Homeવીકએન્ડકચ્છની આર્થિક રાજધાની ગાંધીધામની સ્થાપનાનો ઇતિહાસ...

કચ્છની આર્થિક રાજધાની ગાંધીધામની સ્થાપનાનો ઇતિહાસ…

કેફિયત-એ-કચ્છ – રાજેશ માહેશ્ર્વરી

આજથી ૭૫ વર્ષ અગાઉ કચ્છના પૂર્વ ભાગમાં ગાંધીધામ આદીપુર સંકુલનું અસ્તિત્વ હતું જ નહીં. અંગ્રેજોના ત્રાસદાયક શાસનના પંજામાંથી ભારત મુક્ત થયું ત્યારે ત્યારના કચ્છ ‘ઈ’ (સી) સ્ટેટમાં ભુજ, અંજાર, નખત્રાણા, માંડવી, મુંદરા જેવા નગરો અસ્તિત્વમાં હતાં, પરંતુ ગાંધીધામનું ક્યાયે નામોનિશાન ન હતું. ગાંધીધામ સંકુલ (ગાંધીધામ-આદીપુર-કંડલા બંદર)નું નિર્માણ અને વિકાસ ભારતની સ્વતંત્રતા બાદ કરાયું. અખંડભારતના બે ટુકડા ૧૯૪૭માં થયા હતા, ભારત અને પાકિસ્તાન. ભાગલાની એ પ્રસવ પીડા પાર કરીને સરહદની આ પાર કચ્છ જેવા આગવા પ્રદેશમાં નવા ગાંધીધામ સંકુલનો જન્મ થયો હતો.
જે સમય જતાં કચ્છનું આર્થિક પાટનગર અને ઔદ્યોગિક નગરનું ઉપનામ ધરાવતું ગાંધીધામ આજે તો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એની સાથે ઊભેલું જોડિયું નગર આદિપુર તો આજે કચ્છની શિક્ષણ નગરી બનીને ઊભર્યું છે. કચ્છના મહાબંદર બનેલા કંડલા બંદરનો વિકાસ પણ એવો થતો જાય છે કે તે એશિયાનું ટોચનું બંદર (ટ્રાફિક હેન્ડલિંગ)માં ગણના થાય છે. અને પ્રગતિના સોપાનો નિરંતર સર કરતું જાય છે. આદિપુર-ગાંધીધામ નામના બે જોડિયાં શહેરો ઐતિહાસિક નગર અંજાર અને તત્કાલીન અતિ લઘુ બંદર અને વિકાસની પ્રતીક્ષામાં રહેલા કંડલા વચ્ચેની સાવ વેરાન અને બંજર જમીન પર વિકસાવ્યા. ૧૯૪૮ અગાઉ જે વિસ્તારમાં માત્ર ગાંડા બાવળ, જંગલી પ્રાણીઓ, સાપ અને વીંછીઓનું સામ્રાજ્ય હતું. ત્યાં તે સ્થાને કોઇ પણ મહાનગરને ટક્કર મારે એવું પંચરંગી લઘુ ભારત સમું ગાંધીધામ સંકુલ નિર્માણ પામ્યું છે. અને હજુ તેના વિકાસની ક્ષિતિજો વિસ્તરતી જાય છે. અને તેનો વિકાસ સ્વયંભૂ છે. કોઇ પણ રાજકીય નેતા ગાંધીધામના વિકાસની પડખે નથી રહ્યો, પરંતુ તેનું ભૌગોલિક સ્થાન અને અહીંના વસેલા મહેનતું અને ઉધમી વેપારી અને ઉદ્યોગપતિઓએ ગાંધીધામને વધુ વિકસાવ્યું છે અને તેની રચના ખૂબ જ આધુનિક અને ખૂબ જ સુંદર છે. ગાંધીધામ મુખ્યત્વે ઉદ્યોગ-વેપારનું કેન્દ્ર તરીકે વિકસ્યું છે. જયારે આદિપુર તો લઘુ યુનિવર્સિટી જેવું શૈક્ષણિક વિદ્યા મંદિર છે. માત્ર તેને તોલાણી વિશ્ર્વ વિદ્યાલય નામ આપવાની જ જરૂર છે. આજે ગાંધીધામ એક તાલુકો બની ચૂકયો છે. જેમાં આજુબાજુનાં દસ ગામોનો સમાવેશ કરાયો છે. પૂર્વ કચ્છનું અલગ પોલીસ હેડક્વાર્ટર છે. અનેક સરકારી કાર્યાલયો પ્રજાની સેવા માટે કાર્યરત છે. કચ્છ જિલ્લાના બે ભાગમાં વિભાજન કરીને ગાંધીધામને પૂર્વ કચ્છ એમ નામ આપી જિલ્લાની ઓળખ આપવામાં આવે તેટલો વિકાસ થયો છે. અને ગાંધીધામ તે માટે સક્ષમ પણ છે. માત્ર રાજકીય નેતાની કુશળ નેતાગીરીના અભાવે ગાંધીધામને ઘણીવાર અન્યાયનો સામનો કરવો પડે છે.
