કલમ ૧૪૪ લાગુ કરવાનો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો આદેશ
અકોલા: મહારાષ્ટ્રના અકોલામાં સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટને કારણે બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે બે પોલીસ કર્મચારી સહિત આઠ જણને ઇજા પહોંચી હતી.
અહીંના સંવેદનશીલ જૂના શહેર વિસ્તારમાં શનિવારે રાતે ૧૧.૩૦ વાગ્યે આ ઘટના બની હતી અને પોલીસે ૨૬ લોકોની અટકાયત કરી હતી.
આ ઘટના બાદ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નીમા અરોરા દ્વારા ક્રિમિનલ પ્રોસીજર કોડ (સીઆરપીસી)ની કલમ ૧૪૪ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો, જેના હેઠળ અકોલા શહેરના ચાર પોલીસ સ્ટેશનની હદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકોને ગેરકાયદેસર રીતે એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધાર્મિક પોસ્ટ વાયરલ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી, એમ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સંદીપ ઘુગેએ જણાવ્યું હતું.
બે સમુદાયના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં અમુક વાહનોને નુકસાન થયું હતું, એમ એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મોનિકા રાઉતે કહ્યું હતું.
આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે પથ્થરમારામાં બે પોલીસકર્મી સહિત આઠને ઇજા પહોંચી હતી. હુલ્લડખોરોને વિખેરવા પોલીસે અશ્રૂવાયુના ટેટા ફોડવા પડ્યા હતા અને સ્થિતિ હવે નિયંત્રણમાં છે, એમ રાઉતે જણાવ્યું હતું. આ પ્રકરણે બે કેસ દાખલ કરીને ૨૬ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
સ્થાનિક પ્રશાસન અનુસાર અકોલાના પાલક પ્રધાનને નાતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઘટના પર નજર રાખી રહ્યા છે અને તેમણે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આ ઘટના બાદ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અમરાવતીથી એસઆરપીએફના એક હજાર જવાનોને બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા હતા. પોલીસે લોકોને ગભરાઇ નહીં જવા અને અફવા પર વિશ્ર્વાસ ન રાખવા માટે અનુરોધ કર્યો હતો. (પીટીઆઇ)