ધોરડોમાં જી-૨૦ અંતર્ગત ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ટીવીજીની બેઠકના સામૂહિક ચિંતનથી ટુરિઝમ સેક્ટરને નવી દિશા અને ઊર્જા મળશે. દેશ અને દુનિયાના જીડીપીમાં ટૂરિઝમનું મહત્ત્વનું યોગદાન છે અને ગુજરાત પ્રવાસનની વિવિધતાઓથી ભરેલું ટુરિઝમ ફ્રેન્ડલી રાજ્ય છે એવું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારતના યજમાન પદે યોજાઇ રહેલી જી-૨૦ પ્રેસિડેન્સીની ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠકનો કચ્છના ધોરડોથી પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું.
વિકાસમાં પ્રવાસનનો ઉલ્લેખ કરતા મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, નવી પ્રવાસન નીતિ અંતર્ગત રાજ્યમાં પ્રવાસનના વિકાસની સાથે-સાથે પર્યાવરણ સમૃદ્ધિનો એક વિશિષ્ટ દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે.
બે દાયકા પહેલાં કચ્છના ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા અને હજારો ઘર ધ્વસ્ત થઈ ગયા હતા, પરંતુ તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાક પ્રયત્નોએ આફતને અવસરમાં પલટાવી દીધી છે. તેમની દૂરદર્શિતા અને માર્ગદર્શનના પરિણામે કચ્છ ફરી બેઠું થયું અને વિકાસના માર્ગ પર આગેકૂચ કરી રહ્યું છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ કચ્છમાં ઔદ્યોગિક વિકાસની સાથે પ્રવાસનની પણ અપાર સંભાવનાઓ નિહાળીને શરૂ કરાવેલો રણોત્સવ આજે દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વડા પ્રધાને કચ્છના રણને વિશ્ર્વના માનચિત્રમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે.
ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની મહત્ત્વની પાંચ પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, પાંચમાંથી એક પ્રાથમિકતા ગ્રીન ટુરિઝમ પણ છે. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની યાદમાં નિર્માણ થયેલું સ્મૃતિવન સ્મારક ગ્રીન ટુરિઝમનું ઉદાહરણ છે. આ સ્મૃતિ વનમાં પચાસ ચેકડેમ અને ત્રણ લાખથી વધુ છોડના વાવેતરથી ગ્રીન ટુરિઝમને નવી દિશા મળી છે.
કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી. કિશન રેડ્ડીએ પ્રવાસનને દેશના ગ્રોથ એન્જિનનો મહત્ત્વનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં ૬.૯ મિલિયન પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. વિદેશી પ્રવાસીઓ માટે ભારત સુરક્ષિત અને સલામત પ્રવાસન સ્થળ બની રહ્યું છે.