ભારતનાં અનેક નગરો સાથે રેલસેવા સાથે જોડાયેલું છે. તથા રોડ માર્ગે પણ જોડાયેલ છે. સાથે સાથે કંડલા ઍરપોર્ટથી હવાઇ માર્ગે પણ જોડાયેલ આ નગર છે. આ સંકુલના નિર્માણની પાયા વિધિ તા. ૧૨-૨-૧૯૪૮ના સ્વ. ભાઇ પ્રતાપરાય નૈનવાણી તથા આચાર્ય જે. બી. ક્રિપલાણીએ કરી હતી. નગર નિર્માણ માટે અહીં “સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન’ (સિંધુ પુનર્વસન નિગમ) જ.છ.ઈ. (એસ.આર.સી.)ની સ્થાપના કરવામાં આવી હતી. કંડલા બંદરનો વિકાસ પણ ગાંધીધામ-આદીપુરના નિર્માણ તથા વિકાસ સાથે જ થયો છે. ભાગલાને પગલે સિંધથી સ્થળાંતરિત થઇને આવેલી સિંધી પ્રજા તથા અન્યોને વસાવવા માટે સ્વ. ભાઇ પ્રતાપરાયે એકલપંડે સરકારની સહાય વડે આ સંકુલનું નિર્માણ શરૂ કરાવ્યું ત્યારે અહીં વસવાટ માટે આવતી પ્રજા માટે આજીવિકાનો તથા શિક્ષણનો પ્રશ્ર્ન હતો. તેથી ભાઇ પ્રતાપે ભારે દોડધામ કરીને પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને પહેલાં કંડલા બંદરનો વિકાસ કરાવ્યો તથા ‘કંડલા મુક્ત વ્યાપાર ક્ષેત્ર’ “કંડલા ફ્રિ ટ્રેડ ઝોનના નિર્માણ તથા વિકાસમાં કારણભૂત બન્યા હતાં.
કચ્છમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત આમ તો ભુજમાં થઇ હતી, પરંતુ ત્યારબાદ ૧૯૬૬થી આદિપુરમાં કાકા પ્રભુદાસ તોલાણીએ દાદા દુ:ખાયલ તથા પ્રો. હરિ દરિયાણીની મદદ વડે જે શૈક્ષણિક જ્યોત જલાવી, તેને પરિણામે આદિપુર આજે કચ્છની શિક્ષણ નગરી તરીકે પ્રસ્થાપિત થઇ છે. અહીં વિનયન વિજ્ઞાન, વ્યવસ્થાપન, વાણિજ્ય (કૉમર્સ), ફાર્મસી, એન્જિનિયરિંગના ડિપ્લોમા, કાયદા-કાનૂન, ગૃહવિજ્ઞાન તેમ જ નર્સિંગ કૉલેજ અને બી. એડ કૉલેજની કૉલેજો અહીં, ૪૩ એકરની વિશાળ ભૂમિપર સ્થાપિત કરાઇ છે. અહીં પૂર્વ સાંસદો, કલાપારખુઓ, શિક્ષણશાસ્ત્રીઓ, રાજ્ય તેમ જ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો ગૌરવ પુરસ્કાર સાહિત્ય અકાદમી વિજેતા તથા મિલેનિયમ પુરસ્કાર સાહિત્યકારોએ આ ભૂમિ પર પોતાનાં સેવાકાર્યો દ્વારા સમયની રેત પર ઇતિહાસ કંડાર્યો છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગાંધીધામ -આદિપુરની વસ્તી ૨,૪૭,૯૯૨ જેટલી નોંધાયેલી હતી. આજની તારીખે આ આંકડો ત્રણ લાખ (૩૦૦૦૦૦)ને આંબી ગયો છે. આ પૈકી સિંધી પ્રજાની વસ્તીનો આંક પોણા લાખ તો સાહિત્યકારોની સંખ્યા ૫૦ જેટલી માતબર છે. ગાંધીધામનું શરૂઆતનું નામ “સરદાર ગંજ હતું. કારણ કે