ગીતા-મહિમા-સારંગપ્રીત
આપણે ગત અંકમાં જાણ્યું કે ગમે તેવો જીવ જો ભગવાનમાં એકતાર થઈ જાય તો તેની ઊર્ધ્વ ગતિ થાય છે. હવે આવા મુમુક્ષુની પ્રાપ્ય ગતિનું વર્ણન કરતાં ભગવાન કૃષ્ણ કહે છે- “ય઼ખ્રગાર્ધ્ટૈં રુણક્કળખ્રગરુટ અર્થાત એવા ધર્માત્માને શાશ્ર્વત સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. હા, સુખ અને શાંતિની ઝંખના જીવમાત્રને છે.
કોક કવિએ લખ્યું છે –
ગાડી હો, બંગલા હો, સુખ કા સંસાર હો,
દુ:ખ ન મિલે મુઝે, આનંદ કા સંચાર હો
મનુષ્ય જીવનભર મુખ્ય બે વૃત્તિઓથી ઉત્તેજિત થયેલો રહે છે: સુખની ઝંખના અને દુ:ખ પરત્વે અરૂચિ. અણગમતી પરિસ્થિતિ તથા અપ્રિય વસ્તુઓથી તે દૂર ભાગે છે. જ્યારે રોચક વસ્તુઓ અને સંજોગો પાછળ દોટ મૂકે છે; વસ્તુની પ્રિયતા અને અપ્રિયતાનો આધાર તેનાં શરીર અને ઈન્દ્રિયોની અનુકૂળતા અને પ્રતિકૂળતા પર રહેલો છે. આવી પ્રિય વસ્તુઓની શોધમાં સતત મંડેલો માનવી પોતાનું આયુષ્ય ખર્ચી નાંખે છે.
ઈંદ્રિયો મારફત ભોગવાતાં સુખો બાહ્ય જગતની વસ્તુઓમાં રહેલાં છે, એવી માન્યતાને લઈને તેવા પદાર્થોરૂપી સંપત્તિને વધારવામાં, તેનો સંગ્રહ કરી તેને ભોગવવામાં મનુષ્ય રચ્યોપચ્યો રહે છે. પરંતુ જરા વિચારીને જોઈશું તો સમજાશે કે દ્રવ્યની પ્રાપ્તિ કે સંચયમાં સુખ સમાયું નથી. આ સાબિત કરતું જ્વલંત ઉદાહરણ આપણા રોજિંદા જીવનમાં નજરે આવતું જ રહે છે, એક તરફ કરોડો રૂપિયાના બંગલામાં રહેલો માણસ ઊંઘવા માટે પણ દવાની ગોળીઓ વાપરે છે, અને બીજી તરફ ઝૂંપડીમાં રહેતો ચીંથરેહાલ માનવી આનંદ-કિલ્લોલ કરી સુખેથી નિદ્રા માણે છે.
જો આમ જગતની વસ્તુઓમાં સુખ આપવાની શક્તિ હોય તો જે જે મનુષ્ય તેના યોગમાં આવે તે બધાને સરખા પ્રમાણમાં સુખ મળવું જોઈએ; પણ એ સત્યથી વેગળું છે; જેમકે બીડી, સિગારેટ પીનાર વ્યક્તિને એમાં મજા આવતી હોય છે, જ્યારે એની નજીકના માણસને એની ગંધ પ્રત્યે અત્યંત કંટાળો આવતો હોય છે. આમ એક જ વસ્તુ એકને સુખદ અને બીજાને ઉદ્વેગકારક બને છે, એનું કારણ શું ? એટલે મુખ્ય સવાલ એ છે કે સુખ શું છે ?
ઝીણવટથી જોતાં માલૂમ પડશે કે સુખ એ એક આત્મલક્ષી અનુભવ છે અને માનવીને જે સુખ કે દુ:ખનો અનુભવ થાય છે તેનો માનસિક પરિસ્થિતિ સાથે સ્પષ્ટ સંબંધ છે; એક જ વસ્તુ માટે પણ જ્યારે મન શાંત હોય ત્યારે તે સુખ અનુભવે છે અને ક્ષુબ્ધ હોય ત્યારે તે દુ:ખ અનુભવે છે. સુખનો આધાર માનસિક શાંતિના પ્રમાણ પર રહેલો છે.
સૃષ્ટિમાં માનવીનું સ્થાન ઉચ્ચ કક્ષાએ પહોંચેલું છે અને એને એવી શક્તિ બક્ષવામાં આવેલી છે કે જેથી તે આસપાસના પદાર્થો પર આધાર રાખ્યા વગર મન શાંત કરી શકે; પરંતુ આ શક્તિનું તેને ભાન નથી કારણ કે તે સુષુપ્ત અવસ્થામાં છે; આથી તે બહારની ચીજ-વસ્તુઓ મારફત મળતાં સુખના આભાસ પાછળ ફાંફા મારે છે, પરંતુ એથી એને શાશ્ર્વત સુખ કદી મળી શકે એમ નથી.
અલબત્ત માણસને હંમેશાંને માટે સુખી થવું છે. શાશ્ર્વત કાળ સુધી આનંદ મેળવવો છે. પરંતુ તેની શોધ છિછરી છે. કારણ કે માયિક- લૌકિક સુખ નાશવંત અને અપાર દુ:ખનું કારણ છે. એમ શાસ્ત્રોનો મત છે. તો પછી શાશ્ર્વત સુખની પ્રાપ્તિ માત્ર એક અવધારણ જ બની રહેશે? અને જો પ્રાપ્તિ થઈ શકે તો તેનો ઉપાય શો છે?
શાશ્ર્વત સુખની પ્રાપ્તિનો ઉપાય બતાવતાં સારંગપુર પ્રકરણના પહેલાં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડના વિષયસુખ ભેળા કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહીં. અને જે પુરૂષો આવા ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણીને તેમાં રમમાણ રહેતા હોય તેમનો આનંદ આઠે પહોર ચડતો ને ચડતો રહે છે.
જાણીતા પત્રકાર શ્રીહરિકિશન મહેતાએ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે પૂછેલું. તમારા જીવનનો સૌથી આનંદદાયી પ્રસંગ કયો? સ્વામીશ્રી કહે, બધા પ્રસંગ આનંદના છે કાયમ આનંદ, આનંદ અને આનંદ! આ શાશ્ર્વત સુખ બાહ્ય પરિબળોથી પ્રભાવિત થતું નથી. શરીરનાં કષ્ટોમાં પણ આ પરમ સુખ એટલો જ આનંદ આપે છે. જીવનના દરેક સંજોગોમાં અંતર ભરેલું-ભરેલું રહે છે.
ક્ષણિક આનંદ અને મોજ તો ભૌતિક સાધનો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ સ્થાયી આનંદ અને શાંતિ તો આધ્યાત્મિકતાના ધરાતલ ઉપર જ પાંગરે છે. તો ચાલો, આપણે પણ સત્પુરૂષોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી ભગવાનના સુખે સુખિયા થઈએ!