપ એને સહવાના થતા નથી. અભયપદની પ્રાપ્તિ અપાવનાર એ ચૂંદડી છે. એનો કોઈ ઘાટ નથી. એ આદિ-અનાદિથી શાશ્ર્વત છે. જે કોઈને મરમી સદ્ગુરુ મળ્યા હોય એને જ આ નિર્ગુણ ભક્તિધારા રૂપ ચૂંદડી દેખાય-નજરમાં આવે. અણીકાર નાસિકાના અગ્રભાગે નજરને સ્થિર કરનાર યોગી એને પામી શકે. સહેજે એના ઘટમાં-શરીરમાં આ નિર્ગુણ ભક્તિ સમાવિષ્ટ થાય. એ ઐતની સાધનામાં, અનુપમ, અસીમ નિત્ય નૂતન અનુભૂતિને રંગ દર્શનને પામે છે.
આવી આદિ-અનાદિ ચૂંદડી-નિર્ગુણ ભક્તિધારા યુગો પછી પ્રાપ્ત થાય. મોરારગુરુને પ્રતાપે દાસ જીવાને નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત થઈ એટલે એમાં જ મગ્ન બનીને ગુરુના યશનું ગાન કરે છે. રવિભાણ પરંપરાના ભારે મરમી જીવાભગતની નિર્ગુણ સાધનાધારાને ચૂંદડીના રૂપક તરીકે પ્રયોજી અનુભવપૂત સત્યને મનભર રીતે ગાયું છે. ઐતના ઉપાસક સાધક જીવાભગત આવા બધા કારણે મહત્વનાં સંતકવિના સ્થાન અને માન પ્રાપ્ત કરે છે.