તત્કાલીન ગૃહપ્રધાન શ્રી વલ્લભભાઇ પટેલે કચ્છમાં નિર્વાસિતો (પાકિસ્તાનથી વિસ્થાપિત) ભાગલા પછી આવેલ તેમને સમાવેશ માટે મહારાવ જે કચ્છના શ્રી મદનસિંહજી પાસેથી ફાજલ અને બીન ઉપજાઉ જમીન સંપાદિત કરીને જોડિયા શહેર વસાવવાનો નિર્ણય લીધો અલબત્ત શ્રી ગાંધીજી પણ ખૂબ જ આતુર હતા કે સિંધ-થરપારકરથી વિસ્થાપિત થયેલ હિંદુ પરિવારોને ચોક્કસ જગ્યાએ વસાવવામાં આવે અને તે પોતાની રોજી રોટી પણ મેળવી શકે, શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકે અને વતનની નજીક હોય જેવી તેની આબોહવા, વાતાવરણ તેમ જ પર્યાવરણ પણ લગભગ સમાન હોય માટે કચ્છની ભૂમિને પસંદગી કરાઇ અને તેમાં આ ભાગ જે પૂર્વ કચ્છનો હતો અને કંડલા, તુણા દરિયા કિનારાથી ૧૦-૧૨ કિ. મી. જેટલો નજીક હતો. આ જોડિયા શહેરના નામ સરદાર ગંજ અને બીજુ આદીપુર રાખવામાં આવે. આપણે વાત કરીશું ગાંધીધામ નામ કેમ પડયું. જ્યારે એસ.આર.સી. સંસ્થા (સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન) એ આ શહેરોને વસાવવા અને બાંધકામનું બીડુ ઝડપ્યું હતું જ્યારે આ શહેર પૂર્ણતાની અણી પર હતાં ત્યારે ભાઇ પ્રતાપ દયાલ દાસે અને અન્ય એસ.આર.સી. મોભીઓએ મહાત્મા ગાંધીજીને લોકાર્પણ માટે ૩૦ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે સવારે ટેલીગ્રામ (તાર) દ્વારા સંદેશ અને નિમંત્રણ પાઠવ્યું હતું. જે ફેબ્રુઆરીમાં લોકાર્પણ હતું. શ્રી ગાંધીજીને આ ટેલિગ્રામ વાંચીને તેમના અંગત સચિવને કહ્યું કે આ તારીખમાં કોઇ અન્ય કાર્યક્રમ ન રાખીને કચ્છના નવનિર્મિત જોડિયા નગરના લોકાર્પણ માટે હાજરી આપવાનું કહ્યું અને એસ.આર.સી.ના હોદ્દેદારોને સંપર્ક કરી સ્વયં ગાંધીજીએ હાજરી આપવાની તત્પરતા બતાવી, પરંતુ કમનસીબે સાંજે તેજ દિવસે ગાંધીજીની હત્યા થઇ અને તેમની ઇચ્છા જે હતી તે સદેહે તો પૂર્ણ ન થઇ પરંતુ તેને માન રાખીને તેમના અસ્થિનો એક કળશ જોડિયા શહેરમાં મોકલાયો અને તેને આદિપુરમાં તેની સ્થાપના કરી ગાંધીસમાધીનું નિર્માણ થયું તે રાજઘાટ પછી બીજું સ્થાન છે. જયાં ગાંધીજીના અસ્થિ વિસર્જન પામ્યા છે. માટે તેમની ઇચ્છાને માન આપીને આ સમાધી બની માટે સરદારશ્રીએ સ્વયં આ શહેર જે ‘સરદાર ગંજ’હતું તેને પુન:નામકરણ ગાંધીજીના નામથી કરવા એસ.આર.સી.ને પ્રસ્તાવ આપ્યો અને આમ ગાંધીધામ નામ અસ્તિત્વમાં આવ્યું.(ક્રમશ)

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -